કવિતા કૃષ્ણમૂર્તિએ શ્રીદેવી માટે ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’ (૧૯૮૭) માં ‘હવા હવાઇ’ ગીત ગાયું ત્યારે એમાં ભૂલ રહી ગઇ હતી. જે ધ્યાન પર આવ્યા પછી પણ સુધારવામાં આવી ન હતી. એ સમયમાં કવિતા ડબિંગ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. શુટિંગ કરવા માટે પહેલાં કવિતા જેવા ગાયિકાના સ્વરમાં ગીતને ડબ કરવામાં આવતું હતું. એ પછી જાણીતા ગાયિકા દ્વારા એનું ફાઇનલ રેકોર્ડિંગ થતું હતું. ‘મિ. ઇન્ડિયા’ નું આવું જ એક ગીત ‘હવા હવાઇ’ હતું.
આ ગીત માટે કવિતાએ ઘણી મહેનત કરી હતી. ‘આકા ચિકી લકી ચિકી, ચિકી લકી ચૂ’ જેવા જીભમાં ગોટો વળી જાય એવા શબ્દોની ઘરે ઘણી વખત પ્રેક્ટીસ કરી હતી. તેની માતાને થતું હતું કે છોકરી ગાંડાની જેમ શું બોલ્યા કરે છે! મહેબૂબ સ્ટુડિયોમાં 100 જેટલા વાદ્યકારો અને 30 થી વધુ કોરસની સાથે સંગીતકાર લક્ષ્મીકાંત – પ્યારેલાલે કલાકોની મહેનત પછી આ ગીતનું રેકોર્ડિંગ કર્યું હતું. આ ગીતના રેકોર્ડિંગ વખતે જ ગીતકાર જાવેદ અખ્તરે ‘હસ્સી તોસી લસ્સી પિસી’ જેવા કેટલાક નવા શબ્દો ઉમેર્યા હતા. ‘મોમ્બાસા’ શબ્દ પણ છેલ્લી ઘડીએ ઉમેરાયો હતો. સાત મિનિટ લાંબા આ ગીતના છેલ્લા અંતરા પહેલાં ‘જાનૂં જો તુમને બાત છુપાઇ’ શબ્દો હતા. પરંતુ કવિતાથી ‘જીનૂ જો તુમને બાત છુપાઇ’ બોલાઇ ગયું હતું. કવિતા ‘જાનૂં’ ને બદલે ‘જીનૂ’ બોલાઇ ગયા પછી અટકી ન હતી.
ગીત પૂરું થયા પછી રોકોર્ડિસ્ટે બરાબર રેકોર્ડિંગ થયાનું જાહેર કરી દીધું હતું. બધાં ઝડપથી નીકળવા લાગ્યા હોવાથી કવિતા પોતાનાથી થયેલી ભૂલ વિશે કહી શકી ન હતી. કવિતાને એમ હતું કે આશા ભોંસલે જેવા કોઇ જાણીતા ગાયિકા આ ગીતમાં સ્વર આપશે. તેના આશ્ચર્ય વચ્ચે થોડા સમય પછી લક્ષ્મીકાંતે એને જાણકારી આપી કે ‘હવા હવાઇ’ ગીત એના જ અવાજમાં રાખવામાં આવશે. ત્યારે કવિતાએ પોતે કરેલી ભૂલ યાદ કરીને જણાવી. કવિતાએ સંગીતકારને ફરીથી ગીતનું રેકોર્ડિંગ કરવા કહ્યું. લક્ષ્મીકાંતે જવાબમાં કહ્યું કે કોઇ ફરક પડતો નથી. કોઇને ખબર પડશે નહીં કે ‘જિનૂ’ કહ્યું છે. તમે જે રીતે ગીત ગાયું છે એ રીતે ફરી ગાઇ શકશો નહીં. ખરેખર એવું જ બન્યું. જ્યાં સુધી આ વાત બહાર પાડવામાં ન આવી ત્યાં સુધી કોઇને ગીતમાં થયેલી આ ભૂલનો ખ્યાલ આવ્યો નહીં. ગીત સુપરહિટ બની રહ્યું. એટલું જ નહીં કવિતા કૃષ્ણમૂર્તિની કારકિર્દીના સૌથી સફળ ગીતોમાં ‘હવા હવાઇ’ એક બની રહ્યું છે.