અબ્બાસ- મુસ્તાન ફિલ્મ સંપાદક તરીકે કામ કરતા હતા પણ એક ગુજરાતી ફિલ્મ નિર્માતાએ નિર્દેશન કરવાની શરત સાથે કામ આપ્યા પછી એમની નિર્દેશક તરીકે જોડી બની ગઈ હતી. એ પછી હિન્દી ફિલ્મના નિર્દેશક બનવા સંઘર્ષ કરવો પડ્યો હતો. અબ્બાસ- મુસ્તાનના પિતાનો ફર્નિચર ભાડે આપવાનો ધંધો હતો. એમણે પુત્રોને એ કામમાં જોડાવાનું કહ્યું હતું. પણ બંને સવારે ૯ થી ૫ ની દુકાનમાં બેસવાની નોકરી કરવા માગતા ન હતા. બંનેએ નક્કી કર્યું હતું કે કોઈ સર્જનાત્મક કામ કરવું. તેમના એક નજીકના કાકા ફિલ્મોમાં એડિટર હતા. એમને પોતાની વાત કરી. કેમકે બંને ભાઈઓને ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો.
વેકેશનમાં તેઓ દરરોજ થિયેટરમાં જઈને ત્રણ- ચાર ફિલ્મો જોતા હતા. એમના કાકાએ કહ્યું કે તમે એડિટિંગ માટે આવશો તો રોજના બે રૂપિયા આપીશ. એમણે કામ શીખવતી વખતે જીવનમાં ઉપયોગી થાય એવી સલાહ આપી હતી કે કોઈપણ ફિલ્મમાં સંપાદન બહુ મહત્વનું કામ છે. જે નિર્દેશકને ફિલ્મ સંપાદનની સમજ છે તે સારી ફિલ્મ બનાવી શકે છે. આમપણ ત્યારે ઘર ચલાવવા રૂપિયાની જરૂર હતી. બંને પોતાની ઘરની જવાબદારી પણ નિભાવવાના આશય સાથે કામે લાગી ગયા. એમને ત્રણ ફિલ્મ સ્ટુડિયોમાં કામે જવાનું થતું હતું અને પૈસા બચાવવા બસમાં જવાને બદલે ચાલીને જતા હતા. હુસેનભાઈ સાથે અબ્બાસ- મસ્તાન કામ કરતા હતા ત્યારે તે નિર્માતા ગોવિંદ પટેલની ફિલ્મોનું સંપાદન કરતા હતા.
ગોવિંદભાઈએ અલગ- અલગ સંપાદનનું કામ કરતા અબ્બાસ અને મુસ્તાનની કામ પ્રત્યેની લગન જોઈ હતી. એક દિવસ એ અબ્બાસ- મુસ્તાનને બહાર જમવા લઈ જઈને દિલની વાત કહી. એમણે કહ્યું કે એ ઈચ્છે છે કે તમે એક ફિલ્મનું નિર્દેશન કરો. કેમકે એમણે બંનેને અલગ રીતે ફિલ્મોના ભૂતિયા નિર્દેશક તરીકે કામ કરતા જોયા હતા. એમનું નામ અપાયું ન હતું એવી ફિલ્મો ગોલ્ડન જ્યુબીલી રહી હતી. એટલે એમની પહેલી શરત એ હતી કે બંનેએ સાથે નિર્દેશન કરવાનું. બંનેએ અગાઉ ભવિષ્ય માટે એવું નક્કી કર્યું હતું કે એક ભાઈ વાર્તા તૈયાર કરી સંભળાવશે અને બીજો ભાઈ નિર્દેશન કરશે.
ગોવિંદ પટેલે એમના પર વિશ્વાસ મૂકીને ફિલ્મ આપી. એમની જોડીએ નરેશ કનોડિયા- સ્નેહલતાની જોડી સાથે પહેલી ગુજરાતી ફિલ્મ ‘સાજણ તારા સંભારણા’ (૧૯૮૫) નું નિર્દેશન કર્યું. એ ફિલ્મએ ગોલ્ડન જ્યુબીલી મનાવી. આ જોડી સાથેની એમની બીજી ફિલ્મ ‘મોતી વેરાણા ચોકમાં’ (૧૯૮૭) માં પણ એટલી જ સફળ રહી. ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય નિર્દેશક બન્યા પછી એમને થયું કે તેઓ મુંબઇમાં હિન્દી ફિલ્મ બનાવવા આવ્યા છે. અને એ માટે પ્રયત્ન શરૂ કરી દીધા.
(અબ્બાસ- મુસ્તાનને નિર્દેશક તરીકેની પહેલી હિન્દી ફિલ્મ ‘અગ્નિકાલ’ માટે બે વર્ષ કેમ સંઘર્ષ કરવો પડ્યો? એની વાત આગામી લેખમાં વાંચશો.)