ભૂપત ભાયાણીએ કર્યો બફાટ, જૂનાગઢથી રાજકારણ ગરમાયું

રૂપાલા વિવાદમાંથી ભાજપ બહાર નીકળ્યું નથી. ત્યાં સૌરાષ્ટ્રના વધુ એક ભાજપ નેતાના વિવાદિત નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણીનો બફાટ સામે આવ્યો છે. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધિત કરતાં તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું ‘રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં’.

વિવાદિત નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા 

લોકસભા ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવારને લઈ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ ભાજપને ઘેરી રહી છે. ત્યારે ભાજપના વધુ એક નેતાના વિવાદિત નિવેદનને લઈ કોંગ્રેસ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂપત ભાયાણીના નિવેદનને લઈ વિપક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) પર પોસ્ટ કરી ભાજપ પર રોષ ઠાલવ્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “Oyo રૂમમાં યુવતી સાથે પકડાયેલા આરોપી અને વિસાવદરની જનતાના ગદ્દાર અને ભાજપના ઉમેદવાર પાસેથી આ પ્રકારની નિમ્નતા અપેક્ષિત જ હોય.” તેમણે પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું કે, “કોઈ માનસિક બિમારી હોય તો કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. હેમાંગ વસાવડા મફત ઈલાજ કરી આપશે.” આ ઉપરાંત ચૂંટણી પરિણામને લઈ તેમણે કહ્યું કે પ્રજા તેમનો ઈલાજ કરશે.