ભાજપમાં વર્તમાન પ્રમુખ અને બીજા પૂર્વ પ્રદેશ પ્રમુખ ચૂંટણી જંગમાં

ગાંધીનગર– ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં રસપ્રદ વાત તરફ ધ્યાન આપીએ તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના હોમ ગ્રાઉન્ડ રાજકોટ ખાતેથી ચૂંટણી લડી રહ્યાં છે. તો તેની સામે વર્તમાન કોંગ્રેસના યુવા ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ મેદાને ઉતર્યાં છે. તેની સાથે ભાજપમાં હાલ વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ પ્રમુખ આર.સી. ફળદુ ચૂંટણીના જંગમાં છે. પણ આ વખતે ખરાખરીનો જંગ છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાની 9 કરોડની સંપતિ જાહેર કરી છે. તો રાજગુરુએ 141 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જેમાં 116 કરોડની સંપત્તિ તેમને વારસામાં  મળી છે, તેમ દર્શાવ્યું છે. અગાઉ 2012ના વર્ષમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કશ્યપ શુક્લને 4,272 મતથી હરાવી વિજયી થયાં હતાં. આ વખતે શું તેઓ મુખ્યપ્રધાનને હરાવશે કે કેમ તે આગામી 18 ડિસેમ્બરના રોજ ખબર પડશે.
આગામી ચૂંટણીમાં સતાધારી ભાજપ પક્ષમાંથી એક વર્તમાન પ્રદેશ પ્રમુખ અને એક પૂર્વ પ્રદેશ પ્રમુખ ચૂંટણી જંગમાં આવ્યા છે.
વર્તમાન ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી  ભાવનગર ખાતેથી ચૂંટણી લડી રહ્યાં છે. તે પણ હાલમાં ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં 53 હજાર મતની સરસાઈથી જીત્યાં હતાં. પરંતુ ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને આ વખતે તેમની સામે ખૂબ જ મોટો વિરોધ વંટોળ જોવા મળ્યો છે.
તાજેતરમાં ક્ષત્રિય સમાજ દ્વારા અને અન્ય સમાજો  દ્વારા તેમનો વિરોધ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે વિજયી થશે તે આવનારો સમયમાં બતાવશે તેમજ આવનારા સમયમાં પોતાના વિજય માટે કેવી રણનીતિ અપનાવે તે જોવાનું રહ્યું.
ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુને જામનગરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પણ ભૂતકાળમાં ભાજપમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા અને થોડા સમય બાદ તેમને ભાજપ પક્ષ દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પ્રદેશ પ્રમુખમાં અગાઉ ચૂંટણી લડ્યા ત્યારે અને પ્રદેશ પ્રમુખ બન્યાં પછી આજે જયારે ચૂંટણી જંગમાં આવ્યાં છે, ત્યારે તેમની સામે વિરોધ વંટોળ નથી.