અભિનેતા– નિર્દેશક ગુરુદત્તની ‘સાહિબ બીવી ઔર ગુલામ’ (૧૯૬૨) ગુમાવી દીધા પછી અભિનેતા વિશ્વજીતને તેમની બીજી એક પણ ફિલ્મ મળી શકી ન હતી. ‘સાહિબ બીવી ઔર ગુલામ’ માટે ના પાડ્યા પછી વિશ્વજીતને એ જ વર્ષે નિર્માતા-ગાયક હેમંતકુમારની પહેલી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨) મળી હતી. એ પહેલાં વિશ્વજીત બંગાળી ફિલ્મોમાં કામ કરતા હતાં. હિન્દી ફિલ્મોમાં કામ કરવા મુંબઇ આવ્યા ત્યારે હેમંતકુમારે ફિલ્મિસ્તાન સ્ટુડિયોના માલિક તોલારામ ઝાલન અને શશધર મુખર્જી સાથે મુલાકાત કરાવી હતી.
હીરો માટેનો ચહેરો ધરાવતા હોવા છતાં વિશ્વજીતને કોઇ ફિલ્મની ઓફર ના મળી એટલે પાછા કલકત્તા આવવું પડ્યું અને ફિલ્મો સાથે નાટકોમાં કામ ચાલુ રાખ્યું. એ સમય પર વિશ્વજીત બિમલ મિત્રાના પુસ્તક પરથી બનેલા એક નાટક ‘સાહિબ બીવી ઔર ગુલામ’માં ‘ભૂતનાથ’ ની ભૂમિકા ભજવતા હતા. ગુરુદત્તે એ વાર્તા પરથી ફિલ્મ ‘સાહિબ બીવી ઔર ગુલામ’ બનાવવાનું નક્કી કર્યું હતું. અને વિશ્વજીત ભજવતા હતા એ જ ‘ભૂતનાથ’ ની ભૂમિકા ઓફર કરી. ત્યારે વિશ્વજીતને ના પાડવી પડી. કેમકે તે વર્ષો સુધી ગુરુદત્ત સાથે કરારમાં બંધાઇ જવા માગતા ન હતા. વિશ્વજીતે ના પાડી એ વાતથી ગુરુદત્તે માઠું લગાડ્યું ન હતું. એ અલગ વાત છે કે પછી તેમણે શશી કપૂરને એ ભૂમિકા સોંપી અને તે સેટ પર કલાકો મોડા આવતાં પોતે જ ભજવવાનું નક્કી કર્યું. ફિલ્મ બધી જ રીતે ઉલ્લેખનીય રહી. કલાકારોના અભિનયની પ્રશંસા સાથે દેશ-વિદેશના એવોર્ડ સમારંભોમાં છવાયેલી રહી. વિશ્વજીતના હાથમાંથી એક મોટી તક સરી ગઇ એમ માનનારાને ગાયક હેમંતકુમારે ખોટા પાડ્યા.
થોડા સમય પછી એક દિવસ હેમંતકુમારે થિયેટરના બેક સ્ટેજમાં જઇ વિશ્વજીતને કહ્યું કે તે બિરેન નાગના નિર્દેશનમાં સસ્પેન્સ હિન્દી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ બનાવી રહ્યા છે. હીરોઇન તરીકે વહીદા રહેમાનને પસંદ કરી છે અને તને હીરો બનાવવા માગું છું. તું થિયેટર છોડી દે. વિશ્વજીત માની ગયા. બંગાળી થ્રિલર ફિલ્મ ‘જિજ્ઞાસા’ (૧૯૫૧) પરથી બનેલી ‘બીસ સાલ બાદ’ સફળ રહી અને ફિલ્મફેરના અનેક એવોર્ડસ મેળવ્યા. ફિલ્મના ગીતોએ ધૂમ મચાવી દીધી.
લતા મંગેશકરે ગાયેલું ‘કહીં દીપ જલે કહીં દિલ’ અને હેમંતકુમારે ગાયેલું ‘બેકરાર કરકે હમેં યૂં ના જાઇએ’ ગીત તો આજે પણ લોકોના હોઠ પર રમે છે. એ પછી વિશ્વજીતે નિર્દેશક બિરેન નાગની બીજી સસ્પેન્સ ફિલ્મ ‘કોહરા’ કરી એ કારણે તેમને ‘સસ્પેન્સ હીરો ફ્રોમ બંગાલ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા. પછી વિશ્વજીતે મેરે સનમ, એપ્રિલ ફૂલ વગેરે રોમેન્ટિક ફિલ્મો કરી ત્યારે ‘કિંગ ઓફ રોમાન્સ’ ની ઓળખ મળી. વર્ષો પછી ગીતા દત્તે વિશ્વજીતને કહ્યું કે તે એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને તેનું નિર્દેશન ગુરુ દત્ત કરવાના છે ત્યારે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર હા પાડી દીધી. પરંતુ થોડા દિવસ પછી ગુરુ દત્તનું અવસાન થઇ ગયું અને એ ફિલ્મ બંધ થઇ ગઇ. અને વિશ્વજીતે ગુરુ દત્ત સાથે કામ કરવાની તક કાયમ માટે ગુમાવી દીધી.
– રાકેશ ઠક્કર (વાપી)