જુનિયર મહેમૂદને ‘મહેમૂદ’ બનાવાયો   

બાળ કલાકાર તરીકે જુનિયર મહેમૂદે એટલી લોકપ્રિયતા હાંસલ કરી હતી કે એક ફિલ્મમાં નિર્દેશકે તેની પાસે મહેમૂદનું લોકપ્રિય ગીત ઉમેરી એમના રૂપમાં જ રજૂ કરાવ્યું હતું. જુનિયર મહેમૂદનું સાચું નામ નઇમ સૈયદ છે. તેની અભિનયમાં શરૂઆત અચાનક જ થઇ હતી. તે નાનો હતો ત્યારે એક વખત ફોટોગ્રાફર ભાઇની સાથે ફિલ્મનું શુટિંગ જોવા ગયો હતો. ‘કિતના નાજુક હૈ દિલ’ નામની એ ફિલ્મમાં જૉની વૉકર એક સ્કૂલ માસ્તર તરીકે હતા. તે બાળકોને પાઠ ભણાવી રહ્યા હતા. તેમની સામે એક છોકરો સંવાદ બરાબર બોલી શકતો ન હતો.

તે બોલતાં ગભરાતો હતો અને રીટેક થતા હતા ત્યારે નિર્દેશકની ખુરશી પાછળ ઊભેલા નઇમે કહી દીધું કે આટલી અમથી લાઇન બોલી શકતો નથી અને પિકચરમાં અભિનય કરવા આવી ગયો છે. નિર્દેશકે પાછળ ફરીને નઇમ સામે જોયું અને એને આગળ બોલાવી પૂછ્યું કે તું આ લાઇન બોલી શકે છે? નઇમે હા પાડી દીધી. તેણે આત્મવિશ્વાસથી લાઇન બોલી અને શોટ ઓકે થઇ ગયો. એ ફિલ્મ તો બની ના શકી પણ નઇમને બાળ કલાકાર તરીકે કામ મળવા લાગ્યું. એક દિવસ એવો આવ્યો કે મહેમૂદને તેની લોકપ્રિયતાની ખબર પડી. ત્યારે મહેમૂદને નિર્દેશક આર. ભટ્ટાચાર્યની જીતેન્દ્ર- રાજશ્રી અભિનીત ‘સુહાગરાત’ (૧૯૬૮) માં સાળાની ભૂમિકા માટે બાળવયના એક કલાકારની જરૂર હતી. તેમણે નઇમને બોલાવ્યો અને વાતચીત કરી. તે એટલા પ્રભાવિત થઇ ગયા કે પ્રતિ દિવસ ૧૬ રૂપિયાના મહેનતાણાથી ભૂમિકા અપાવી દીધી. દરમ્યાનમાં મહેમૂદની પુત્રી જિન્નીનો જન્મ દિવસ આવી રહ્યો હતો.

મહેમૂદે ફિલ્મના બધા કલાકારોને આમંત્રણ આપ્યું પણ નઇમને નહીં. એ વાતનું નઇમને લાગી આવ્યું. તે મહેમૂદને જઇને કહેવા લાગ્યો કે હું કોઇ નિર્માતા-નિર્દેશકનો પુત્ર નથી એટલે આપની પુત્રીની જન્મ દિવસની ઉજવણીમાં આવી ના શકું? ત્યારે એમણે ભૂલ સ્વીકારીને આવવા માટે આમંત્રણ આપ્યું. નઇમે પાર્ટીમાં એમનો જ એક ડાન્સ રજૂ કરવાની પરવાનગી મેળવી લીધી. પાર્ટીમાં જ્યારે નઇમે મહેમૂદના ‘ગુમનામ’ ના ‘હમ કાલે હૈં તો ક્યા હુઆ’ ગીત પર એમણે પહેરેલા એવા જ લુંગી-બનિયાનમાં ડાન્સ રજૂ કર્યો ત્યારે આફરિન પોકારી ગયા. તેની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લઇ લીધો. બીજા દિવસે એમણે નઇમના પિતાને બોલાવ્યા અને શુકનના સવા પાંચ રૂપિયા આપી નઇમને શિષ્ય બનાવી ‘જુનિયર મહેમૂદ’ તરીકે નામ આપ્યું.

એ દિવસોમાં જુનિયર મહેમૂદને ખબર પડી કે નિર્માતા જી.પી. સિપ્પી શમ્મી કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહ્મચારી'(૧૯૬૮) માટે જુદા જુદા ચહેરાવાળા ૧૨ બાળકોને શોધી રહ્યા છે. એ ત્યાં પહોંચી ગયો અને પસંદ થઇ ગયો. નિર્દેશક ભપ્પી સોની એક દિવસ નિર્દેશક એચ.એસ. રવૈલના ઘરે દૂર્ગા પૂજામાં આવ્યા. જુનિયર મહેમૂદ ત્યારે એમની ‘સંઘર્ષ'(૧૯૬૮) માં કામ કરતો હતો. ભપ્પીએ તેને મહેમૂદના ‘હમ કાલે હૈં તો’ ગીત પર ડાન્સ કરતો જોયો. તેનાથી એટલા પ્રભાવિત થયા કે બીજા દિવસે ‘બ્રહ્મચારી’ ના સેટ પર બધાંની વચ્ચે એની પાસે ડાન્સ કરાવ્યો. લેખક સચિન ભૌમિકે તરત જ ફિલ્મમાં એક પરિસ્થિતિ ઊભી કરીને આ ગીતનો સમાવેશ કરી દીધો. જે તેના પર ‘મહેમૂદ’ ના રૂપમાં ફિલ્માવવામાં આવ્યું. ‘બ્રહ્મચારી’ પછી જુનિયર મહેમૂદને પાછું વળીને જોવું પડ્યું ન હતું. તેણે દો રાસ્તે, હાથી મેરે સાથી, કારવાં વગેરે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.