વકીલાતનો અભ્યાસ કરતા ફારૂખ શેખ નાટકોમાં અભિનય કરી રહ્યા હતા પણ ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો કે વિચાર ન હતો. પરિવારનું કોઈ ફિલ્મોમાં પણ ન હતું કે એ ક્ષેત્રમાં જવાનું કારણ બની શકે. એમણે વકીલાતનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું હતું. એની પાછળ કારણ એવું હતું કે સવારથી સાંજની ચોક્કસ સમયની નોકરી કે પછી કોઈ ધંધો કરવાનું મન ન હતું. વકીલાત એમના સ્વભાવને અનુકૂળ આવે એવું કામ હતું. પણ નસીબમાં અભિનય લખાયો હતો. એક પછી એક ફિલ્મો મળતી ગઈ અને ફારૂખ અભિનયમાં જ રહ્યા. એટલું જ નહીં પોતાની મરજી અને કિંમતે ફિલ્મો કરી.
વકીલાતના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે ‘ઇપ્ટા’ ના નાટકોમાં સક્રિય હતા. દરમ્યાનમાં નિર્દેશક એમ.એસ. સત્યુએ નવા કલાકારો સાથે ફિલ્મ ‘ગર્મ હવા’ (૧૯૭૩) બનાવવાનું નક્કી કર્યું અને એમાં બલરાજ સહાનીના પુત્રની ભૂમિકા ફારૂખને કરવા કહ્યું. ફારૂખે માત્ર શોખ ખાતર ફિલ્મ કરી લીધી. વિવેચકોએ એની ખૂબ પ્રશંસા કરી. એ ફિલ્મ જોઈ નિર્દેશક સત્યજીત રેએ ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ (૧૯૭૭) માં એક ભૂમિકા માટે ફારૂખને પસંદ કરી ફોન કર્યો ત્યારે એ વિદેશમાં રજાઓ ગાળવા ગયા હતા. રેએ જ્યારે ફારૂખને ફોન કરી પોતાના ભારેખમ અવાજમાં અંગ્રેજીમાં કહ્યું કે પહેલી હિન્દી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ બનાવવા જઈ રહ્યા છે એમાં એક ભૂમિકા કરવાની છે.
ફારૂખને સાચું ના લાગ્યું. એણે કહ્યું કે તમારો ખૂબ આભાર. અત્યારે હું રજા પર છું. ફરી ક્યારેક વાત કરીશું. અને ફોન મૂકી દીધો. રેને ખ્યાલ આવી ગયો અને એમણે ફરી ફોન કરી કહ્યું કે હું સત્યજીત રે બોલી રહ્યો છું. ‘શતરંજ કે ખિલાડી’ માં તારે કામ કરવાનું છે. ફારૂખે માફી માગી અને ફિલ્મ સ્વીકારી લીધી પણ કહ્યું કે બે મહિના પછી ભારત આવી શકશે. રેએ કહ્યું કે એનું કામ પછીથી જ રહેશે એટલે વાંધો નથી. આ ફિલ્મ જ્યારે મુઝફ્ફરઅલીએ જોઈ ત્યારે પોતાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ગમન’ (૧૯૭૮) માં એક ટેક્સી ડ્રાઈવરની ભૂમિકા માટે પૂછ્યું. ફારૂખે હા પાડી દીધી. એ પછી ‘નૂરી’ કરી અને એ લોકપ્રિય ગીત-સંગીત સાથે બહુ સફળ રહી. એ કારણે થયું એવું કે ‘જંગલ કી નૂરી’ જેવા અજીબ નામવાળી અનેક ફિલ્મોની ઓફર આવી. પણ વાર્તામાં કોઈ નવીનતા ન હોવાથી દોઢ- બે વર્ષ સુધી કોઈ ફિલ્મ ના કરી.
એક દિવસ સઈ પરાંજપેનો ફોન આવ્યો. એમણે કહ્યું કે એમની પાસે એક વાર્તા છે અને ફિલ્મ બનાવવા માગે છે. ફારૂખ એમના ઘરે ગયા અને ‘ચશ્મે બદ્દુર’ (૧૯૭૧) ની આખી વાર્તા સાંભળી. ફારૂખને એ એટલી પસંદ આવી કે કામ કરવા હા પાડી દીધી. સઈએ નિર્માતા ગુલ આનંદને મળી લેવા કહ્યું. એમણે ચર્ચા કરીને જ્યારે ફી કહી ત્યારે ફારૂખે કહી દીધું કે તે આટલી ઓછી કિંમતે કામ કરશે નહીં. એમણે કહ્યું કે ફિલ્મ બહુ સારી રીતે રજૂ કરવાના છે. ફારૂખે કહી દીધું કે તે ઓછી કિંમતે ફિલ્મ કરશે નહીં. બે વર્ષથી ઘરે બેઠો છું તો વધુ એક વર્ષ બેસી રહીશ. ગુલ માન્યા નહીં. પછી જ્યારે ગુલે સઇને કહ્યું કે એ કિંમત ઘટાડતો નથી. ત્યારે સઈએ કહ્યું કે મારે આ જ અભિનેતા જોઈએ છે. તમે ક્યાંક એડજસ્ટ કરી લેજો. ગુલે ફારૂખને બોલાવીને એની કિંમત આપવા સંમતિ આપી દીધી. એ પછી ફારૂખને ગુલ આનંદ સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી.