રાહુલ ગાંધી મંદિરોમાં કેમ જાય છે? ભાજપ માટે મોટો પ્રશ્ન

ગાંધીનગર– ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાનના હવે માત્ર સાત દિવસ બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય નેતાઓના ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. પ્રજામાંથી હજુ જોઈએ તેવો ઉત્સાહ જોવા નથી મળતો. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી વડાપ્રધાનથી લઇ આખુ ભાજપ અકળાઈ ઉઠ્યું છે. એમાંય ખાસ કરીને રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાતથી તો ભાજપ પોતાના વિકાસની અને સરકારે કરેલા કામોની વાતો કરવાને બદલે રાહુલ મંદિરોમાં કેમ જાય છે તેવા મુદ્દા પર ઉતરી આવ્યા છે. વડાપ્રધાન અને ભાજપના પ્રવક્તાઓ પણ બીજું ભૂલી માત્રને માત્ર રાહુલની પાછળ પડી ગયા છે.ભાજપના આ વર્તનથી રાજકીય વાતાવરણમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ખુદ ભાજપના કાર્યકરો જ કહે છે કે જો સરકારે આટલા વિકાસના કાર્યો કર્યા હોય અને આગામી દિવસોમાં શું કરવાનું છે તેવી વાતો કરવામાં આવે તો લોકોને ગમે આમ તો રાહુલ ગાંધીથી ગભરાઈ ગયા હોય તેવી છાપ ઉપસી  રહી છે. ગઈ કાલે રાહુલ ગાંધીની સભામાં લોકોના સ્વયંભૂ આવેલ મેદની જોઈ ભાજપ ચોકી ઉઠ્યું છે.
વડાપ્રધાન અને રાહુલ ગાંધી અત્યાર સુધીમાં પ્રથમ વખત એક જ દિવસે સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધતા જોવા મળ્યા છે. જ્યારથી ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારથી વડાપ્રધાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતો ખુબજ વધી ગઈ છે. એમાંય ભાજપ તરફી મુલાકાત એક પ્રકારનો ચોક્કસ ભય વટાવી રહ્યો છે. વડાપ્રધાને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જસદણ, અમરેલી, ધારી, મોરબી ખાતે જાહેર સભાઓ સંબોધી આ તમામ વિસ્તારોમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ વધારે છે. અને ભાજપને આ વખતે જે ભય સતાવી રહ્યો છે તેમાં મુખ્યત્વે પાટીદાર સમાજનો છે. અને માટે જ ભાજપ દ્વારા આવા વિસ્તારોમાં વડાપ્રધાનની સભાઓ યોજવાનું નક્કી કર્યું છે.
બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાજપના સત્તાકાળમાં થયેલી નિષ્ફળતાઓ અને વહીવટીય અણઆવડત ઉપર મોટા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સભામાં ક્યાંક વડાપ્રધાન ઉપર સીધા પ્રહારો કર્યા નથી તેમાંથી વડાપ્રધાન ખુબ છંછેડાયા છે. અને વિચારમાં પડી ગયા છે કે મારુ નામ કેમ નથી લેતા. પરંતુ કોંગ્રેસ દ્વારા આ વખતે વડાપ્રધાનનું નામ લીધા વગર પ્રચાર કરવાનું નક્કી કર્યું છે.