યશ ચોપડાની કારકિર્દીમાં ‘ચાંદની’ થી સફળતાનો સૂરજ ઊગ્યો!

ફિલ્મ ‘ચાંદની’ (1989) થી યશ ચોપડાને ચાંદી થઈ ગઈ હતી. ફિલ્મ ઉદ્યોગમાં એક્શન ફિલ્મોનો ટ્રેન્ડ હતો એટલે યશજી એક્શન – ડ્રામા ફિલ્મ ‘વિજય’ (1988) બનાવી રહ્યા હતા. પણ બધા જ આવી ફિલ્મો બનાવી રહ્યા હોવાથી એના નિર્માણ દરમ્યાન એક દિવસ વિચાર્યું કે હું મારા દિલની વાત સાંભળી રહ્યો નથી અને દુનિયા ચાલે છે એમ ચાલી રહ્યો છું. હવે પછી હું એક પ્રેમકથા બનાવીશ. એમણે વાર્તાની શોધ શરૂ કરી દીધી. એમની મુલાકાત ‘પ્રેમરોગ’ ના લેખિકા કામના ચંદ્રા સાથે થઈ. એમણે યશજીની પસંદગી મુજબ પ્રેમકથાની એક વાર્તા સંભળાવી.

મૂળ કથા એવી હતી કે શ્રીદેવીના લગ્ન રિશિ કપૂર સાથે થાય છે. એમને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. રિશિને અકસ્માત નડે છે અને એ પોતાને અસલામત સમજે છે. રિશિનો પરિવાર શ્રીદેવી સાથે ખરાબ વ્યવહાર કરે છે. તેથી તે પતિ અને પુત્રને છોડીને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરમ્યાનમાં તે વિનોદ ખન્નાના પરિચયમાં આવે છે અને લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. અંતમાં શ્રીદેવીનો પુત્ર એમના લગ્ન માટે ઉત્સાહ બતાવે છે. યશજીની એ વાર્તા પસંદ આવી ગઈ અને નામ ‘ચાંદની’ આપી દીધું. પાછળથી યશજીને આ વાર્તા સમયથી ઘણી આગળની લાગી. એમણે સરળ પ્રેમકથા બનાવવી હતી. હીરોઈન તરીકે શ્રીદેવીનો સંપર્ક કર્યો ત્યારે એમણે શ્રીદેવીની એકમાત્ર ફિલ્મ ‘સદમા’ હિન્દી નહીં પણ મૂળ ભાષામાં બનેલી એ જોઈ હતી.

શ્રીદેવી તૈયાર થઈ ગઈ. મુખ્ય હીરો તરીકે રિશિ સાથે વાત કરી અને કહ્યું કે ‘સિલસિલા’ માં રેખાનું નામ ચાંદની રાખ્યું હતું. હવે એ નામથી જ એક ફિલ્મ બનાવી રહ્યો છું. રિશિએ કામ કરવા હા પાડી દીધી અને સાથે એવું સૂચન કર્યું કે તમે અંગ્રેજી ફિલ્મ ‘વૂઝ લાઈફ ઇઝ ઈટ એનીવે?’ જુઓ. યશજીએ એ ફિલ્મ જોઈ અને વાર્તામાં ફેરફાર કરી રિશિ અપંગ બને છે એ ટ્રેક એમાં ઉમેરી દીધો. ‘ચાંદની’ નું શુટિંગ શરૂ થયા પછી એવી વાતો ચાલી હતી કે એક્શન ફિલ્મોના દોરમાં આવી લવસ્ટોરી ચાલશે નહીં. તેથી ફિલ્મમાં એક એકશન દ્રશ્ય એવું રાખ્યું હતું જેમાં પહેલી મુલાકાતમાં વિનોદ ખન્ના શ્રીદેવીને આગથી બચાવે છે. જ્યારે સાઉન્ડ ડિઝાઇનર મંગેશ દેસાઇએ આ દ્રશ્ય જોયું ત્યારે કહ્યું કે તમે ભૂલ કરી છે. ફિલ્મ સાથે આ દ્રશ્ય મેળ ખાતું નથી.

યશજીને એમની વાતમાં દમ લાગ્યો અને એમણે વિનોદ- શ્રીદેવીને એક દિવસ ફરી બોલાવી એમની મુલાકાતનું નવું દ્રશ્ય તૈયાર કર્યું. આ વાત જાણીને વિતરકે કહ્યું કે વિનોદ હોવાથી એક્શન દ્રશ્ય હોવું જ જોઈએ. પણ એમણે સ્પષ્ટ કહી દીધું કે હું મારી ફિલ્મ ખરાબ કરવા માગતો નથી. તેથી વિતરકે ફિલ્મની કિંમત ઓછી કરવાની માંગણી કરી. ત્યારે યશજીએ શરત કરી કે જો ફિલ્મ સફળ થશે તો મારો નફો વધારે રહેશે. વિતરકે હા પાડી દીધી હતી. ફિલ્મની રજૂઆતના બે દિવસ પછી એની સફળતા જોઈ વિતરકે માફી માંગી સ્વીકારી લીધું કે તમે સાચા હતા અને મારું અનુમાન ખોટું પડ્યું છે. યશજી માટે સવાલ, ફાસલે, વિજય વગેરેની નિષ્ફળતા પછી ‘ચાંદની’ કારકિર્દીને જીવનદાન આપી ગઈ હતી.