વહીદા રહેમાનની કારકિર્દીમાં કેટલીક ભૂમિકાઓ મહત્વની રહી છે અને એની પાછળ રસપ્રદ વાતો પણ છે. ફિલ્મ ‘ખામોશી’ (1969) ની નર્સ રાધાની ભૂમિકા વહીદાની કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકાઓમાં ગણાય છે. ફિલ્મમાં વહીદાએ બહુ સૂક્ષ્મ મનોભાવ વ્યક્ત કર્યા હતા. એમના હોઠ કરતાં આંખો વધુ બોલતી હતી. શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેરમાં વહીદાનું નામાંકન પણ થયું હતું. વહીદાને એ ભૂમિકા બહુ પસંદ રહી છે. જ્યારે વહીદાએ સુચિત્રા સેનની મુખ્ય ભૂમિકાવાળી એક બંગાળી ફિલ્મ ‘દીપ જવલે જાઈ’ (1959) જોઈ હતી અને એને હિન્દીમાં બનાવવા માટે અનેક નિર્માતાઓ- નિર્દેશકોને કહેતા રહ્યા હતા. એની તેલુગુ રિમેક સાવિત્રી સાથે બની ચૂકી હતી. પરંતુ ચાલી ન હતી.
આશુતોષ મુખર્જીની ટૂંકી વાર્તા ‘નર્સ મિત્રા’ પર આધારિત એ ફિલ્મની વાર્તા પોતાના સમયથી ઘણી આગળ હતી. તેથી હિન્દીમાં કોઈ તૈયાર થતું ન હતું. કેમકે એમને એ વિષય ગંભીર લાગતો હતો અને ફિલ્મ ચાલી શકે એમ લાગતી ન હતી. વહીદાએ દલીલ કરી હતી કે તમે હંમેશા ફિલ્મ ચાલશે કે નહીં એવું કેમ વિચાર્યા કરો છો? ત્યારે તેઓ કહેતા હતા કે આ અમારો ધંધો છે. અમારે એ જોવું જ પડે. ત્યારે વહીદાને એમની વાત સાચી લાગી હતી. એ પછી વહીદા કોઈ જગ્યાએ સંગીતકાર હેમંતકુમારને મળ્યા ત્યારે એમને આ બંગાળી ફિલ્મને હિન્દીમાં બનાવવા વિનંતી કરી. એમાં હેમંતકુમારનું જ સંગીત હતું. એમણે તરત જ પૂછ્યું કે તમે કામ કરશો? ત્યારે વહીદાએ કહ્યું કે હું કામ કરવા માગું છું એટલે જ તમને બનાવવા કહી રહી છું. અને એમણે તરત જ નિર્દેશક આસિત સેન સાથે ફિલ્મ ‘ખામોશી’ પર કામ શરૂ કરી દીધું હતું. એમનું જ સંગીત હતું અને ગુલઝારે લખેલા ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખૂશ્બૂ’ વગેરે ગીતો બહુ લોકપ્રિય રહ્યા હતા.
બંગાળી ફિલ્મમાં નિર્દેશક અસિત સેને એક નાની ભૂમિકા કરી હતી એને હિન્દીમાં ધર્મેન્દ્રએ નિભાવી હતી. વહીદા માટે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ (૧૯૬૨) ની ‘જબ્બા’ ની ભૂમિકા પણ યાદગાર રહી છે. અસલમાં વહીદા મીનાકુમારીવાળી ‘છોટી બહૂ’ ની ભૂમિકા કરવા માગતી હતી પણ શક્ય બન્યું ન હતું. ફિલ્મમાં વહીદાનું મીનાકુમારી સાથે એકપણ દ્રશ્ય ન હતું. વહીદા એ માટે ગુરુદત્તને વિનંતી કરતી હતી.
ગુરુદત્તનું કહેવું હતું કે ફિલ્મ જે બંગાળી નવલકથા પર આધારિત હતી એમાં એવું દ્રશ્ય ન હતું. વહીદાએ એ માટે એવી દલીલ કરી હતી કે સિનેમામાં સ્વતંત્રતા લઈ શકાય છે. ગુરુદત્ત જ્યારે મીનાકુમારી સાથે વહીદા માટે વાત કરે છે ત્યારે એને મળવા લઈ જાય છે એવું દ્રશ્ય રાખી શકાય છે. પણ ગુરુદત્તે એમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વહીદાની મીનાકુમારી સાથે દ્રશ્ય કરવાની બહુ ઇચ્છા હતી એ પૂરી થઈ શકી ન હતી. ‘સાહિબ બીબી ઔર ગુલામ’ માટે મીનાકુમારીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે વહીદાનું સહાયક અભિનેત્રીમાં નામાંકન થયું હતું.