યશ ચોપરાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ સાથે અનેક યાદો જોડાયેલી છે. યશ ચોપરાએ શાહરૂખ
ખાન સાથેની એક મુલાકાતમાં પ્રથમ ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ (1959) કેવી રીતે મળી અને હીરો કેમ બદલાયો એની રસપ્રદ અને અજાણી વાતો કરી હતી. યશજીને પ્રથમ તક માત્ર ને માત્ર ભાઈ બી.આર. ચોપરાના કારણે મળી હતી. શરૂઆતમાં યશજી મોટાભાઈની સાથે એક એપ્રેન્ટીસ તરીકે જોડાયા હતા. પછી સહાયક બન્યા હતા.
થોડા સમયા પછી બી.આર. ચોપરાએ વિચાર્યું કે હવે એમના સહાયકને નિર્દેશનની તક આપવી જોઈએ. તે સમયે ઉમ્મી બેદી એમના મુખ્ય સહાયક હતા અને યશજી બીજા સહાયક હતા. ઈમાનદારીથી જોવામાં આવે તો પહેલી તક ઉમ્મી બેદીને મળવી જોઈતી હતી પણ ભાઈને યશજી પ્રત્યે લાગણી હતી એટલે તેમણે રસ્તો કાઢ્યો કે તમે બંને સાથે નિર્દેશન કરો.
યશજીને એક તરફ આનંદની લાગણી હતી અને સાથે દુઃખ પણ હતું કે ક્રેડિટ વહેંચવી પડશે. પણ ઉપરવાળો ક્યારેય એમને નીચું જોવા દેતો નથી. અચાનક ઉમ્મી બેદીને બીજી એક ફિલ્મમાં સ્વતંત્ર નિર્દેશક તરીકેની ઓફર મળી અને તેમણે આ ફિલ્મ છોડી દીધી. ફિલ્મ ‘કરોડપતિ’ (1961) ઉમી બેદીની સૌથી જાણીતી ફિલ્મ છે.

આ એક કોમેડી-ડ્રામા ફિલ્મ હતી. જેમાં કિશોરકુમાર, શશિકલા અને અનુપ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. ઉમી ખસી જતાં કશું જ કર્યા વગર યશજીનો રસ્તો સાફ થઈ ગયો અને સ્વતંત્ર નિર્દેશક બની ગયા. ફિલ્મનું નામ ‘ધૂલ કા ફૂલ’ એમને મહાન કવિ પ્રદીપદાદાએ આપ્યું હતું. તેઓ બહુ મોટા કવિ હતા. તેમને વાર્તા કહી ત્યારે તેમણે તરત જ આ ટાઈટલ સૂચવ્યું હતું. ફિલ્મમાં હીરોનો રોલ થોડો નેગેટિવ હતો. એવો હીરો જે છોકરી સાથે સંબંધ બાંધીને તેને છોડી દે છે. બી.આર. ચોપરાએ રાજકુમારને લેવાનું વિચાર્યું હતું. રાજકુમાર સ્ટુડિયો પર આવ્યા અને બી.આર. ચોપરાને કહ્યું કે હું ઈચ્છું છું કે શૂટિંગ દરમિયાન તમે સેટ પર હાજર રહો.

આ નવો નિર્દેશક (યશ ચોપરા) શું કરશે તેની મને ખબર નથી. યશજી બહાર લોનમાં ઊભા હતા. કારણ કે ત્યારે નવા નિર્દેશકને ઓફિસમાં જવાની પરવાનગી નહોતી. બી.આર. ચોપરાએ રાજકુમારની વાત સાંભળી અને સાંજે જ પ્રોડક્શન ઈન્ચાર્જને કહી દીધું કે રાજકુમારને કહી દો કે તેઓ આ ફિલ્મમાં કામ કરી રહ્યા નથી. એ દિવસે યશજીને સમજાયું કે હિંમત શું કહેવાય અને ફિલ્મ મેકર તરીકે તમારું સ્થાન શું હોય છે. ત્યારબાદ રાજેન્દ્રકુમાર પાસે વાત ગઈ.
રાજેન્દ્રકુમાર શરૂઆતમાં બીજો એક રોલ ઇચ્છતા હતા. એમને એ ભૂમિકા સારી લાગી હતી જે પછીથી મનમોહન કૃષ્ણએ ભજવી હતી. પણ બી.આર. તેમને હીરો તરીકે જ લેવા માગતા હતા. એ માટે એમણે કહ્યું કે તેમને ફિલ્મ ‘કાનૂન’ માં પણ રોલ મળશે. અને આ રીતે રાજેન્દ્રકુમાર ‘ધૂલ કા ફૂલ’ સાથે જોડાયા હતા.




