શબાના આઝમી જેવા જાણીતા કલાકાર હોવા છતાં બાળ ફિલ્મ ‘મકડી’ (2002) ને વેચવા માટે નિર્દેશક વિશાલ ભારદ્વાજને કેટલીય જગ્યાએ ચક્કર કાપવા પડ્યા હતા. નિર્દેશક અભિષેક ચૌબેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મકબૂલ’ (2004) બનાવવાનું સરળ ન હતું. કેમકે ‘મકડી’ બની ગઈ હતી પણ વેચાઈ રહી ન હતી. વિશાલ અને અભિષેક કારની ડિકીમાં ‘મકડી’ ની ફિલ્મ રીલ્સ મૂકીને હાથમાં ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ લઈને એકથી બીજા પ્રોડકશન હાઉસની ઓફિસમાં ફરતા હતા. તેઓ વિનંતી કરતાં હતા કે ‘મકડી’ ખરીદી લો અથવા એમ ના કરવું હોય તો ‘મકબૂલ’ બનાવો.
છ મહિનાની દોડધામ પછી એક સમય એવો આવ્યો કે નિર્માતા બોબી બેદીને ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ પસંદ આવી ગઈ અને એને બનાવવા માટે મંજૂરી આપી દીધી. એ સાથે ‘મકડી’ ના ખરીદનાર પણ મળી ગયા. ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ વિલિયમ શેક્સપિયરની રચના ‘મકબેથ’ પરથી તૈયાર કરવામાં આવી હતી. વિશાલ ભારદ્વાજે અબ્બાસ ટાયરવાલા સાથે મળીને ‘મકબૂલ’ ની અડધી સ્ક્રિપ્ટ તૈયાર કરી રાખી હતી. અભિષેકે એ રચના અગાઉ વાંચી હોવાથી એને ગમી હતી. ફિલ્મમાં જહાંગીર ખાન ‘અબ્બાજી’ ની ભૂમિકા માટે પહેલાં નસીરુદ્દીન શાહને પસંદ કરવામાં આવ્યા હતા. જે પછી પંકજ કપૂરે ભજવી હતી.
ફિલ્મના કલાકારોની પસંદગીની પ્રક્રિયા વખતે નસીરે વિશાલ સાથે બેસીને ઘણો સહયોગ આપ્યો હતો. પહેલાં વિશાલ અને અભિષેકનું એવું આયોજન હતું કે ઈરફાન ખાન અને વિનીત સિંહ ‘પંડિત’ અને ‘પુરોહિત’ ની ભૂમિકા કરશે. પણ નસીરે સૂચન કર્યું કે તે ‘પુરોહિત’ તરીકે અને ઓમ પુરી ‘પંડિત’ની ભૂમિકામાં યોગ્ય રહેશે. નસીરનું કહેવું હતું કે ‘અબ્બાજી’ જેવી ગેંગસ્ટરની ભૂમિકા ઘણી વખત કરી છે. હવે એમાં રસ નથી. અને ઓમ આવી જાય તો હું ઈન્સ્પેકટર પુરોહિત અને ઓમ ઈન્સ્પેકટર પંડિતની ભૂમિકામાં આવીશું તો કંઈક નવું લાગશે. કેમકે એમને અભિનેતા તરીકે બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. જો આ બદમાશ પ્રકારની ભૂમિકા ભજવીશું તો મજા આવશે.
નસીરે ‘અબ્બાજી’ ની ભૂમિકા છોડી એટલે એ માટે શશી કપૂરનું નામ વિચારવામાં આવ્યું હતું. કેમકે એમણે અગાઉ ‘મુહાફિઝ’ કરી હતી. પરંતુ છેલ્લે પંકજ પર પસંદગી ઉતરી હતી. ટાઇટલ ભૂમિકા ‘મિયાં મકબૂલ’ માટે કેકે મેનન પસંદ થઈ ચૂક્યા હતા. એ જોડાયા પછી ફિલ્મનું નિર્માણ શરૂ કરવામાં થોડું મોડું થયું. તારીખો આગળ વધતી ગઈ. મેનનની પાસે બીજી ફિલ્મો હતી અને ‘મકબૂલ’ ની તારીખો નક્કી થઈ ત્યારે એ એમને ફાવે એમ ન હતી.
આ બધું ચાલતું હતું ત્યારે તિગ્માંશુ ધુલિયાની ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘હાસિલ’ (2003) નો પ્રિમિયર યોજાયો. એ ફિલ્મ જોયા પછી ઘરે પહોંચતા પહેલાં જ વિશાલ અને અભિષેકે નક્કી કરી લીધું કે ઈરફાન જ ‘મકબૂલ’ તરીકે યોગ્ય રહેશે. ઇરફાનને બોલાવવામાં આવ્યા અને એમણે વિશાલને હા પાડી દીધી. તબ્બુ પહેલાંથી જ ‘નિમ્મી’ તરીકે નક્કી હતી અને એમાં કોઈ ફેરફારની જરૂર ન હતી. ‘મકબૂલ’ બહુ ઓછા બજેટની ફિલ્મ હતી છતાં વિશાલને જાણીતા કલાકારો મળી ગયા અને કેટલીક સમસ્યાઓ આવી પરંતુ રજૂ થયા પછી બોલિવૂડની એક યાદગાર કલ્ટ ફિલ્મ બની ગઈ હતી.
