ભાજપ ચૂંટણી પ્રચારની સ્ટ્રેટેજી બદલશે… ડોર ટુ ડોર પ્રચાર

ગાંધીનગર– આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાને પોતાના પક્ષની જીત માટે તનતોડ મહેનત કરી અલાયદા વ્યુહની રચના કરી છે. જેમાં સ્ટાર પ્રચારકો અને ડોર ટુ ડોર પ્રચાર કરવાનો જૂનો શિરશ્તો ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અને તે દિશામાં આગળ વધી રહ્યા છે.પાંચ વર્ષ પહેલા સોશિયલ મિડિયા થકી આક્રમક પ્રચાર કરનાર ભાજપે આ રસાકસીભરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પરંપરાગત પદ્ધતિ ડોર-ટુ-ડોર કેમ્પેઇનને આક્રમક બનાવવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ભાજપ સામે થતાં અપપ્રચાર સામે સાચી અને આંકડાકીય, ફોટોગ્રાફ્સ, વિડિયો થકી વળતો પ્રહાર કરવા માટે કરવાની વ્યૂહરચના અપનાવી છે. પ્રથમ ચરણનો પ્રારંભ 7 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે જેમાં ભાજપના ચોપડે નોંધાયેલ પૈકી 60થી 70 લાખ પ્રાથમિક સભ્યોને સક્રિય કરી મેદાનમાં ઉતારવામાં આવશે. આ સમગ્ર ઝુંબેશનું પીએમઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષની કચેરી ઘ્વારા સીધું મોનિટરીંગ થશે.
ભાજપે તેના સમગ્ર પ્રચાર અભિયાનને અનેક તબક્કામાં વહેંચી દીધું છે. ડોર-ટુ -ડોર સંપર્કના પ્રથમ ચરણ પછી બીજા બે અલગ અલગ રીતે લોકસંપર્કના દોર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રેલીઓ, મોરચાઓના કાર્યકરો થકી થનારા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ભારે રસાકસીભરી ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વિશેષ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સ્ટાર પ્રચારકો એવા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો, રાષ્ટ્રીય આગેવાન નેતાઓની આખી ફોજ પ્રચાર કરશે. આ નેતાઓના પ્રચાર પ્રવાસ કાર્પેટ બોમ્બિંગ થાય એવી રીતે ગોઠવવામાં આવશે. તેની સાથોસાથ ભાજપ ડોર-ટુ-ડોર સંપર્ક કરી જનતા સમક્ષ પોતાની વાત પહોંચાડવા કેટલાક ફિલ્મી ચહેરા પણ ઉતારવામાં આવશે. પ્રચાર અભિયાનના અનેક તબક્કા પૈકી ઉમેદવારોની જાહેરાત થયા પછી સમગ્ર ગતિવિધિ માટે પ્રત્યેક બેઠક ઉપર એક રાષ્ટ્રીય નેતા અને તેમના નીચે પ્રદેશ, રાજ્ય કક્ષાના ત્રણથી પાંચ નેતાની ટીમ સમગ્ર જવાબદારી સાથે મતદાનના આગલા દિવસ સુધી જે તે વિસ્તારમાં રોકાશે.
ભાજપે પ્રચાર માટે સાહિત્ય તૈયાર કરીને મથકે પહોચતું કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાહિત્યમાં ભાજપ સરકારની અત્યાર સુધીની તમામ વર્ગો, સમાજ, વિસ્તાર, ગામ, નગર માટે થયેલી કામગીરીની વિગતો આપવામાં આવી છે. જેથી પ્રત્યેક જિલ્લામાં અને તેના તાલુકામાં સરકારની  યોજનાઓ ના લાભો જનતાને કેટલા મળ્યા છે તેની જાણકારી આપવામાં આવી છે. આની સાથોસાથ મોટી પરિયોજનાઓ જેમ કે ” સૌની “, સુજલામ સુફલામ, નર્મદા કેનાલ આધારિત પાઈપલાઈન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી, બુલેટ ટ્રેન, મેટ્રો પ્રોજેક્ટ, નર્મદા ડેમ પર ગેઇટ મુકવાની  કામગીરીને પણ અલગ રીતે જનતા સુધી પહોંચાડવામાં આવશે. આ તમામ પુસ્તિકાઓ, નાની બુકલેટ, ગ્લોસી ચોપાનિયાના રૂપમાં તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે સાઠ લાખ કાર્યકરોને તેમના પરિવાર ઉપરાંત મિત્રો, સગાસંબંધીઓ અને ઓળખીતાઓ વચ્ચે જઈ  પ્રચાર કરવા માટે પ્રેરિત કરાશે. દરેક વોર્ડ, મંડલની ટિમ રહેણાંક વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં ભાજપને રાજકીય રીતે વધારે સંઘર્ષનો સામનો કરવો પડે તેમ છે એવા વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચારથી લઈને પ્રમુખ સુધીના નેટવર્ક ને ફૂલ થ્રોટલ ઉપર દોડતું કરવાની કવાયત આદરવામાં આવી છે.