નિર્દેશક કમાલ અમરોહીની અમર કલાત્મક ફિલ્મોની શ્રેણીમાં આવતી ફિલ્મ ‘પાકિઝા’ ના નિર્માણમાં વર્ષો લાગી ગયા હતા. ફિલ્મને શ્રેષ્ઠ બનાવવા અમરોહીએ જીવનના પંદર વર્ષ આપ્યા હતા. આટલા લાંબા સમય માટે તેમની શ્રેષ્ઠ પરિણામની ધૂન સાથે કલાકારોની મનમાની પણ જવાબદાર હતી. અમરોહીને એવા કલાકારો સાથે પનારો પડ્યો હતો કે એમને સાચવવામાં અડધી શક્તિ ચાલી ગઇ હતી. ફિલ્મનું નિર્માણ શરૂ થયું ત્યારે એને શ્વેત-શ્યામ બનાવવામાં આવી રહી હતી. કેટલાક ગીતો અને પ્રસંગોના શુટિંગ પછી મીનાકુમારીના આગ્રહથી રંગીન બનાવવાનો અમરોહીએ નિર્ણય લીધો હોવાથી ફરીથી બધું શુટિંગ કરવું પડ્યું હતું. વચ્ચે મીનાકુમારી જ એમનાથી એવી રિસાઇ ગઇ કે અનેક વખત મનાવવા છતાં પાછી શુટિંગ પર આવતી ન હતી. બીજી ફિલ્મી હસ્તીઓની મદદથી તેને મનાવતાં અમરોહીના નાકે દમ આવી ગયો હતો.
અનેક વખત મીનાકુમારીની બીમારીને કારણે પણ શુટિંગ રખડી પડતું હતું. ઘણી વખત મજબૂરીમાં મીનાકુમારીના દ્રશ્યોને તેની હમશકલ પર ફિલ્માવવા પડ્યા હતા. રાજકુમારે તો એમને હેરાન કરવામાં કંઇ બાકી રાખ્યું ન હોવાના અનેક કિસ્સા લેખિકા અનિતા પાધ્યેના ‘દસ ક્લાસિક્સ’ પુસ્તકમાં મળી આવે છે. એક દ્રશ્યમાં ઘોડાની લગામ પકડેલા રાજકુમાર પર નાયક હશીમ દ્વારા ચાબુક મારવાનું દ્રશ્ય હતું. તેને એમ કહીને કરવાની ના પાડી દીધી કે તે જુનિયર કલાકારનો માર ખાતું દ્રશ્ય કરતો નથી. અમરોહીએ કેટલીય વખત રાજકુમાર ન આવતાં છેલ્લી ઘડીએ શુટિંગ રદ કરવા પડ્યા હતા. રાજકુમારની હેરાનગતિથી કંટાળી અમરોહીએ સહયોગ ન આપવા બદલ ‘ઇમ્પા’ માં તેના વિરુધ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે નોટિસ આપવામાં આવી હતી. રાજકુમારે નોટિસના જવાબમાં દાંતના દુ:ખાવાને કારણે હાજર રહી શકાયું ન હોવાનું કારણ દર્શાવી તબીબનું પ્રમાણપત્ર જોડ્યું હતું. અમરોહી તેનાથી થાકીને નિર્દેશક કે. આસિફની શરણમાં ગયા હતા.
કે. આસિફે રાજકુમારને તારીખો આપવા રાજી કર્યો એટલું જ નહીં ‘પાકીઝા’ના સેટ ઉપર હાજર રહેવા લાગ્યા. એ પછી પણ એક દ્રશ્યમાં કોટ માટે રાજકુમારે મગજમારી કરી પરેશાન કર્યા હતા. અને ‘ચલો દિલદાર ચલો’ ગીતને અમરોહી ગોવામાં ફિલ્માવવા માગતા હતા ત્યારે તેણે મનાલી જવાની જીદ કરી. પરંતુ અમરોહીએ એ વાત માની નહીં અને તેના વગર ગોવામાં માત્ર કુદરતી દ્રશ્યોનું શુટિંગ કરી ગીત પૂરું કર્યું. એક દિવસ ફિલ્મના કેમેરામેન કે.કે મિસ્ત્રી આવી શકે એમ ન હોવાથી અરવિંદ લાડને બોલાવવામાં આવ્યા હતા. તેમને જોઇ રાજકુમારે નામ પૂછયું ત્યારે તે ‘રાજશ્રી પ્રોડકશન’ ના કેમેરામેન હોવાનું જણાવવામાં આવ્યું. તેણે ત્યાં હાજર કે.આસિફને એમ કહી નારાજગી વ્યક્ત કરી કે આ લોકો ગમે તે કેમેરામેનને ઉઠાવી લાવે છે. ત્યારે કે.આસિફે એમ કહીને એની વાત ઉડાવી દીધી કે કેમેરામેન સાથે તારે શું લેવાદેવા છે. હીરોઇનો પૂછતી હોય છે કે કેમેરામેન કોણ છે. જા જઇને શુટિંગ કર.
કમાલ અમરોહી નિર્દેશક સોહરાબ મોદીની પત્ની મહેતાબને લઇને પણ પસ્તાયા હતા. તેણે એક દ્રશ્યમાં લીલા રંગની ઓઢણીને ગંદી કહીને કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અમરોહીએ એ જ ઓઢણીથી શુટિંગ કરવાનો આગ્રહ કર્યો ત્યારે વારંવાર રીટેક કરાવવા લાગી હતી. મહેતાબ નારાજ થઇને ફિલ્મ છોડી ગયા પછી મીનાકુમારીની ભલામણથી એ ભૂમિકા નાદિરાને આપી. નાદિરા પોતાને મોટી અભિનેત્રી સમજતી હતી અને સેટ પર કર્મચારીઓનું અપમાન કરતી હતી. તેના કારણે સેટ પર તણાવભર્યું વાતાવરણ રહેતું હતું. મહેતાબ પછી પોતાને હટાવી શકશે નહીં એનો નાદિરાને ખ્યાલ હતો. તેના ખરાબ વ્યવહારથી કંટાળીને અમરોહીએ વાર્તામાં ફેરફાર કરી ભૂમિકા ટૂંકી કરી નાખી. એટલું જ નહીં જ્યારે ફિલ્મની લંબાઇ જરૂર કરતાં વધી ગઇ ત્યારે પહેલાં નાદિરાના કેટલાક દ્રશ્યોને કાપી નાખ્યા. ‘પાકિઝા’ ના સેટ પર ઘણી વખત અકસ્માતની ઘટનાઓ પણ બની હતી. ફિલ્મ બનાવતી વખતે આવી અનેક પ્રકારની અડચણો આવી છતાં કમાલ અમરોહી એક કમાલની ફિલ્મ બનાવીને જ રહ્યા.