દિવાળી: મોંઘવારીમાં ય ઉજવણી કેમ કરશો?

દર તહેવારે જિદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે, 

મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે 

                                      – ખલીલ ધનતેજવી

શું આ વખતની દિવાળી પણ રાબેતા મુજબની હશે? શું આપણે આ વખતે પણ પોતાની ઈચ્છાઓને દબાવીને રાખવી પડશે? શું આ વખતે પણ આપણા ઉત્સાહ-ઉમંગને મોંઘવારીનું ગ્રહણ નડશે?

ભારતના બીજા બધા તહેવારોની જેમ જ દિવાળીમાં પણ અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. આપણે ધાર્મિક વિધિઓ પણ કરીએ છીએ અને પરિવારજનો-મિત્રોના સંગાથે ધામધૂમથી ઉજવણી પણ કરીએ છીએ. દિવાળીમાં ઘરની સજાવટ અને રોશની,પરસ્પરમાં મીઠાઈની વહેંચણી, નવાં વસ્ત્રો તથા ફટાકડાની ખરીદી અને સ્વજનો-પરિચિતો સાથે ભેટ-શુભેચ્છાઓની આપ-લે, વગેરે અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. જોકે, આપણે દિવાળી પહેલાંના દિવસોમાં મનને મારવું પડે એવું પણ બનતું હોય છે. એની પાછળનું કારણ છે મોંઘવારી. એમ તો ફુગાવાનો દર વધતો-ઘટતો રહે છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં જોવામાં આવ્યું છે કે દરેક ચીજવસ્તુના ભાવ ઘણા વધી ગયા છે. પરિવારના બજેટ હચમચી ગયાં છે. આમ છતાં ગુજરાતી ગૃહિણીઓ પોતાની કુનેહનો ઉપયોગ કરીને ઘરખર્ચને સાચવી લે છે અને મોંઘવારીનો બોજ વર્તાવા દેતી નથી. મોંઘવારી સામે લડવાનો ગૃહિણીઓનો કસબ અને હિંમત લાજવાબ હોય છે! તેઓ ઓછા ખર્ચે પણ તહેવારની મસ્ત ઉજવણી કરવા માટેના માર્ગો શોધી કાઢે છે. આજે આપણે એવા જ કેટલાક ઉપાયોની વાત કરવાના છીએ, જેની મદદથી ઓછા ખર્ચે દિવાળીની ઉત્સાહ-ઉમંગભરી ઉજવણી કરી શકાય.

 ઉજવણીના નવા ઉપાય

ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક ઉપાય ખૂબ જ મહત્ત્વનો હોય છે; અને એ એવો છે કે પહેલાં કરતાં ઓછા ખર્ચે વધુ આનંદ પ્રાપ્ત કરવો. દા.ત. ભાઈબીજના દિવસે બહેનને ઘરે જમવા બોલાવીએ ત્યારે સ્વાભાવિક છે કે સારામાં સારી હૉટલમાં જમવા જઈએ અથવા ત્યાંથી જમવાનું મગાવીએ. એનો ઓછો ખર્ચાળ એક વિકલ્પ એ છે કે જ્યાં વાનગીનો સ્વાદ સારામાં સારો હોય, પરંતુ ફાઇવસ્ટાર હૉટેલની તુલનાએ ઓછો કરવેરો લાગુ પડતો હોય એવી જગ્યાએથી ખાવાનું મગાવવું અથવા ત્યાં જમવા જવું. બીજો એક વિકલ્પ ઘરે જ રસોઈયો બોલાવીને મનગમતી વાનગીઓ બનાવડાવીને આનંદપૂર્વક ઉજવણી કરવાનો છે. આ રીતે, ઘરનું આરોગ્યપ્રદ ખાવાનું પણ મળી જાય અને ઉજવણી પણ થઈ જાય. આપણે જો મનપૂર્વક વિચાર કરીએ તો આવા અનેક વિકલ્પો સૂઝી આવે. આ રીતે આપણે પોતાના બજેટના આધારે ઉત્તમ ઉજવણી કરવાના રસ્તાઓ શોધી શકીએ.

આપણને ખબર છે કે તહેવારોમાં ખરું મહત્ત્વ આપણે શું ખાઈએ છીએ એનું નહીં, પરંતુ પરિવારજનો ભેગા મળીને ઉજવણી કરીએ એનું હોય છે. આખરે, ખર્ચાયેલી રકમનું નહીં, લાગણીઓનું મહત્ત્વ હોય છે. દિવાળીની ઉજવણીમાં ઉપરોક્ત રીતની મદદથી આનંદ ચોક્કસપણે દ્વિગુણિત કરી શકાય છે.

મીઠાઈની મજા આમ પણ લેવાય

મારા વતનમાં રહેતાં એક કાકી ક્યારેય દિવાળીની મીઠાઈ દુકાનમાંથી લઈ આવતાં નથી. તેઓ કહે છે કે કોઈપણ તહેવારમાં મીઠાઈના ભાવ વધારી દેવામાં આવતા હોય છે. વળી, મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હોવાને કારણે મીઠાઈની ગુણવત્તા પણ કથળી જતી હોય છે. બીજું એ કે ફૅન્સી પૅકેજિંગને કારણે પણ ખર્ચ વધી જતો હોય છે. તેઓ કહે છે કે ફૅન્સી બોક્સનો ખર્ચ બચાવીને થોડી વધુ મીઠાઈ આપી શકાય છે. છેલ્લાં અનેક વર્ષોથી કાકી અને એમની કેટલીક બહેનપણીઓ મીઠાઈ બનાવનાર રસોઈયાને ઘરે બોલાવીને મનગમતી મીઠાઈઓ બનાવડાવે છે અને સાદા બોક્સમાં પૅક કરે છે. પૅકિંગનું કામ નોકરોને સોંપીને એમને વધારાની કમાઈ કરવાની તક આપવામાં આવે છે. આમ, નોકરોથી માંડીને ઘરના લોકો અને મિત્રો-પરિવારજનો બધા ખુશ રહે છે અને શુદ્ધ પૌષ્ટિક સારી મીઠાઈઓ ખાઈને તહેવારની સરસ મજાની ઉજવણી થાય છે. મીઠાઈ બનાવડાવવા માટે બહેનપણીઓ ભેગી થાય એમાં મળતો આનંદ તો દિવાળીની બોનસ જેવો જ કહેવાય ને!

હોલસેલ ખરીદીનો લાભ

મારાં કાકીની જે વાત કરી એના જેવી જ એક વાત મને મહિલાઓના બીજા એક સમૂહ મારફતે જાણવા મળી છે. એ જૂથની બધી મહિલાઓ નોકરી કરનારી છે અને રોજ સાથે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. મધ્યમ વર્ગ મોંઘા ભાવના સૂકોમેવાની યથાશક્તિ ખરીદી કરીને તહેવારો ઊજવતો હોય છે. આ જૂથને અમુક વર્ષો પહેલા કોઈકે સૂચન આપ્યું કે તેઓ હોલસેલ માર્કેટમાં જઈને બધા માટે સૂકામેવાની એકસામટી ખરીદી કરે તો પ્રમાણમાં ઓછા ભાવે સૂકોમેવો ખાવા મળી શકે છે. એ સૂચનનો એમણે અમલ કર્યો અને ત્યારથી દર વર્ષે હોલસેલ માર્કેટમાંથી સૂકામેવાની ખરીદી કરવામાં આવે છે. આ રીતે તેઓ સારી એવી રકમની બચત કરીને સારી ગુણવત્તાના સૂકામેવાનો લાભ મેળવે છે.

સામૂહિક ચોપડા પૂજન

સામૂહિક કાર્યોની આ વાતો પરથી મને ગયા વર્ષે થયેલા સામૂહિક ચોપડા પૂજનની વાત યાદ આવી છે. ધાતુ બજારના કેટલાક વેપારીઓએ એક મોટો હૉલ ભાડે રાખીને સામૂહિક ચોપડા પૂજન કરવાનું નક્કી કર્યું. દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે શાસ્ત્રીજી મળવામાં પણ મુશ્કેલી થાય છે અને કોઈ મહારાજ મળી જાય તો ઉતાવળે ઉતાવળે પૂજા કરવી પડે; અને એમાં મજા ના આવે. એમ તો કમ્પ્યુટરના આ જમાનામાં ચોપડા પૂજન એક ઔપચારિકતા બની ગયું છે. આમ છતાં એ પરંપરા જળવાય અને પૂજન કર્યાનો સંતોષ થાય એ માટે કોઈક રસ્તો શોધવો જોઈએ એવા વિચારમાંથી જ સામૂહિક ચોપડા પૂજન કરાવવાનું સૂઝ્યું. બીજો લાભ એ થયો કે બધા વેપારીઓના પરિવારજનો પણ એક સાથે ભેગા થયા, એ રીતે એકબીજાના સંબંધો વધુ ગાઢ બન્યા અને આનંદ પણ વધારે આવ્યો.

ડેસ્ટિનેશન દિવાળી

મોંઘવારીના જમાનામાં ઓછા ખર્ચે વધુ આનંદ પ્રાપ્ત કરવાનો હજી એક કિસ્સો જણાવું. ગયા વર્ષે મારા એક સહયોગીનાં સગાં-વહાલાંએ ભેગા મળીને છ બેડરૂમનો એક બંગલો બુક કરાવ્યો હતો. આશરે 20 જણ ત્રણ રાત્રિ-ચાર દિવસનું પૅકેજ લઈને એ બંગલામાં રોકાયા અને દિવાળી ધામધૂમથી ઉજવી. એમણે એને બહુ સરસ નામ પણ આપ્યું. આજકાલ લોકો ‘ડેસ્ટિનેશન વેડિંગ’ કરે છે. એમણે ‘ડેસ્ટિનેશન દિવાળી’ કરી. ગયા વર્ષે પરિવારનાં બાળકોને એટલી મજા આવી કે એમણે આ વખતે પોતાના વતનના મોટા ઘરમાં ‘ડેસ્ટિનેશન દિવાળી’ ઉજવવાનો વિચાર કર્યો છે. પરિવારના યુવાનિયાઓ ઉત્સવની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં લાગી ગયા છે એના માટે એમણે વ્હોટ્સઍપ ગ્રુપ પણ બનાવી લીધું છે. એક સાથે ભેગાં મળીને ઉજવણી કરવામાં ડેકોરેશન, મીઠાઈ, ફટાકડા, વગેરેનો સામૂહિક ખર્ચ ઓછો થાય છે અને ઉત્સાહ-ઉમંગ અનેક ગણો વધી જાય છે. બધા એકબીજાને મીઠાઈના બોક્સ આપે એને બદલે ભેગા મળીને મીઠાઈ બનાવડાવીને અથવા બનાવીને ઉજવણી કરે ત્યારે અનેરો આનંદ આવે છે એવું એમણે બધાએ અનુભવ્યું છે. આ વખતની વતનની દિવાળી પછી આવતા વર્ષે વિદેશમાં વસતા કુટુંબીજનો પણ ભારત આવશે એવું નક્કી થયું છે. એ વખતે તેઓની સંખ્યા વધી જશે એટલે કેટલાક માણસોને કામે રાખીને તૈયારીઓ કરવામાં આવશે. ગયા વર્ષના 20થી વધીને આ વર્ષે 32 અને આવતા વર્ષે આશરે 50 જણ ભેગા મળીને દિવાળીની ઉજવણી કરશે.

તો જોયું ને મિત્રો, મોંઘવારી આપણા દિવાળીના ઉત્સાહને મોળો પાડી શકે એવી એનામાં તાકાત નથી. આપણે પોતાની સર્જનશીલતાનો ઉપયોગ કરીને મોંઘવારીને માત આપી શકીએ છીએ અને દિવાળીના ઉત્સાહને અકબંધ રાખી શકીએ છીએ.

(ગૌરવ મશરૂવાળા)

(લેખક સુવિખ્યાત ફાઈનાન્સિયલ પ્લાનર છે)