શાહરૂખ ખાન પાસે ‘બાજીગર’ (૧૯૯૩) ગઈ એ પહેલાં બે જાણીતા અભિનેતાનો સંપર્ક થયો હતો. ‘બાજીગર’ ની સ્ક્રીપ્ટ તૈયાર થયા પછી અબ્બાસ- મુસ્તાને સૌથી પહેલું અનિલ કપૂરનું નામ વિચાર્યું હતું. અનિલ ત્યારે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ નું શુટિંગ કરી રહ્યો હોવાથી એના સેટ પર એમને બોલાવ્યા હતા. અનિલે ફિલ્મની વાર્તા સાંભળીને કહ્યું કે ભૂમિકા બહુ સારી છે પણ નકારાત્મક છે. જે મારા માટે જોખમી છે. હું કરી શકીશ નહીં. તમે બીજા કોઈને લઈને પણ જરૂર બનાવો.
એ પછી ફિલ્મના નિર્માતા ‘વીનસ’ ના રતન જૈન તરફથી ‘બાજીગર’ માટે સલીમ ખાનનો સલમાન માટે સંપર્ક કરવામાં આવ્યો. એમણે સલમાન માટે અત્યારે આવી નકારાત્મક ભૂમિકા યોગ્ય ન હોવાનું માન્યું હતું. કેમકે એ વખતે સલમાન ‘રાજશ્રી પ્રોડકશન’ ની પારિવારિક ફિલ્મોમાં વ્યસ્ત હતો. અનિલ અને સલમાન તૈયાર ના થયા એ પછી બધાએ મળીને શાહરૂખ ખાનનો વિચાર કર્યો. કેમકે અગાઉ એણે આવી ફિલ્મ માટે કહી રાખ્યું હતું.
થોડા મહિના પહેલાં જ શાહરૂખ ‘વીનસ’ ની કોઈ ફિલ્મ માટે ઈસ્માઈલ શ્રોફ પાસે વાર્તા સાંભળવા આવ્યો હતો. એ બહાર નીકળ્યો અને શૂઝ પહેરતો હતો ત્યારે એણે અબ્બાસ- મુસ્તાનને ત્યાં બેઠેલા જોયા એટલે મળ્યો અને કહ્યું કે તમારી ‘ખિલાડી’ (૧૯૯૨) બહુ સારી હતી. જો ફરી આવી કોઈ થ્રિલર ફિલ્મ બનાવવાના હોય તો મને જરૂર જણાવજો. એ વાત યાદ કરીને અબ્બાસ- મુસ્તાને શાહરૂખનો સંપર્ક કર્યો ત્યારે એણે રસ બતાવ્યો. શાહરૂખને સ્ક્રીપ્ટ સંભળાવવા માટે ‘બાજીગર’ ના ત્રણ લેખકોને લઈ જ્યારે અબ્બાસ- મુસ્તાન ગયા ત્યારે એણે ના પાડી દીધી અને કહ્યું કે એ લેખકો પાસેથી નહીં નિર્દેશકના મોંએથી વાર્તા સાંભળશે.
અબ્બાસ- મુસ્તાને કહ્યું કે લેખકોની જેમ અમે સારું નરેશન આપી શકીશું નહીં. શાહરૂખે કહ્યું કે સારું- ખરાબ જે કહેશો તે તમે જ કહેશો. મને ખ્યાલ આવવો જોઈએ કે તમે કેવું વિચારી રહ્યા છો. અબ્બાસ- મુસ્તાને ખુરશી પર બેસીને નરેશન આપ્યું ત્યારે શાહરૂખે જમીન પર બેસીને એ સાંભળ્યું અને પછી ઊભો થઈને એમને ગળે મળ્યો. નકારાત્મક ભૂમિકા હોવા છતાં શાહરૂખે વિચાર કરવા માટે પણ સમય લીધો નહીં અને ત્યારે જ કહી દીધું કે જબરદસ્ત વાર્તા છે અને એ ફિલ્મ ‘બાજીગર’ કરી રહ્યો છે.
એ પછી શિલ્પા શેટ્ટીની ભૂમિકા માટે ‘વીનસ’ના હરી સિંહ દ્વારા શ્રીદેવીના નામનું સૂચન થયું હતું. તેમણે બે બહેનોની ભૂમિકામાં શ્રીદેવીને ડબલ રોલમાં લેવા કહ્યું હતું. ત્યારે અબ્બાસ- મુસ્તાને સમજાવ્યું કે શાહરૂખ ભલે એક જ ભૂમિકામાં છે પણ એ બે રૂપમાં છે. એટલે શ્રીદેવીને ડબલ રોલમાં લેવાથી વાર્તામાં ગૂંચવાડો ઊભો થશે. અને શ્રીદેવી કે જુહી ચાવલાને લઈએ એ પછી એને ઉપરથી ફેંકવાનું દ્રશ્ય છે એ જોયા પછી એમના ચાહકો નિરાશ થશે અને પછીની વાર્તામાં એમને રસ રહેશે નહીં. એટલે કોઈ નવી છોકરીને લઈએ. એને નીચે ફેંકવાનું દ્રશ્ય દર્શકોને આંચકો આપી જશે અને આગળ શું થશે એની ઇંતજારી વધી જશે. બધાએ અબ્બાસ- મુસ્તાનની આ વાત સ્વીકારી અને નવી છોકરીની શોધ શરૂ કરી ત્યારે ચરિત્ર અભિનેતા અમૃત પટેલે શિલ્પા શેટ્ટીના નામનું સૂચન કર્યું. જ્યારે અબ્બાસ- મુસ્તાન શિલ્પાને મળ્યા ત્યારે એ ઊંચી અને ખૂબસૂરત હોવાથી પાત્ર માટે યોગ્ય લાગી. શિલ્પાને કોઈ ઓડિશન વગર જ સાઇન કરી લેવામાં આવી હતી. નિર્દેશક અબ્બાસ – મુસ્તાને આ વાત કોમલ નાહટા સાથેની એક મુલાકાતમાં કહી હતી.