ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, આજકાલ એ બહુ હાઇફાઇ થતી જાય છે. રાજકીય પક્ષો સોશિયલ મિડીયા ઉપરાંત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરતા થઇ ગયા છે. અગાઉ ગુજરાત નરેન્દ્ર મોદીની થ્રીડી સભાઓ જોઇ ચૂક્યું છે તો આ વખતે ભાજપનો રોબો હાઇફાઇ પ્રચાર કરતો જોવા મળે છે.
વળી, જેમ રાજકારણ હવે સેવાના બદલે એક વ્યવસાય છે એમ ચૂંટણી પણ હવે જનતાની સેવા માટેના જનસંપર્કનું પર્વ મટીને એક ઇવેન્ટ હોય એમ રાજકીય પક્ષોએ એનું પ્રોફેશનલ ઢબે પ્લાનિંગ કરવું પડે છે. પ્રચાર-પ્રસાર માટે વ્યવસાયિક એજન્સીઓ રોકવી પડે છે, ઇમેજ કન્સલ્ટન્ટો અને પ્રશાંત કિશોર જેવા વ્યવસાયિક ચૂંટણી નિષ્ણાતો કહે એ રીતે આખું ઇલેક્શન મેનેજમેન્ટ ગોઠવવું પડે છે અને એ રીતે જ પ્રચારના મુદ્દાઓ નક્કી કરવા પડે છે.
ના, એવું નથી કે આ બધું ચૂંટણીમાં હમણાં હમણાં થઇ રહ્યું છે. ભૂતકાળમાં પણ રાજકીય પક્ષો ચૂંટણી વખતે પ્રચાર-પ્રસાર માટે એજન્સીઓ રોકતા. આ એજન્સીઓ જ એમના પ્રચારના સૂત્રો, પોસ્ટર્સ અને બીજું સાહિત્ય તૈયાર કરી આપતી.
ઉદાહરણ તરીકે, 1985માં ગુજરાત વિધાનસભાની જે ચૂંટણીમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 બેઠક મેળવીને વિક્રમ સર્જ્યો (જે તોડવા માટે ભાજપ વર્ષોથી પ્રયત્ન કરે છે) એ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રચાર કેમ્પેઇન કેવી રીતે નક્કી થયું હતું એ જાણવું છે?
બહુ રસપ્રદ ઘટનાક્રમ છે.
એ સમયે કોંગ્રેસે પ્રચાર-પ્રસારનું કામ અમદાવાદસ્થિત શિલ્પી એડ એજન્સીને સોંપેલું. એની માલિકી સારાભાઇ પરિવારની હતી અને શરદ સચદે નામના મેનેજર એના હેડ હતા. નદીની રેતમાં રમતું નગર જોવા મળે ન મળે ફેમ વિખ્યાત કવિ આદિલ મન્સૂરી પણ એમાં ક્રિએટીવ રાઇટર તરીકે કામ કરતા. આમેય, માધવસિંહભાઇને કવિઓ-સાહિત્યકારો સાથે ખૂબ ફાવતું એટલે ચૂંટણીના સ્લોગનથી માંડીને પોસ્ટરના લખાણ નક્કી કરવાની મિટીંગો થાય ત્યારે આદિલ મન્સૂરી હાજર રહે એવો માધવસિંહભાઇનો આગ્રહ રહેતો.
એ વખતે કોંગ્રેસની આવી બેઠકો અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ પરિવાર પારુબહેન અને મૃગેશ જયકૃષ્ણના શાહીબાગસ્થિત બંગલે મળતી. માધવસિંહ સોલંકીને જયકૃષ્ણ પરિવાર સાથે ઘરોબો એટલે કહેવાય છે કે એ વખતે કોંગ્રેસમાં ચૂંટણીને લગતા મહત્વના નિર્ણયો આ બંગલેથી જ લેવાતા હતા.
આવી એક બેઠકમાં માધવસિંહે એજન્સીના હેડ શરદ સચદે અને અન્ય લોકો પાસેથી કોંગ્રેસનું સૂત્ર શું હોવું જોઇએ એના સૂચનો માગ્યા. ચર્ચા ચાલતી રહી. માધવસિંહ સહિત બધાની નજર આદિલ મન્સૂરી શું સ્લોગન આપે છે એના પર હતી. એ વખતે ચૂપચાપ ચર્ચા સાંભળી રહેલા એજન્સીના એક જુનિયર એક્ઝિક્યુટીવે અચાનક જ દબાતા અવાજે કહ્યુઃ કોંગ્રેસનો હાથ, માગે તમારો સાથ એવું સૂત્ર હોવું જોઇએ.
ઘડીકવાર તો મિટીંગમાં સોપો પડી ગયો, પણ આદિલ મન્સૂરીએ તો ઉભા થઇને તાળીઓ પાડતા કહ્યું કે, યસ, આ જ સૂત્ર બરાબર છે એટલે માધવસિંહ પણ સંમત થયા અને એ રીતે 1985માં કોંગ્રેસ આ સૂત્ર સાથે ચૂંટણી લડેલી.
મજાની વાત એ છે કે, એ સમયે પક્ષ તરફથી બધા ઉમેદવારોને પચાસ હજાર રૂપિયાનું ભંડોળ અપાતું. સાથે પાંચ ખુલ્લી જીપ મળે. પ્રચાર માટે બેનર્સ, પોસ્ટર્સ પણ પક્ષ તરફથી અપાતા અને એના વિતરણનું કામ શહેરના સી.જી. રોડ પર આવેલા જાણીતા એડવોકેટ સુધીર નાણાવટીના બંગલેથી થતું.
સુધીરભાઇ પોતે એ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદની એલિસબ્રીજ બેઠક પરથી ચૂંટણી લડેલા. એમની સામે બાબુભાઇ વાસણવાળા છત્રીના નિશાન સાથે જંગમાં હતા. નવાઇની વાત એ છે કે, કોંગ્રેસના અભૂતપૂર્વ જુવાળ વચ્ચે પણ સુધીરભાઇએ બાબુભાઇ વાસણવાળા સામે હાર ખમવી પડી હતી! કોંગ્રેસે વિધાનસભામાં 149 બેઠક મેળવીને અભૂતપૂર્વ રેકોર્ડ સર્જ્યો, પણ અમદાવાદની એ પ્રતિષ્ઠિત બેઠક પક્ષ સાચવી ન શક્યો. બાય ધ વે, આજે બધા નો-રિપીટ થિયરીની ચર્ચા કરે છે, પરંતુ 1985માં માધવસિંહ સોલંકીએ પણ લગભગ ચાલીસેક ટકા ધારાસભ્યો-મંત્રીઓની ટિકીટ આપી એક અર્થમાં નો-રિપીટ થિયરી અપનાવેલી!
એ વખતે પણ ઉમેદવાર તરીકે નામ નક્કી થઇ ગયા પછી છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાઇ જાય કે પછી હાઇકમાન્ડે મોકલેલું ચૂંટણી ભંડોળ પ્રચારમાં વાપર્યા વિના અલોપ થઇ જાય એવી ઘટનાઓ ય બનતી, હોં! આ ચૂંટણીમાં ભાજપે વઢવાણ (સુરેન્દ્રનગર) બેઠક પર નામ જાહેર કર્યા પછી ઉમેદવાર બદલ્યા એમ 1985માં સુરેન્દ્રનગરની જ લીંબડી બેઠક પર રાજ્યના પ્રથમ ગૃહમંત્રી રસિકલાલ પરીખના દીકરા ગૌતમ પરીખનું નામ નક્કી હતું. કોંગ્રેસ કાર્યાલય તરફથી એમને ફોન પણ આવી ગયેલો, પણ ગૌતમભાઇ પક્ષનો મેન્ડેટ લેવા પહોંચે એ પહેલાં તો જનકસિંહ રાણા નામના બીજા એક ઉમેદવારને મેન્ડેટ અપાઇ ગયો હતો! આજે કોંગ્રેસમાંથી ટિકીટ ન મળવાથી ભાજપમાં જોડાયેલા કામિની બા રાઠોડ જે આક્ષેપો કરે છે એવા જ આક્ષેપો એ સમયે પણ થયેલા કે, કોંગ્રેસ નેતાગિરીએ દસ લાખ રૂપિયા લઇને લીંબડી બેઠકની ટિકીટ વેચી દીધી છે!
એમ તો, એવું પણ કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસને એ વખતે ચૂંટણી ભંડોળ પેટે લગભગ એક કરોડ રૂપિયા મળેલા, પણ પક્ષે ફક્ત 53 લાખ રૂપિયા જ વાપર્યા હતા. બાકીના, અંદાજે 47 લાખ રૂપિયાનો બારોબાર વહીવટ થઇ ગયા હતો! કહે છે કે, થોડાક સમય પછી ઉદ્યોગપતિ મૃગેશ જયકૃષ્ણની હોંગકોંગ જતી વખતે એરપોર્ટ પર 46.22 લાખ રૂપિયાના ટ્રાવેલર્સ ચેક અને ડોલર સાથે સાથે જે ધરપકડ થયેલી એ કોંગ્રેસના આ બચેલા રૂપિયા જ હતા અને એજન્સીને આ બાતમી પણ માધવસિંહ વિરોધી જૂથના ગણાતા ગુજરાત કોંગ્રેસના એક અગ્રણીએ જ આપેલી! જનતા પક્ષના સંસદસભ્ય મધુ દંડવતેએ સંસદમાં આ મતલબનો આક્ષેપ કરતાં સનસનાટી મચી ગયેલી અને ઘરઆંગણે અનામત આંદોલનથી ઘેરાયેલા માધવસિંહ સોલંકી આ મામલે બચાવની સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.
સાર એટલો જ છે કે, સમયની સાથે ચૂંટણીમાં ટેકનોલોજી બદલાય છે, પધ્ધતિઓ બદલાય છે, પણ પૈસા અને પાવર માટે પરદા પાછળ જે ખેલ ખેલાય છે એ બદલાતા નથી! કોંગ્રેસ કે ભાજપ, સત્તાના આ ખેલમાં કોઇ સેવા માટે લડતું નથી.
બ્રિટીશ રાજનિતિજ્ઞ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છેઃ ‘રાજકારણ એ રમત નથી, ગંભીર બિઝનેસ છે.’ બસ, અહીં ‘બિઝનેસ’ નો અર્થ બદલાય છે!
(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે.)