નવી દિલ્હી: શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, “હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને 303 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ 15મા દિવસ પર પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.”સરવણસિંહ પંઢેરે વધુમાં કહ્યું, “બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોને મોકલીશું. બુધવારે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. સાથે જ અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માગ કરીએ છીએ જેમની વિરોધ-પ્રદર્શન દરમિયાન ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી છે. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માગુ છું કે કૃપા કરીને અમારા પ્રદર્શનને ટેકો આપે અને અમારા વિરોધનો પ્રચાર કરે.”