થોડા વર્ષો પહેલા યુ ટ્યુબ પર 1939 આસપાસની પાલતુ ચિત્તાથી વેળાવદરમાં કાળીયારનો શિકાર કરાવતા મહારાજાની એક ટુંકી ફિલ્મ જોઈ હતી. હમણાં જ થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ફરીથી ચિત્તાને જંગલમાં પુનર્વસન માટેનો પ્રોજેક્ટ શરુ થયો.
આના પરથી વિચાર આવ્યો કે ગુજરાતમાં બ્લેક બક નેશનલ પાર્ક અને આફ્રિકાના જંગલો જ્યાં ચિત્તા રહે તે જંગલો વચ્ચે ધણી સામ્યતા છે. બંન્ને સ્થળો પર ઘાસના મેદાનો છે. આબોહવા પણ ઘણી મળતી આવે, ચિત્તા સામાન્ય રીતે થોમસન ગઝેલ, ઈમ્પાલાનો શિકાર કરે તે અને કાળીયાર વચ્ચે પણ ઘણીજ સામ્યતા છે. આ ઉપરાંત જો વેળાવદરમાં ચિત્તાનો વસવાટ કરવામાં આવે તો તેને શિકારમાં સ્પર્ધા આપે તેવા કોઈ મોટા બિલાડી કુળના પ્રાણી પણ નથી.
સરકાર ગુજરાતના જંગલોમાં જો ચિત્તાના પુનર્વસન અંગે વિચારે તો વેળાવદરનું બ્લેક બક નેશનલ પાર્ક ઘણું મહત્વનું બની રહેશે એવું લાગે છે.