હેમા માલિની એક એવી અભિનેત્રી રહી છે જેણે હંમેશા અંગપ્રદર્શન બાબતે નિર્માતા- નિર્દેશકની સૂચનાની અવગણના કરી. એક નિર્દેશકે તો એ કારણે જ હેમાને ફરી પોતાની ફિલ્મમાં ક્યારેય લીધી ન હતી. બોલિવૂડમાં દર્શકોની માંગને કારણે નિર્દેશકો હીરોઇનો પાસે ગીતોમાં અંગપ્રદર્શન કરાવવાનો મોકો લઇ લેતા હતા. હેમા માલિની શરૂઆતથી જ આ બાબતની સંપૂર્ણ વિરોધી રહી છે. નિર્દેશક લેખ ટંડનની ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’ (૧૯૬૯)માં લતા મંગેશકરે ગાયેલું ‘નસ- નસ મેં અગન, ટુટે હૈ બદન’ ગીત ઉત્તેજક શબ્દો સાથે લટકા-ઝટકા કરીને કરવાનું હતું.
હેમા માલિનીનું આ પ્રથમ કાલ્પનિક ફિલ્મી ગીતનૃત્ય હતું. નૃત્ય નિર્દેશક સાથે રીહર્સલમાં ઉત્તેજક અદાઓ કરતી વખતે હેમા માલિનીએ શરમનો અનુભવ કર્યો હતો એટલે ગીતના ફિલ્માંકન વખતે જાતે જ એમાં ફેરફાર કરી દીધા હતા. આ ગીત માટે નિર્દેશકે હેમા માલિનીની માદકતાને ઉભારતી ઉજળી સફેદ સાડી આપવા કહ્યું હતું. નિર્દેશકે તેને ઘૂંટણ સુધીની જ સાડી પહેરાવવાની સૂચના આપી હતી. હેમા માલિનીને એ વાહિયાત લાગ્યું એટલે લંબાઇ વધારી દીધી. એટલું જ નહીં જ્યાં પણ શરીર દેખાય એવું હતું ત્યાં ત્વચાના રંગનું અસ્તર લગાવડાવ્યું. આ નિયમ તો હેમા માલિનીએ આખી કારકિર્દીમાં બનાવી રાખ્યો.
‘શરાફત’ (૧૯૭૦)માં વેશ્યાની ભૂમિકા ભજવતી હેમા માલિનીએ ચમકદાર વસ્ત્રો સાથે ભડકીલું નૃત્ય ગીત ‘એક દિન આપ કો’ કરવાનું હતું. એમાં તે અપેક્ષા પ્રમાણે લોભામણી અંગભંગિમાં કરી શકી ન હતી. આ કારણે નિર્દેશક અસિત સેનના ગુસ્સાનો ભોગ પણ બની હતી. ફિલ્મ ‘શરીફ બદમાશ’ (૧૯૭૩) માં હેમા માલિનીના પહેલા કેબરે ડાન્સ ગીત ‘મેરી મુહબ્બત મેં, હર એક બદનામ હૈ’ માટે નિર્દેશક રાજ ખોસલાની સ્પષ્ટ સૂચના હતી કે અંગપ્રદર્શન થાય એવા કપડાં પહેરવાના છે. ફેશન ડિઝાઇનર મણિ રબ્બાદીએ એ પ્રમાણે જ કપડાંની ડિઝાઇન બનાવી હતી. પરંતુ કપડાંની ટ્રાયલ વખતે હેમામાલિનીએ જીદ કરીને લંબાઇ અને પહોળાઇમાં વધારો કરાવી દીધો. અને એ પ્રમાણેના કપડાં પહેરીને સેટ પર પહોંચી ત્યારે તેને લાંબી બાંયવાળા ગાઉનમાં જોઇને રાજ ખોસલા ભડક્યા. તેમને હેમા માલિનીની આ હરકત બિલકુલ ના ગમી. પરંતુ ફેરફાર કરાવવામાં શુટિંગમાં મોડું થાય એમ હોવાથી મગજમારી કરવાનું ટાળ્યું.
આ કેબરે ‘સ્ટ્રપટીઝ’ ગીતમાં હેમામાલિનીએ દરેક મુખડા સાથે એક-એક કપડું ઉતારવાનું હતું. હેમા માલિનીએ એ પ્રમાણે જ કર્યું, છતાં તે ગીતના અંતમાં સંપૂર્ણ રીતે ઢંકાયેલી રહી. આ વાત તેણે ‘હેમામાલિની- એક અનકહી કહાની’ પુસ્તકમાં યાદ કરીને કહ્યું છે કે મેં જે રીતે ગીત કર્યું એ નિર્દેશકની કલ્પના મુજબનું જરા પણ ન હતું. આ કારણે તે એટલા નારાજ થયા કે પછી ક્યારેય મને સાઇન ના કરી. ‘નસીબ'(૧૯૮૧) માં ક્લબ ડાન્સરની ભૂમિકામાં ‘મેરે નસીબ મેં તૂ હૈ કિ નહીં’ ગીતમાં હેમા માલિનીએ આખું શરીર ઢંકાય એવો કાળો ગાઉન પહેર્યો હતો. જે પાત્રને અનુરૂપ ન હતો. છતાં નિર્દેશક મનમોહન દેસાઇએ કોઇ ફરિયાદ કરી ન હતી. તેનું કારણ એ હતું કે હેમા માલિની એ રૂપમાં વધારે સુંદર લાગતી હતી.
– રાકેશ ઠક્કર (વાપી)