અભિનેતા દિલીપકુમાર માટે સંગીતકારોએ જે ફિલ્મ પછી કિશોરકુમારના અવાજનો ઉપયોગ કરવાનું ટાળ્યું એ હતી ‘સગીના'(૧૯૭૪). આ ફિલ્મનું ‘સાલા મેં તો સાહબ બન ગયા’ જેવું ગીત લોકપ્રિય થયું હોવા છતાં કોઇએ દિલીપકુમાર માટે કિશોરદાનો અવાજ વાપરવાની હિમત કરી ન હતી. નિર્દેશક તપન સિંહાએ પહેલાં બંગાળીમાં દિલીપકુમાર- સાયરા બાનો સાથે ફિલ્મ ‘સગીના મહાતો'(૧૯૭૦) બનાવી હતી. આ ફિલ્મને અનેક એવોર્ડ મળ્યા હતા. જેમાં બંગાળી ફિલ્મ પત્રકાર સંઘનો અનુપ ઘોષાલને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો. બંગાળી ફિલ્મમાં સંગીત અનુપ ઘોષાલનું જ હતું. આ ફિલ્મને નિર્દેશક તપન સિંહાએ હિન્દીમાં દિલીપકુમાર- સાયરા સાથે બનાવી ત્યારે સંગીતકાર તરીકે એસ.ડી. બર્મનને લીધા હતા.
બર્મનદાએ પહેલી વખત દિલીપકુમાર પર કિશોરકુમારના અવાજનો પ્રયોગ આ ફિલ્મ માટે કર્યો હતો. ત્યારે દિલીપકુમાર પર મોહમ્મદ રફીનો અવાજ વધારે જામતો હતો. જે રીતે મુકેશને ‘વોઇસ ઓફ રાજ કપૂર’ કહેવામાં આવ્યા એ રીતે મોહમ્મદ રફીને ‘વોઇસ ઓફ દિલીપકુમાર’ કહેવામાં આવતા હતા. છતાં બર્મનદાએ કિશોરકુમારને લીધા હતા. ફિલ્મ ‘સગીના’ માં પુરુષ સ્વરમાં બધાં ગીતો કિશોરદાના અવાજમાં હતા. જેમાં ‘સાલા મેં તો સાહબ બન ગયા’ અને ‘ઉપરવાલા દુ:ખીઓં કી નહીં સુનતા’ સોલો હતા. જ્યારે ‘તુમરે સંગ તો રૈન બિતાઇ’ માં લતા મંગેશકરનો અને ‘ગજબ ચમકી બિંદિયા તોરી’ માં આશા ભોંસલેનો સાથ હતો.
એક ગીત ‘છોટે છોટે સપને હમાર’ ખુદ બર્મનદાએ ગાયું હતું. જે બંગાળી ફિલ્મમાંથી લેવામાં આવ્યું હતું. તેનું સંગીત અનુપ ઘોષાલે જ આપ્યું હતું. એ ગીતને ‘સગીના’ ના ટાઇટલ્સ વખતે વગાડવામાં આવ્યું છે. પરંતુ ફિલ્મ બંગાળી વર્ઝનની જેમ સફળ રહી ન હતી. બધાંએ એ વાતની નોંધ લીધી હતી કે દિલીપકુમાર કિશોરકુમારના અવાજ પર હોઠ ફફડાવતા હતા ત્યારે જામતા ન હતા. અન્ય ગાયકોની સરખામણીમાં દિલીપકુમાર પર કિશોરકુમારનો અવાજ શોભતો ન હતો. એ કારણે કોઇ સંગીતકારે પછીથી કિશોરકુમાર પાસે દિલીપકુમારની ફિલ્મના ગીતો ગવડાવ્યા નહીં.
આ સાથે બીજી એક જાણવા જેવી વાત એ છે કે ખુદ ગાયક બનવાનો શોખ ધરાવતા દિલીપકુમારે ૧૯૫૭ ની ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘મુસાફિર’ નું એક ગીત ‘લાગી નાહી છૂટે’ સલીલ ચૌધરીના સંગીતમાં લતા મંગેશકર સાથે પોતાના માટે ગાયું હતું. અને પોતાનું ગાવાનું સપનું પૂરું કર્યું હતું. એ એમનું પહેલું અને છેલ્લું સંપૂર્ણ ગીત હતું. અલબત્ત એ પછી ‘સગીના’ અને ‘કર્મા’ ના ગીતની કેટલીક પંક્તિમાં અવાજ જરૂર આપ્યો હતો. ૧૯૫૦ ના દાયકામાં મોહમ્મદ રફી જ દિલીપકુમાર માટે વધુ ગાતા હતા ત્યારે સલીલદાને ‘લાગી નાહી છૂટે’ માટે એક અલગ અવાજની જરૂર હતી. તેમણે દિલીપકુમારને ક્યારેક ગીત ગણગણતા સાંભળ્યા હતા. એ કારણે તેમની પાસે ગીત ગવડાવવાનો નિર્ણય કર્યો હતો. એમ કહેવાય છે કે લતાજીએ પહેલાં દિલીપકુમાર સાથે ગાવાની ના પાડી હતી અને કોઇ વ્યવસાયિક ગાયક માટે સૂચન કર્યું હતું. સલીલદાએ એમને વિશ્વાસ અપાવ્યો હતો કે દિલીપકુમાર જરૂર ગાઇ શકશે. અને દિલીપકુમારે રાગ આધારિત એ ગીત ખરેખર દિલથી ગાયું હતું.