સફારીમાં હાથી જ્યારે તમારી પાછળ પડે ત્યારે..

કોરબેટ નેશનલ પાર્કના વિવિધ ઝોનમાં સફારી થાય છે જેમકે ઢિકાલા, બીજરાની, ઝીરના, ઢેલા, દુર્ગાદેવી, સીતાબની વગેરે. પણ ઢિકાલા અને બીજરાની ઝોનમાં મને સફારી કરવી ખુબ ગમે. એમા પણ ઢિકાલાના ગેસ્ટ હાઉસમાં રહેવાની મજા જ કઇ ઓર છે. હા પણ તમારો મોબાઇલ અહીં ન ચાલે.

4-5 વર્ષ પહેલા એપ્રીલના અંતિમ સપ્તાહમાં અમે સવારની સફારીમાં ઢિકાલા ઝોનમાં ફરી રહ્યા હતા અને ધીમે ધીમે વાઘ શોધવા ગ્રાસલેન્ડમાંથી પસાર થઇ રહ્યા હતા, એ દરમ્યાન એક જીપ્સી અમને ઓવરટેક કરીને આગળ નિકળી. જો કે, જીપ્સી આગળ જઇને ઉભી રહી ગઈ, ત્યાંથી થોડા હાથીનું એક ઝુંડ/ટોળુ રોડ ક્રોસ કરી રહ્યું હતું.

લગભગ 20 હાથી હશે જેમાં 4-5 નાના મદનીયા(બચ્ચા) પણ હતા. અમારા ગાઇડ એ કહ્યું કે બચ્ચા વાળા હાથીના ઝુંડ પસાર થાય પછી તરત જીપ્સી લઇને નિકળવાનું નહી. સામાન્ય રીતે 2-3 હાથણીઓ પાછળથી થોડા અંતરે નિકળે એટલે અમે ઉભા રહ્યા અને અમારી આગળવાળી જીપ્સી એ જવાની શરુઆત કરી. ત્યાં અચાનક ઝાડીમાંથી બે હાથણી તેમને ચાર્જ કરી પાછળ દોડી, ડ્રાયવર એ સમયસુચકતાથી જીપ્સી સ્પીડમાં રીવર્સ લીધી અને એક મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. મારું માનવું છે કે જંગલ સફારીમાં સારુ જ્ઞાન ધરાવતા ગાઇડ અને જીપ્સી ડ્રાઇવર એ બહુ મહત્વના છે.

(શ્રીનાથ શાહ)