હેમલતાએ ‘બેબી લતા’ બની શરૂઆત કરી

ગાયિકા હેમલતાએ ચોરીછુપી ગીત-સંગીતની તાલીમ લીધી હતી અને બાળપણમાં પહેલી વખત ‘બેબી લતા’ બનીને ગીત ગાયું પછીથી યુવાનીમાં એમનો વિકલ્પ પણ ગણાવા લાગી હતી. હેમલતાના દાદાજી પંડિત જોરાવર ભટ્ટ ઇચ્છતા ન હતા કે એમનો પુત્રી સંગીતના ક્ષેત્રમાં જાય. હેમલતાના પિતાજી જયચંદ ભટ્ટ છ છોકરીઓ પછી એકમાત્ર પુત્રી હોવાથી દાદાજી ઇચ્છતા હતા કે તે ઘરના ધંધામાં જોડાઇ જાય. પરંતુ એમને સંગીતમાં રસ હતો. દાદાજીએ એમને સંગીતથી દૂર કરવાના પ્રયત્નો કર્યા એમાં સફળ ના થયા. આખરે તે ઘર છોડીને હિન્દુસ્તાની સંગીતને સમર્પિત થઇ ગયા. ઘરમાં વાતાવરણ હોવાથી હેમલતાનો નાનપણથી જ સંગીત પ્રત્યે લગાવ હતો.

એ સમય પર રાજસ્થાની પરિવારમાં છોકરીઓને ઘરના કામ સુધી જ સીમિત રહેવાનું હતું. હેમલતાને ડર હતો કે તેના સંગીતના શોખની જાણ થતાં પરિવાર ના પાડશે. તે ઘરમાં કામ કરતાં પણ પિતા સંગીત શીખવતા તે સાંભળતી રહેતી હતી. તે કોઇને ખબર ના પડે એમ પૂજા પંડાલમાં ગાતી હતી. પિતાના શિષ્ય ગોપાલલાલ મલ્લિકને હેમલતાના શોખ અને પ્રતિભાનો અંદાજ આવી ગયો હતો. કલકત્તામાં એક સંગીત કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં લતા મંગેશકર, મો.રફી, કિશોરકુમાર વગેરે અનેક જાણીતા ગાયક કલાકારો પધારવાના હતા. ગોપાલલાલે લતાજી મોડા આવવાના હોવાથી તક ઝડપીને હેમલતાને ‘બેબી લતા’ તરીકે મંચ પર રજૂ કરી.

હેમલતાએ લતાજીનું ‘જાગો મોહન પ્યારે’ ગીત એટલું સરસ ગાયું કે શ્રોતાઓની માંગ થતાં બંગાળી ભાષા સહિતના બાર ગીતો ગાયા. પિતા પોતાની પુત્રીની પ્રતિભા જોઇ આશ્ચ્રર્યચકિત થઇ ગયા. એમના શિષ્યોના દબાણથી હેમલતાને સંગીતની તાલીમ અપાવવાનું શરૂ કર્યું ત્યારે એમણે શરત કરી હતી કે ફિલ્મોમાં ગાશે નહીં. પાછળથી તેમને થયું કે તેની પ્રતિભાને અવરોધવાનો પોતાને હક નથી. પિતાએ હેમલતાને ઉસ્તાદ રઇસ ખાં સાહેબ પાસે મોકલી. એમનો જાણીતા ફિલ્મ સંગીતકારો સાથે સંબંધ હતો. ત્યાં કોઇએ હેમલતાને સંગીતકાર નૌશાદ પાસે લઇ જવાનું સૂચન કર્યું. નૌશાદે મુલાકાત પછી ગીત ગવડાવવાનો વાયદો કર્યો. તેમની શરત હતી કે પાંચ વર્ષ સુધી બીજા કોઇ માટે ગાઇ શકશે નહીં.

હેમલતાએ સંમતિ આપ્યા પછી બોલિવૂડમાં નૌશાદની શોધ વિશે વાત ફેલાઇ ત્યારે બીજા અનેક સંગીતકારોના પ્રસ્તાવ આવવા લાગ્યા. હેમલતાએ એમની શરત પાળી નહીં અને બીજા સંગીતકારો માટે ગાવાનું શરૂ કર્યું. હેમલતાએ સૌપ્રથમ ઉષા ખન્નાના સંગીતમાં ‘એક ફૂલ એક ભૂલ'(૧૯૬૮) માટે ‘દસ પૈસે મેં રામ લેલો’ ગીત ગાયું. પછી કલ્યાણજી-આણંદજી માટે ‘વિશ્વાસ'(૧૯૬૯) માં મુકેશ સાથે ‘લે ચલ મેરે જીવન સાથી’ ગાયું.

હેમલતાને સૌથી વધુ લોકપ્રિયતા રવીન્દ્ર જૈનના સંગીતમાં ગાયેલા ગીતોથી મળી. અસલમાં તેઓ હેમલતાના પિતાના શિષ્ય હતા ત્યારથી જ ઓળખાણ હતી. એ તેમની સાથે બિનફિલ્મી ગીતો ગાતી હતી. એટલે જ્યારે રવીન્દ્ર જૈન સંગીતકાર બન્યા ત્યારે હેમલતાને લાભ થયો. રવીન્દ્રએ એમની પહેલી ફિલ્મ ‘કાંચ ઔર હીરા'(૧૯૭૨) થી જ હેમલતાને તક આપવાનું શરૂ કરી દીધું. ખુદ હેમલતા માને છે કે તેના અવાજની પરિપકવતાનો પરિચય તેમની ફિલ્મ ‘ફકીરા'(૧૯૭૬) ના ગીતોથી થયો. ‘ફકીરા’ ના ‘સુન કે તેરી પુકાર’ અને ‘ચિતચોર'(૧૯૭૬) ના યેશુદાસ સાથેના ‘તૂ જો મેરે સુર મેં સુર મિલા લે’ માટે હેમલતાનું શ્રેષ્ઠ ગાયિકાના ‘ફિલ્મફેર’ એવોર્ડ માટે નામાંકન થયું હતું. તેમાં ‘ચિતચોર’ ના ગીત માટે એવોર્ડ મેળવ્યો. ત્યારે પહેલી વખત એવું બન્યું હતું કે કોઇ કોઇ યુગલગીત માટે એક ગાયિકાને એવોર્ડ મળ્યો હોય. એ પછી અંખિયોં કે ઝરોખોં સે’, ‘મેઘા ઓ રે મેઘા’ અને ‘તુ ઇસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ’ જેવા લોકપ્રિય ગીતો માટે પણ ‘ફિલ્મફેર’ માં હેમલતાનું નામાંકન થયું હતું.