નિર્દેશક એન. ચંદ્રાએ ફિલ્મ ‘શોલે’ (1975) ના એક દ્રશ્ય પરથી પ્રેરણા લઈને ‘તેજાબ’ (1988) ના અનિલ-માધુરીના દ્રશ્યમાં ફેરફાર કર્યો હતો. ‘તેજાબ’ ની સ્ક્રિપ્ટમાં એક દ્રશ્ય હતું. જેનું બીજા દિવસે શુટિંગ થવાનું હતું. જેમાં માધુરી દીક્ષિત અનિલ કપૂરને કહે છે કે તારી સાથે મને જોઈને પિતાએ મને મારી હતી. હું ઘર છોડીને આવી ગઈ છું. આપણે લગ્ન કરી લઈએ. એન. ચંદ્રાએ એ દ્રશ્ય વાંચ્યું પછી લેખક કમલેશ પાંડેને કહ્યું કે આ બહુ સામાન્ય અને સરળ દ્રશ્ય લાગે છે. એમાં મજા આવી રહી નથી.
બીજા દિવસે સવારે નવ વાગે શુટિંગ હતું. એન. ચંદ્રાને નહાતી વખતે એક વિચાર આવ્યો અને એમણે નક્કી કર્યું કે એ દ્રશ્યને અલગ રીતે કરવું જોઈએ અને એમને ‘શોલે’ નું એક દ્રશ્ય યાદ આવી ગયું. જેમાં અમિતાભ અને ધર્મેન્દ્રને સંજીવકુમાર બોલાવે છે અને માણસને એમનો રૂમ બતાવવા કહે છે. જેવા એ અંદર જાય છે અને કેટલાક ગુંડા આવી જાય છે. બંને એમની સાથે લડે છે અને મારીને ભગાવી દે છે. ગુંડાઓએ હુમલો કર્યો એની એમને નવાઈ લાગી રહી હતી ત્યારે સંજીવકુમાર ત્યાં આવે છે અને કહે છે કે પહેલાં મેં તમને લડાઈ કરતાં જોયા હતા પણ હવે હું એ જોવા માગતો હતો કે તમારી બાજુઓમાં હજુ એ દમ છે કે નહીં. એ મારે જોવું હતું એ મતલબનું દ્રશ્ય હતું.
એ દ્રશ્યનો મુદ્દો એમણે ઉઠાવ્યો અને અનિલ-માધુરીનું દ્રશ્ય રચ્યું. જેમાં માધુરી એને છોડીને જવાની વાત કરે છે. ત્યારે અનિલ એના પર ગુસ્સે થાય છે અને બંનેએ પ્રેમ કર્યો હોવાનું કહે છે. ત્યારે માધુરી કહે છે કે હું ઘર છોડીને આવી છું અને એ જોવા માંગતી હતી કે તારામાં હજુ એ આગ છે કે નહીં.
આ વાત એન. ચંદ્રાએ લેખક કમલેશને કહી ત્યારે એમણે કહ્યું કે હમણાં શુટિંગ છે અને દ્રશ્ય નવેસરથી કેવી રીતે લખવાનું? એન. ચંદ્રાએ કહ્યું કે આમ કરવું પડશે અને લેખકે ફરીથી દ્રશ્ય અને સંવાદ લખ્યા. જેમાં માધુરી અનિલને છોડી જવાની વાત કરે છે ત્યારે અનિલ કહે છે કે,‘તૂને સમઝ ક્યા રખા હૈ મુઝે? તૂ મેરી જિંદગી સે ચલી જાયેગી ઔર મેં તુઝે દેખતા રહુંગા? અમીરઝાદી, મેં તેરે લિયે મર સકતા હૂં તો માર ભી સકતા હૂં. મગર મેં કિસી ભી કિંમત પર તુઝે મુઝસે અલગ હોને નહીં દૂંગા.’ ત્યારે માધુરી ગાંડપણ આવ્યું હોય એમ બહુ હસીને પછી કહે છે કે,‘મેં તુમ્હારા યેહી રૂપ દેખના ચાહતી થી… મેં દેખના ચાહતી થી કી જિસ આગ મેં મૈં જલ રહી હૂં ઉસમે તુમ શામિલ હો કે નહીં.’ અને ‘તેજાબ’ નું આ દ્રશ્ય એ બાબતનું ઉદાહરણ બની ગયું હતું કે કોઈપણ દ્રશ્યને વધારે નાટકીય કેવી રીતે બનાવી શકાય છે. એન. ચંદ્રાએ એક સામાન્ય દ્રશ્યને ‘શોલે’ ના દ્રશ્યના વિચારની પ્રેરણા લઈને યાદગાર બનાવી દીધું હતું.
