બનાસકાંઠા: મહિલાઓની બોલબાલા!

બનાસકાંઠા: આ સરહદી જિલ્લામાં 7 વિધાનસભા બેઠક અને ૧૪ તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરિયાળ જિલ્લો છે. બનાસકાંઠાનો લોકસભા મત વિસ્તાર રાજ્યમાં સૌથી મોટો વિસ્તાર છે. ભૌગિલક દ્રષ્ટિએ બનાસકાંઠા પર્વતીયાળ અને રણપ્રદેશ ધરાવતો વિસ્તાર છે. બેઠક પર ઠાકોર સમાજનો સૌથી વધુ દબદબો જોવા મળે છે. જિલ્લો સૌથી વધુ પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વનો માનવામાં આવે છે અને મોટાભાગે મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે. ત્યારે આ બેઠક પર પણ મહિલાઓના પ્રશ્નોને વાચા આપતી બે દમદાર મહિલાઓની પસંદગી ભાજપ-કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 

ઉમેદવાર:-

ભાજપ: ડૉ. રેખાબેન ચૌધરી 

રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. ડૉ. રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મપત્ની છે. તેમણે M.Sc., M.Phil. અને મેથેમેટિક્સમાં Ph.D.નો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

કોંગ્રેસ: ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોર જિલ્લામાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે. તેમમે B. A. સુધીનો અભ્યાસ કર્યો છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહેલા ગેનીબેને ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને 2017માં હરાવ્યા હતા. ગેનીબેન વાવ પંથક સહિત સરહદી વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. લોક પ્રશ્નોને ખુલીને વાચા આપતા ગેનીબેન ઠાકોર જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે.

PROFILE

  • બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,68,296 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    19,53,287

પુરુષ મતદાર   10,10,152

સ્ત્રી મતદાર     9,43,118

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ  વિજેતા  વોટ લીડ 
વાવ કોંગ્રેસ ગેનીબેન ઠાકોર ૧,૦૨,૫૧૩  ૧૫,૬૦૧
ધાનેરા અપક્ષ માવજી દેસાઈ ૯૬,૦૫૩ ૩૫,૬૯૬
દાંતા(ST) કોંગ્રેસ કાન્તિભાઈ ખરાડી ૮૫,૧૩૪ ૬,૩૨૭
પાલનપુર ભાજપ અનિકેત ઠાકર ૯૫,૫૮૮ ૨૬,૯૮૦
દિયોદર ભાજપ કેશાજી ચૌહાણ ૧,૦૯,૧૨૩ ૩૮,૪૧૪
થરાદ ભાજપ શંકર ચૌધરી ૧,૧૭,૮૯૧ ૨૬,૫૦૬
ડીસા ભાજપ પ્રવિણ માળી ૯૮,૦૦૬ ૪૨,૬૪૭

બનાસકાંઠા બેઠકની વિશેષતા

  • બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટાભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે.
  • ૧૯૯૮થી બનાસકાંઠા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.
  • જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે.
  • છેલ્લા 5 ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જુવાળ રહે છે.
  • બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે.