હોળી-ધૂળેટીના તહેવારમાં જેમ રંગોનું વૈવિધ્ય માણવા મળે એમ લોકશાહીમાં ચૂંટણી એવો તહેવાર છે, જેમાં અનેકવિધ રંગોનું મિશ્રણ જોવા મળે છે. 16 માર્ચે ચૂંટણી પંચે આ ‘પંચવર્ષીય ધૂળેટી’ નું એલાન કર્યું એની સાથે વિવાદના ગુલાલ ઉડવાના પણ શરૂ થઇ ચૂક્યા છે.
ચૂંટણીના આ તબક્કે પહેલી નજરે શું દેખાય છે?
દેખીતી રીતે જ, નરેન્દ્ર મોદી અને ભાજપનો અશ્વ આગળ દેખાય છે. ચૂંટણીના અસલી રંગો તો રાજકીય નેતાઓ જાહેરસભાઓમાં અને કાર્યકર્તાઓ સોશિયલ મિડીયામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપની પિચકારીઓ મારશે ત્યારે દેખાશે, પણ હાલની સ્થિતિએ સત્તારૂઢ એનડીએ અને વિરોધીદળ ઇન્ડિયા એલાયન્સ ક્યાં છે એ સમજવા એમની ચૂંટણી રણનીતિ સમજવાનો પ્રયત્ન કરીએ.
એકઃ દખ્ખણભણી મીટ
અબ કી બાર ચારસો કે પાર કરવા જંગે ચડેલી મોદીસેનાએ હકીકતમાં 400 પ્લસ બેઠક લાવવી હોય તો દક્ષિણ ભારતમાં ફતેહ કર્યા વિના છૂટકો નથી એ વાત ભાજપ નેતૃત્વ જાણે છે. ઉત્તરભારતના હિન્દીભાષી રાજ્યોમાં ભાજપ ટોચ પર છે, એનાથી ઉપર જઇ શકાય એમ નથી એટલે 400 પ્લસ માટે દક્ષિણમાં ભગવો લહેરાવવો જ પડે.
એ માટે ભાજપનું પહેલું લક્ષ્ય છે કોઇપણ હિસાબે તામિલનાડુમાં એન્ટ્રી કરવાનું. ગયા વર્ષે નવા સંસદભવનમાં સ્પીકરની ખુરશી પાસે તામિલનાડુના ચોલા વંશના રાજદંડ સેંગોલની પ્રતિષ્ઠા પછી ભાજપ તામિળ મતદારોના રીઝવવા આકાશપાતાળ એક કરી રહ્યો છે. પાંચ રાજ્યની 129 બેઠક પૈકી કર્ણાટકમાં પક્ષ પાસે જનાધાર છે, પણ આંધ્ર, તેલંગણા, તામિળનાડુ અને કેરળમાં એ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા થકી જનાધાર ઉભો કરવા મથી રહ્યો છે. તમે જાણો જ છો કે, જાન્યુઆરીમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અને એ પછી હમણાં સુધી વડાપ્રધાન દક્ષિણ ભારતના મોટાભાગના મંદિરોમાં માથું ટેકવી આવ્યા છે.
બેઃ અવધ મેં હોલી ખેલે રઘુવીરા
ઉત્તર ભારતમાં અમુક અંશે પંજાબ સિવાય ભાજપ માટે બહુ મુશ્કેલી નથી કેમ કે, રામમંદિરનો જે મુદ્દો 90ના દાયકામાં વિરોધી છાવણીમાં ભાજપ પાસે હતો એમ આજે શાસક છાવણીમાં ય ભાજપ પાસે છે. રામમંદિર મુદ્દે બહારથી ચૂંટણીલક્ષી જુવાળ ન દેખાય તો પણ પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રઘુવીર હોલી ખેલી રહ્યા છે એ વાત ભાજપના નેતાઓ ભૂલવા દેતા નથી. ઉત્તર પ્રદેશના મેરઠમાં રામાયણ સિરીયલના રામ, અરુણ ગોવિલને ટીકીટ એનું પ્રતીક છે. રામમંદિરની પ્રતિષ્ઠા વખતે ઘેર ઘેર ભગવો ધ્વજ અને એ પછી ઘેર ઘેર પ્રસાદ એટલું જ ભાજપ માટે પર્યાપ્ત હતું.
ત્રણઃ નેતાઓ નિશાને પે
વિરોધ પક્ષના મહત્વના નેતાઓને એમના જ મતવિસ્તારમાં વ્યસ્ત રાખવા એ ભાજપની રણનીતિનો ત્રીજા મહત્વનો ભાગ છે. કેરળમાં શશી થરુરની સામે કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર રાજ્યસભામાં ચૂંટાયેલા હોવા છતાં ય લડે છે. બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે અજીત પવારના ભાભીને ઉભા રાખવા એના ઉદાહરણો છે. બંગાળમાં સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને એ જ વિસ્તારમાંથી ઉમેદવાર બનાવી ભાજપે મમતાની મુશ્કેલી જ વધારી છે તો રાયબરેલીમાં કોંગ્રેસ સોનિયાના સ્થાને કોને ઉતારે છે એની ભાજપ રાહ જોઇ રહ્યો છે. અમેઠીની બેઠક જે રીતે સ્મૃતિ ઇરાનીએ કબજે કરી એ જ રીતે રાયબરેલી ભાજપનું નવું નિશાન છે. વિરોધ પક્ષના મહત્વના નેતાઓને એમના જ મતવિસ્તારમાં પડકારીને વ્યસ્ત રાખવા અને એ રીતે મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું કરવું એ ભાજપની રણનીતિનો જ એ ભાગ છે.
ચારઃ વિરોધીઓની કમર તોડો
ભાજપ જાણે છે કે કોંગ્રેસ હોય કે સમાજવાદી, આરજેડી, શરદ પવારનું એનસીપી જેવા સાથી પક્ષો અત્યારે એના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે, કાં તો લડવાનું ઝનૂન ખોઇ બેઠા છે. એવામાં એમના મહત્વના નેતાઓને યેનકેન પ્રકારે તોડીને પક્ષમાં લવાય તો વિરોધીઓનું મનોબળ તૂટે. બિહારમાં નીતિશકુમારનો ખેલ પાડ્યા પછી મધ્યપ્રદેશમાં કમલનાથના નજીકના લોકો સહિત વિરોધ પક્ષના નેતાઓને જે રીતે ભાજપ પ્રવેશ આપી રહ્યો છે એમાં આ જ ગણિત છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર હકીકતમાં કઇ તરફ છે એ હજુ પવાર સિવાય કોઇ સમજી શક્યું નથી. આમેય, પવારદાદા હવે નિવૃત્તિમોડ તરફ છે. અરવિંદ કેજરીવાલની ચૂંટણીટાણે જ ધરપકડ એ ગણતરીપૂર્વકનું જોખમ છે. કેજરીવાલની ધરપકડનો મુદ્દો બહુ બહુ તો દિલ્હી અને પંજાબમાં અસર કરે, પણ દિલ્હીમાં ભાજપ પાસે સાતે સાત બેઠક છે. દિલ્હી વિધાનસભામાં આપની બહુમતી છતાં, કેન્દ્રમાં દિલ્હીવાસીઓની પસંદ મોદી છે એ ભૂતકાળમાં સાબિત થઇ ગયું છે. પંજાબમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થાય તો ભાજપ માટે ખાસ કાંઇ ગુમાવવાનું નથી. વિરોધ પક્ષને તોડવાથી ભાજપના મતોની સંખ્યા વધે એના કરતાંય વિરોધીઓની કમર તૂટે એ ભાજપ માટે લાંબાગાળે ફાયદાકારક છે અને એટલે જ ઇન્ડિયા એલાયન્સને નબળું પાડવાની એકપણ તક ભાજપ ચૂકતો નથી. અમેરિકન નાટ્યકર્મી ટોમ સ્ટોપાર્ડનું મશહૂર વિધાન છે કે, ‘લોકશાહીમાં મતદાન નહીં, સંખ્યાની ગણતરી મહત્વની છે.’ ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિ આ સંખ્યાની ધરી ફરતે જ ઘડાય છે.
પાંચઃ મોદી હી મોદી
અલબત્ત, આ રણનીતિમાં હજુ પણ સૌથી મોટું ટ્રમ્પકાર્ડ તો નરેન્દ્ર મોદી જ છે. બધાં ચોકઠાં ગોઠવ્યા પછી ય, જે તે વિસ્તારમાં ઉમેદવાર કોણ છે એ વાત મહત્વનો ભાગ ભજવે છે. ઉમેદવારની છાપ સારી ન હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય કે કાર્યકર્તાઓમાં ઉમેદવાર માટે બહુ સારી છાપ ન હોય તો પાસાં અવળાં ય પડે. અહીં આ કાર્ડનો ઉપયોગ મતદારોના ફોનમાં વ્યક્તિગત મેસેજ કે ડોર ટુ ડોર સંપર્કથી થાય છે. ‘આપણે જાણીએ છીએ કે આપણા વિસ્તારના ઉમેદવાર કોણ છે, પણ આપણે ઉમેદવારને નહીં, નરેન્દ્ર મોદીને જીતાડવાના છે એ ધ્યાનમાં રાખજો.’ આ મતલબનો મેસેજ જે તે મતવિસ્તારના મતદારો સુધી અસરકારક રીતે પહોંચે એ વાતની પક્ષનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતા લોકો ધ્યાન રાખે છે. બાકીનું કામ નરેન્દ્રભાઇ એમની જાહેરસભાઓમાં પૂરું કરી દે છે.
અલબત્ત, હજુ તો ચૂંટણીની શરૂઆત છે અને છેવટે તો એ ઊંડા પાણીનો ખેલ છે. જેમ જેમ એનો ઘૂઘવાટ (કે ઘોંઘાટ) વધતો જશે એમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરતાં જઇશું. હવે પછી વાત કરીશું કોંગ્રેસ ગઠબંધનની રણનીતિની.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)