રામેશ્વરીને રાજશ્રી પ્રોડકશને ફરી બોલાવવી પડી

રામેશ્વરીએ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં કોર્સ કર્યા પછી મદ્રાસની વાટ પકડી હતી પણ ફિલ્મોમાં કારકિર્દી માટે મુંબઇ વધારે યોગ્ય હોવાનું લાગ્યું હતું. મુંબઇ આવ્યા પછી ‘તપસ્યા’ (૧૯૭૬) નું નિર્માણ થતું હતું ત્યાં સહેલી આભા સાથે ગયેલી રામેશ્વરીને માત્ર જોઈને જ કોઈ ઓળખાણ વગર એમાં કામ કરતી અભિનેત્રી રાખીએ એક્સ્ટ્રા તરીકે કામ કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તું હીરોઈન બનવી જોઈએ. એમણે ત્યાં સ્ટુડિયોમાં હાજર નિર્દેશકને મળવાનું કહ્યું. એ સાથે એવી માહિતી આપી કે ફિલ્મ ‘બાલિકાવધૂ’ (૧૯૭૬) માટે કલાકારો પસંદ થઈ રહ્યા છે. હીરો તરીકે સચિન પસંદ થઈ ગયો છે. હીરોઈન માટે ઓડિશન ચાલી રહ્યું છે. રામેશ્વરી ત્યાં ગઈ અને એનો સ્ક્રિન ટેસ્ટ લેવામાં આવ્યો. પણ રામેશ્વરી પાતળી હોવાથી સચિન સામે ઘણી લાંબી લાગતી હતી એટલે પસંદ થઈ શકી નહીં.

 

રામેશ્વરીએ રાજશ્રી પ્રોડકશનમાં જઈને પણ પોતાની ઉમેદવારી નોંધાવી. ત્યાં રામેશ્વરીને હીરોઈનની ભૂમિકા માટે કોઈ મહત્વ આપવામાં આવ્યું નહીં. અને એવી સલાહ આપવામાં આવી કે રાજશ્રીના સ્ક્રિપ્ટ વિભાગમાં જોડાઈ શકે છે. રામેશ્વરી અભિનય જ કરવા માગતી હતી એટલે ના પાડી દીધી. એ પછી એક કન્નડ ટૂંકી ફિલ્મમાં કામ કરવાની તક મળી. એ ફિલ્મ માટે ગોવા નજીક ચારેક દિવસનું શુટિંગ કરીને રામેશ્વરી ઘરે જતી રહી હતી. ભવિષ્યમાં આગળ કેવી રીતે વધવું એનું કોઈ આયોજન થયું ન હતું. તે પાછી મુંબઇ આવી ત્યારે ખબર પડી કે રાજશ્રી પ્રોડકશનમાં ગુપ્તાજી એને શોધી રહ્યા છે. રામેશ્વરીને નવાઈ લાગી. જ્યારે એમની સાથે મુલાકાત થઈ ત્યારે રામેશ્વરીએ કહ્યું કે પહેલી વખત હું આવી ત્યારે તમે ભાવ જ આપ્યો ન હતો. એમણે કહ્યું કે તમે કાલે અમારી ઓફિસ પર આવી જજો.

રામેશ્વરીએ શરત કરી કે હું આવું ત્યારે ઓફિસનો દરવાજો ખુલ્લો રાખવો પડશે. હું બહાર બેન્ચ પર રાહ જોતી બેસી રહીશ નહીં. ગુપ્તાજીએ શરત માની લીધી અને રામેશ્વરી ગઈ ત્યારે તરત જ મુલાકાત આપી દીધી. રામેશ્વરીને જ બોલાવવા પાછળનું કારણ એ હતું કે પૂણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટની જેટલી પણ ફિલ્મો બની હતી એ બધી જ એમણે જોઈ હતી. રામેશ્વરીએ છ-સાત ફિલ્મોમાં કામ કર્યું હતું. એમાં ત્રીસની ઉંમરની જ નહીં દસ અને બાર વર્ષની છોકરી પણ બની હતી. એમાં બાર વર્ષની છોકરીની ભૂમિકાવાળી ફિલ્મ ‘સાજનલતા’ બધાને બહુ પસંદ આવી હતી. એના આધારે જ રામેશ્વરીની પસંદગી થઈ રહી હતી. એમણે લેખ ટંડનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘દુલ્હન વોહી જો પિયા મન ભાયે’ (૧૯૭૭) માટે પસંદ કરી લીધી હતી.

 

ફિલ્મ શરૂ થયા પછી રામેશ્વરીને તેલુગુ ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. પણ રાજકુમાર બડજાત્યાએ એને બીજી ફિલ્મ કરવાની ના પાડી હતી. એમનું કહેવું હતું કે તારા સિવાયના બધા જ કલાકાર જાણીતા છે અને બીજી ફિલ્મોમાં કામ કરે છે. તારા કારણે અમારે બીજાની તારીખો માટે દોડભાગ કરવી પડે તો મુશ્કેલી ઊભી થઈ જાય. રાજશ્રીએ ફિલ્મ પૂરી થયા પછી કોઈપણ ફિલ્મ કરવાની સ્વતંત્રતા આપી હતી. અને ‘દુલ્હન વોહી જો પિયા મન ભાયે’ પછી તરત જ રામેશ્વરી મદ્રાસ ગઈ હતી અને તેલુગુ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પૂરી કરવા નિર્દેશક કે. વિશ્વનાથની ‘સીતામાલક્ષ્મી’ (૧૯૭૮) મેળવી હતી.