‘શાન’ ની શાનદાર સ્ટારકાસ્ટ  

‘શોલે’ (૧૯૭૫) ની સફળતા પછી નિર્દેશક રમેશ સિપ્પી એક શાનદાર ફિલ્મ ‘શાન’ બનાવવા જઇ રહ્યા હતા. મોટી સ્ટારકાસ્ટવાળી એ ફિલ્મની એક હીરોઇનને પસંદ કરવાનું કામ તેમના માટે સરળ રહ્યું ન હતું. રમેશ સિપ્પીએ ‘શોલે’ પછી ફરી સલીમ-જાવેદની સાથે ‘શાન’ બનાવવાનું આયોજન કર્યું ત્યારે લોકોની અપેક્ષા વધારે હતી. ‘શાન'(૧૯૮૦) ની વાર્તામાં પણ મોટા સ્ટાર્સની જરૂર હતી. સ્ટારકાસ્ટને શાનદાર બનાવવામાં જ તેમને ઘણો સમય લાગી ગયો. એ કારણે ફિલ્મને તૈયાર થતાં ત્રણ વર્ષ લાગી ગયા હતા. ફિલ્મને લોન્ચ કરવામાં આવી ત્યારે અલગ કલાકારો હતા. એમાં ફેરફાર શરૂ થયો ધર્મેન્દ્રથી.

એમ કહેવાય છે કે રમેશજી સાથે તેને કોઇ બાબતે વાંધો પડ્યો એટલે તે અને હેમામાલિની સાથે જ નીકળી ગયા. જ્યારે રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહ્યું છે કે ધર્મેન્દ્રને પહેલાં અમિતાભવાળી ભૂમિકા ઓફર થઇ હતી. તે પોતાને અસલામત સમજતા હતા અને એ ભૂમિકામાં ધર્મેન્દ્ર પોતાને ફિટ પણ સમજતા ન હતા. ‘શોલે’ પછી ધર્મેન્દ્ર-અમિતાભને ફરી સાથે લેવાનો રમેશજીનો પ્રયત્ન સફળ ના થયો. ખલનાયક ‘શાકાલ’ ની ભૂમિકા સંજીવકુમાર કરવાના હતા. એમને હ્રદયરોગનો હુમલો આવતાં તેમના સ્થાને કુલભૂષણ ખરબંદા આવ્યા.

કુલભૂષણે ટાલિયા ‘શાકાલ’ ની ભૂમિકાને એવા અંદાજ સાથે ભજવી કે તેમની કારકિર્દીનો એક યાદગાર રોલ બની ગયો. એ સમય પર વિનોદ ખન્ના રજનીશ સાથે જોડાયા એટલે તેમણે ફિલ્મ છોડી દીધી. વિનોદનું સ્થાન શત્રુધ્ન સિંહાએ લીધું. ધર્મેન્દ્રના સ્થાને શશી કપૂરને લેવામાં આવ્યા. શશીની હીરોઇન શોધતાં સૌથી વધારે મુશ્કેલી પડી. હેમામાલિનીનો વિકલ્પ શોધવાનું કામ સરળ ના રહ્યું. રમેશજીને સ્ટાર હીરોઇન જોઇતી હતી. ત્યારે રેખા, રીના રૉય અને ઝિનત અમાન વધારે વ્યસ્ત હોવાથી એમના નામ પર ચોકડી લાગી ગઇ.

સીત્તેરના દાયકામાં કલાકારો એકસાથે છ-સાત ફિલ્મો કરતા હોવાથી હીરોઇન મળતી ન હતી. મોસમી ચેટર્જીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે બીજા બાળકની મા બનવાની હોવાથી કામ કરી શકે એમ નથી. જ્યારે નીતૂ સિંઘનો વિચાર કર્યો ત્યારે તે લગ્ન કરવાની હોવાથી એણે ના પાડી.

આખરે નવોદિત બિંદિયા ગોસ્વામી પર કળશ ઢોળવો પડ્યો. બિંદિયા શશી કપૂરથી ઉંમરમાં ઘણી નાની હતી છતાં કોઇ વિકલ્પ ના હોવાથી તેને પસંદ કરવામાં આવી હતી. જોકે, ‘જાનૂં મેરી જાન’ જેવા ગીતમાં જ નહીં આખી ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી જામી હતી. ફિલ્મના સંગીતકાર તરીકે ‘શોલે’ પછી આર.ડી. બર્મન પાકા હતા. તેમણે દરેક ગીત પાછળ મહેનત કરી હતી. ‘પ્યાર કરને વાલે’ (ઉષા ઉથ્થુપ) અને ‘યમ્મા યમ્મા’ (મોહમ્મદ રફી અને આર.ડી. બર્મન) ગીત તો જબરદસ્ત ધૂમ મચાવી ગયા હતા. મોહમ્મદ રફીની ગાયક તરીકેની આ છેલ્લી ફિલ્મ બની રહી.

અસલમાં ‘યમ્મા યમ્મા’નું રેકોર્ડિંગ થવાનું હતું ત્યારે પંચમદાનો અવાજ ખરાબ હતો. મોહમ્મદ રફીએ એવું સૂચન કર્યું કે બંનેએ ગીતનું રેકોર્ડિંગ કરી લેવાનું અને પછી અવાજ સારો થાય ત્યારે પંચમદાએ ફરી ગાઇ લેવાનું. પરંતુ ગીતનું રેકોર્ડિંગ થયાના થોડા દિવસો પછી મોહમ્મદ રફી આ ફાની દુનિયા છોડી ગયા. કોઇ કારણથી ગીતને ફરીથી રેકોર્ડ કરવાનું શક્ય બન્યું ન હોવાથી પંચમદાનો એ જ અવાજ રહેવા દેવામાં આવ્યો. તેમના એ અલગ અવાજને કારણે જ ‘શાન’નું ‘યમ્મા યમ્મા’ ગીત વધારે લોકપ્રિય થયું.

– રાકેશ ઠક્કર (વાપી)