અમિતાભનો અમિતાભ સામેનો સંવાદ અંગ્રેજીમાં જ રહ્યો!  

અમિતાભ બચ્ચનનો ફિલ્મ ‘નમક હલાલ’ (1982) નો અંગ્રેજી સંવાદ જેટલો જાણીતો છે એટલો એના પછીની ‘આખરી રાસ્તા’ (1986) નો ભલે ના હોય પણ એ વાર્તામાં મહત્વનો બની રહે છે. ‘નમક હલાલ’ નો ‘આઈ કેન ટોક ઈંગ્લીશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન રન ઈંગ્લીશ, બીકોઝ ઈંગ્લીશ ઈઝ અ વેરી ફની લેન્ગ્વેજ’ સંવાદ સાંભળીને હાસ્ય, સમય અને ભાષા સાથે રમવાની અમિતાભ બચ્ચનની ક્ષમતા દર્શાવે છે. જ્યારે ‘આખરી રાસ્તા’નો અંગ્રેજી સંવાદ ડેવિડના પાત્રને એક આધુનિક અને શિક્ષિત માણસ તરીકે સ્થાપિત કરે છે. તેમનું એ દ્રશ્ય ફિલ્મના એકંદર સ્વર અને સંદેશને પણ મજબૂત બનાવે છે.

આ ફિલ્મમાં ન્યાય માટે લડતા પિતા અને પુત્રની વાર્તા છે. અમિતાભ ડબલ રોલમાં દેખાય છે. અમિતાભ બચ્ચનનો આ અંગ્રેજી સંવાદ એક મહત્વપૂર્ણ દ્રશ્યમાં આવે છે જ્યાં તેમનું પાત્ર ડેવિડ ડિસોઝા (જે એક શ્રીમંત ઉદ્યોગપતિ છે) તેમના પુત્ર વિજય (જે એક વકીલ છે) તેની સાથે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે છે. આ દ્રશ્યમાં ડેવિડ તેમના પુત્રને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેણે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. આ સંવાદ ફિલ્મના પ્લોટ અને પાત્રોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જાય છે. નિર્દેશક કે. ભાગ્યરાજ એવું ઇચ્છતા હતા કે પિતા અને પુત્ર વચ્ચેની ચર્ચા અંગ્રેજીમાં થાય. અમિતાભ આ માટે તૈયાર થઈ રહ્યા ન હતા. અમિતાભે કહ્યું કે અમારા દર્શકો અંગ્રેજીમાં આટલા બધા સંવાદો સમજી શકશે નહીં અને કંટાળી જશે. કે. ભાગ્યરાજે સંવાદો ફક્ત અંગ્રેજીમાં રાખવાનો આગ્રહ રાખ્યો. આ બાબતે બંને વચ્ચે લાંબી ચર્ચા થઈ.

અમિતાભને ત્યારે આશ્ચર્ય થયું કે નિર્દેશક તેમની વાત સાથે સહમત થઈ રહ્યા નથી. ફિલ્મના નિર્માતા એ. પૂર્ણચંદ્રરાવ પણ ત્યાં હાજર હતા. નિર્દેશક કે. ભાગ્યરાજે અમિતાભને આખું દ્રશ્ય વિગતવાર સમજાવ્યું કે ડેવિડ અભણ માણસ છે. તેની પત્ની (જયાપ્રદા) શિક્ષિત હતી. તેણીએ તેને વાંચતા અને લખતા શીખવ્યું હતું. એક દ્રશ્યમાં તે તેના અજન્મા બાળક વિશે કહે છે કે એ દિવસ આવવા દો જ્યારે તે પણ અંગ્રેજીમાં બોલશે અને તમે પણ અંગ્રેજીમાં બોલશો. પછી જોઈશું કોણ જીતે છે. પિતાને આ યાદ છે. તેથી જ આ દ્રશ્યમાં તે તેના પુત્ર સાથે અંગ્રેજીમાં દલીલો કરે છે.

અમિતાભે પોતાની દલીલ રાખી કે મોટાભાગના લોકો અંગ્રેજી સંવાદો સમજી શકશે નહીં. કે. ભાગ્યરાજે કહ્યું કે જ્યારે તમે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરશો ત્યારે લોકો તાળીઓ પાડશે. કેમકે આ દ્રશ્યમાં શું કહેવામાં આવી રહ્યું છે તે મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે બંને અંગ્રેજીમાં બોલી રહ્યા છે. નિર્દેશકે કહ્યું કે જો તમને આ બાબતે અનુકૂળતા ના હોય તો આખું દ્રશ્ય એકવાર હિન્દીમાં પણ કરીશું. અમિતાભે કહ્યું કે હવે દ્રશ્ય ફક્ત અંગ્રેજીમાં જ કરીશું. કે. ભાગ્યરાજની સમજાવટ પછી અમિતાભ સંમત થઈ ગયા હતા. નિર્દેશકનો નિર્ણય એકદમ સાચો હતો. સિનેમા હોલમાં આ દ્રશ્ય શરૂ થતાં જ લોકોએ સિનિયર કહેવાનું શરૂ કર્યું હતું. અને પડદા પર અંગ્રેજીમાં અમિતાભને વાત કરતા જોઈને ખુશીથી તાળીઓ પાડતા હતા.