બાંગ્લાદેશની ગાયિકા રૂના લૈલા ફક્ત ભારત-પાકિસ્તાન જ નહીં, દક્ષિણ એશિયાના સૌથી જાણીતા ગાયકોમાંના એક છે. ૧૭ નવેમ્બર, ૧૯૫૨ના રોજ બાંગ્લાદેશના સિલ્હટમાં રૂનાનો જન્મ. આજે એમનો ૬૮ મો જન્મદિન. હિન્દી ફિલ્મોમાં અને ખાસ કરીને ભારતના અનેક શહેરોમાં એમણે કાર્યક્રમો આપ્યા છે.
એમના મોટાબેન દીના લૈલા ભારતીય શાસ્ત્રીય સંગીત શીખતા હતા એમાંથી રૂના પણ સંગીત તરફ વળ્યા. પિતા સૈયદ ઇમદાદ અલી સરકારી કર્મચારી હતા અને એમની નિમણુંક કરાંચીમાં હતી એટલે ત્યાંની સ્કૂલમાં એ ભણ્યા. લોકપ્રિય ગાયક અહમદ રશ્દીની સફળતાથી પ્રેરાઈને રૂનાએ એમને પોતાના ગુરુ માન્યા.
પાકિસ્તાની ફિલ્મ ‘જુગનુ’ (૧૯૬૫)માં રૂનાએ ૧૨ વર્ષની ઉંમરે પહેલીવાર બે ગીતો ગાયા. ૧૪ વર્ષની ઉંમરે પ્રેમગીત પાક ફિલ્મ ‘હમ દોનોં’ માટે ગાયું. હવે રૂના લૈલા પીટીવી પર ગાતા હતા. સિત્તેરના દાયકાની શરૂઆતમાં પાક ‘ઉમરાવ જાન અદા’ માટે એમણે ગાયેલાં ગીતો ખૂબ સફળ થયા.
૧૯૭૪માં રૂનાના આલ્બમનું કોલકાતામાં રેકોર્ડીંગ થયું. મુંબઈમાં એમની પહેલી કોન્સર્ટ થઇ. દિલ્હીમાં ભારતીય સંગીતકાર જયદેવનો પરિચય થયો, જેમણે રૂનાને દોર્યા અને ‘દૂરદર્શન’ના ઉદઘાટન સમારોહમાં રૂના લૈલાને ગાવાની તક મળી. કલ્યાણજી આનંદજીએ રૂના પાસે ‘એક સે બઢકર એક’ માટે ગવડાવ્યું ત્યારે લતા મંગેશકરે રૂનાને આશીર્વાદ આપ્યા હતા. એ પછી ‘મેરા બાબુ છૈલ છબીલા’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ ગાવા બદલ લોકપ્રિયતા મળી. ભારતના ટીવી શો ‘સૂર ક્ષેત્ર’ના જજ તરીકે પણ દેખાયા. એમના સહ-નિર્ણાયિકા આશા ભોસલેને રૂના લૈલાએ પોતાના બહેનરૂપે વર્ણવ્યા હતા. ૨૦૧૫માં ‘ગાયિકા કરિયર’ના પાંચ દાયકા પૂરા કરવાના ઉત્સવ રૂપે કોન્સર્ટમાં પણ ગાયું. રૂનાએ દેશ વિદેશની સત્તર જેટલી ભાષાઓમાં ગીતો ગાયાં છે.
રૂના લૈલા ત્રણવાર પરણ્યા છે. પહેલા ખ્વાજા જાવેદ કૈસર સાથે નિકાહ કર્યા અને પછી સ્વિસ નાગરિક રોં ડેનિયલ સાથે, જેમણે એવા આરોપસર રૂના સામે છૂટાછેડા નોંધાવ્યા હતા કે રૂનાનો આલમગીર સાથે સંબંધ છે. જો કે પછી રૂના એ જ આલમગીરને પરણ્યા. બહેન દીના ૧૯૭૬માં કેન્સરથી મૃત્યુ પામ્યા પછી રૂના લૈલાએ ઢાકામાં કેન્સર હોસ્પિટલ બાંધવા માટે દસ ચેરીટી શો કર્યા હતા. એચઆઈવી-એઇડ્સ અંગે સાર્ક દેશો માટે રૂના લૈલા ગુડવિલ એમ્બેસેડર બનાવાયા. આવું સમ્માન મેળવનાર એ પહેલાં બંગલાદેશી છે.
(નરેશ કાપડીઆ-સુરત)