અમોલ પાલેકરની નિર્દેશક ઋષિકેશ મુખર્જી સાથેની પહેલી ફિલ્મ ‘ગોલમાલ’ (1979) હિન્દી સિનેમાની યાદગાર કોમેડી ફિલ્મોમાં એક રહી છે. પરંતુ અમોલ અસલમાં ઋષિકેશ મુખર્જી સાથે કામ કરવા માગતા જ ન હતા. ત્યારે અમોલને એક અલગ જ ઋષિદાનો અનુભવ થયો હતો. જ્યારે ઋષિદાએ અમોલને પોતાની ફિલ્મ કરવા માટે ફોન કર્યો અને કહ્યું કે એ તેને મળવા આવશે. ત્યારે અમોલ પાલેકરે કહ્યું કે એ પોતે એમને મળવા આવશે. અમોલ ઘરેથી ઋષિદાને ના પાડવાનું નક્કી કરીને જ નીકળ્યા હતા.
રસ્તામાં એ કારણ શોધતા હતા કે શું કહીને એમને ના પાડી શકાય. તેનું કારણ એ હતું કે ઋષિદા વિષે એમણે ઘણી વાતો સાંભળી હતી. તે કોઈપણ કલાકારને ફિલ્મની વાર્તા તો ઠીક કોઈ બાબત કહેતા ન હતા. સ્ક્રિપ્ટ તો આપતા જ ન હતા. બસ આટલું કરવાનું છે એમ કહી શુટિંગ કરતા હતા. આ બધી વાતો સાંભળી હોવાથી અમોલને થયું કે એમનો દબદબો બહુ છે. હું સ્ક્રિપ્ટ વગર કે ફિલ્મ વિષે ચર્ચા કર્યા વગર કામ કરી શકું નહીં. એમની સાથે કામ કરવાનું મુશ્કેલ બને એમ હોવાથી કોઈ કારણ આપી એમના માન મરતબાને આંચ ના આવે એમ ના પાડવાનું મનોમન નક્કી કરી અમોલ ઋષિદા પાસે પહોંચ્યા હતા. ઋષિદાએ અમોલ સાથે ઘણા કલાક સુધી ફિલ્મ સિવાયની જ બીજી ઘણી અંગત જીવનની વાતો કરી.
અમોલની પુત્રી બેડમિન્ટન ખેલાડી હોવાથી તેની મેચ વિશે પણ ઘણી વાત કરી. માહોલ એવો ઊભો થયો કે અમોલ એ વાત ભૂલી ગયા કે ફિલ્મ માટે આવ્યા છે. પછી છેલ્લે એમણે મુદ્દાની વાત કરી કે હું તારી સાથે એક ફિલ્મ કરવા માંગુ છું. અને એમણે ફિલ્મ ‘ગોલમાલ’ ની આખી વાર્તા એના દરેક દ્રશ્ય સાથે કરી. એમણે એટલું સરસ નરેશન આપ્યું કે અમોલની આંખ સામે ફિલ્મ તરવરવા લાગી હતી. એમની વાત સાંભળી ફિલ્મ કરવાનો નિર્ણય કરીને અમોલથી હસી પડાયું. ઋષિદાએ કારણ પૂછ્યું ત્યારે અમોલે પ્રામાણિકતાથી કહી દીધું કે એ અહીં ના પાડવા આવ્યો હતો.
ઋષિદાએ કારણ પૂછ્યું ત્યારે અમોલે સાચું કહી દીધું. એના જવાબમાં ઋષિદાએ કહ્યું કે જે વ્યક્તિ પાસે સ્ક્રિપ્ટ સાંભળવાનો અને એના વિષે ચર્ચા કરવાનો સમય ના હોય એને હું સ્ક્રિપ્ટ શા માટે સંભળાવું? અત્યારે જે સ્ટાર્સ છે એમની પાસે આવો સમય નથી અને હું તારી ફિલ્મ યાત્રા જોઈ રહ્યો છું. તું જે પ્રકારનું કામ કરી રહ્યો છે, થિયેટર કરી રહ્યો છે એ આપણાને એકબીજા સાથે જોડે એમ છે. તું અલગ પ્રકારનો અભિનેતા છે એની મને ખબર છે. ઋષિદા અમોલના નાટકો જોવા જતાં હતા એટલે અમોલના કામથી પરિચિત અને પ્રભાવિત હતા. ઋષિદાએ એ જ સમય પર અમોલને કહી દીધું હતું કે હું તારી સાથે પાંચ ફિલ્મ કરવા માંગુ છું. અને એ પાંચેયની વાર્તા સંભળાવવા સાથે એમાં શું કરવા માગે છે એ પણ જણાવ્યું હતું. અને આમ ‘ગોલમાલ’ થી અમોલ પાલેકરની નિર્દેશક ઋષિકેશ મુખર્જી સાથેની ફિલ્મોની યાત્રા શરૂ થઈ હતી.