‘ત્રિદેવ’ માં ત્રીજી જોડી સૌથી અલગ હતી!

રાજીવ રાયની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘યુદ્ધ’ (1985) ખાસ ચાલી ન હતી. એ પછી ‘ત્રિદેવ’ (1989) થી એમનું નામ થઈ ગયું હતું. એમાં કલાકારોની પસંદગી કેવી રીતે થઈ હતી એની રસપ્રદ વાતો જાણવા જેવી છે. ‘ત્રિદેવ’ માં ત્રણ હીરો અને ત્રણ હીરોઈન લેવાના હતા. હીરોમાં ‘ઈન્સ્પેકટર કરણ સક્સેના’ ની ભૂમિકામાં સની દેઓલ અને ‘રવિ માથુર’ તરીકે જેકી શ્રોફ પસંદ થઈ ગયા.

‘જય સિંઘ’ ની ભૂમિકા માટે મિથુન ચક્રવર્તી પહેલી પસંદ હતો. પરંતુ મિથુને વ્યસ્તતાને કારણે ના પાડી દીધી. એ પછી ચંકી પાંડે સાથે વાત થઈ હતી. એનો ભાવ થોડો વધારે લાગ્યો હોવાથી રાજીવે ના પાડી દીધી. છેલ્લે નસીરુદ્દીન શાહને લેવામાં આવ્યા હતા. જ્યારે નસીરુદ્દીનને સાઇન કરવામાં આવ્યા ત્યારે એ માનતા હતા કે કોઈ ચરિત્ર ભૂમિકા કરવાની હશે. હીરોની ભૂમિકાને અંદાજ ન હતો. અસલમાં નસીરને એ સમય પર પૈસાની જરૂર હતી એટલે ફિલ્મ સાઇન કરી લીધી હતી.

હીરોઈનોમાં સૌપ્રથમ માધુરી દીક્ષિતને સનીની હીરોઈન તરીકે સાઇન કરવામાં આવી હતી. જેકી સામે નીલમને લેવાના હતા. પણ બીજી ફિલ્મો સાથે નીલમની તારીખો બંધબેસતી ન હોવાથી સંગીતા બીજલાનીને લેવામાં આવી હતી. એની પાછળ 1986 ના વર્ષની એક નાંનકડી વાત છે. રાજીવ રાયે સંગીતાને એક ફેશન શૉમાં જોઈ હતી. ત્યારે ફેશન શૉમાં છોકરીઓ હિટ ગીતો પર ડાન્સ કરતી હતી. સંગીતાએ પણ એક ગીત પર ડાન્સ કર્યો હતો. એ જોઈ રાજીવ સંગીતાને મળ્યા હતા અને એક લવ સ્ટોરી ફિલ્મ કરવા કહ્યું હતું. પરંતુ એ ફિલ્મ આગળ વધી શકી નહીં.

એ પછી રાજીવે ‘ત્રિદેવ’ નું આયોજન કર્યું ત્યારે જેકી સામે સંગીતાને સાઇન કરી હતી. અને એને અભિનયની તાલીમ માટે રોશન તનેજાને ત્યાં મોકલી હતી. ‘ત્રિદેવ’ પછી સંગીતાને ‘હથિયાર’ અને ‘કાતિલ’ મળી હતી. એ બંને ફિલ્મો પહેલાં રજૂ થઈ ગઈ હતી. નસીરુદ્દીનની હીરોઈન તરીકે સોનમ આવશે એની કોઈને કલ્પના ન હતી. એ આવી એ પહેલાં યશ ચોપડાની ‘વિજય’ મેળવી ચૂકી હતી.

નસીરુદ્દીનને જાણ થઈ ત્યારે એમણે રાજીવને કહ્યું પણ હતું કે સોનમની ઉંમર મારી દીકરી જેટલી છે. એ કેટલી યોગ્ય લાગશે? રાજીવે જવાબ આપ્યો હતો કે કોઈ વાંધો આવશે નહીં. વ્યાવસાયિક ફિલ્મોમાં બધું જ ચાલે છે. તેમ છતાં રાજીવે સોનમને પૂછ્યું હતું કે તને કોઈ વાંધો નથી ને? ત્યારે સોનમે સંમતિ આપી હતી અને ‘ત્રિદેવ’ થી જ એને સફળતા મળી હતી. ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘તીરછી ટોપીવાલે’ એમના પર જ ફિલ્માવવામાં આવ્યું હતું. નસીરુદ્દીન- સોનમની જોડી જ સૌથી અલગ હતી અને એમણે જ દર્શકોનું ધ્યાન વધારે ખેંચ્યું હતું.