હિન્દુ ધર્મમાં તહેવારોનું એક વિશેષ મહત્વ અને માહત્મ્ય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે એટલે કે વિક્રમ સંવતના વર્ષમાં કારતક માસથી લઇને આસો માસ સુધી આવતા દરેક તહેવાર એની ઉજવણીની અલગ અલગ પરંપરાઓથી તો મહત્વ ધરાવે જ છે, પણ આ દરેક તહેવાર આપણને કાંઇકને કાંઇક શીખવતા જાય છે. આપણા પ્રત્યેક તહેવારમાં જીવન માટે કાંઇક અણમોલ શીખ સમાયેલી છે. તહેવારો ફક્ત આનંદ-ઉજવણી માટે જ નથી, બલ્કે એ ઉજવણીમાંથી જીવનમાં શું કરવું-શું ન કરવું એનો એક પદાર્થપાઠ પણ પ્રાપ્ત થાય છે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આવો, હિન્દુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર આપણને શું શીખવી શકે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ.
એ તો આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન શ્રીરામ પત્ની સીતા સાથે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા એ દિવસે દીપોત્સવ ઊજવવામાં આવ્યો હતો અને એ પરંપરા પ્રમાણે આપણે દિવાળી ઉજવીએ છીએ. દિવાળી એ પ્રકાશનું પર્વ છે અને ફટાકડાં-મીઠાઇ સાથે ઉજવાતો ઉત્સવ છે. લોકો આનંદ વ્યક્ત કરવા માટે દિવાળીએ પોતાનાં ઘરો, દુકાનો અને રસ્તાઓને લાઇટથી ઝળાંહળાં કરે છે, કેમ કે ભગવાન શ્રીરામે બૂરાઈ પર અચ્છાઇની જીતના પ્રતીક રૂપે રાવણને પરાસ્ત કર્યો હતો. હા, એ દિવસ દશેરાનો દિવસ હતો.
ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા અને પછી રામરાજ્યની સ્થાપના થઈ. હજ્જારો વર્ષો સુધી શ્રીરામનું શાસન રહ્યું હતું. રામરાજ્યમાં બધા લોકો સુખી હતા. કોઈપણ વ્યક્તિ માંદી કે ગરીબ નહોતી. કોઈપણ વ્યક્તિમાં લાલચ કે ઇર્ષા નહોતી. બધા એકસમાન હતા અને બધા માટે ન્યાય કરવામાં આવતો હતો. લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હતા ને પોતાનાં સંતાનો સાથે સુખી જીવન જીવતા હતા. બધાને એકસમાન તક મળતી હતી. શ્રીમંત લોકો સ્વેચ્છાએ સમાજના હિત અને કલ્યાણ માટે પૈસા વાપરતા હતા. આ રીતે સમાજમાં ગુના કે હિંસાને કોઈ સ્થાન નહોતું અને સૌ હળીમળીને રહેતા હતા. લોકો આદર્શ જીવતા હતા અને એકમેકને હાનિ કરવાની હીન ભાવના નહોતી પ્રવર્તતી.
આ જ રામરાજ્યનો ખ્યાલ છે. રામરાજ્યની પરિકલ્પના છે.
રામરાજ્યમાં સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ પર્યાપ્ત પ્રકાશતો હતો અને વરસાદ પણ જરૂર પૂરતો વરસતો હતો. પહાડો અને ભૂમિમાં પણ કિંમતી રત્નો ધરબાયેલા હતાં અને સમુદ્રની લહેરો પણ કિનારે મોતી ફેંકતી રહેતી હતી.
આમ, આપણે કલ્પના કરી શકીએ છીકે કે અયોધ્યામાં રામરાજ્યમાં એક એવી સંસ્કૃતિ વિકસી હતી, જ્યાં ચોતરફ શાંતિ અને સમૃદ્ધિ હતી અને લોકો લાંબુ જીવન જીવતા હતા. તે યુગમાં લોકો ખુશ રહેતા અને તહેવારો ઊજવતા, કેમ કે એ યુગ ખુશીઓ લઈને આવ્યો હતો. શ્રીરામ 14 વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા એ પ્રસંગે લોકોએ દિવાળી ઊજવી હતી.
રામાયણની કથામાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે મંથરાએ કૈકેયીનું મગજ ખરાબ કર્યું અને કૈકેયીએ રાજા દશરથ પાસે બાકી રહેલાં બે વચનોની માગ કરી. રાજા દશરથ એ વચન આપવા માટે બંધાયેલા હતા. મંથરાએ કરેલા બ્રેઇનવોશના લીધે કૈકેયીએ રાજા પાસે શ્રીરામ માટે 14 વર્ષનો વનવાસ અને પુત્ર ભરત માટે અયોધ્યાનું રાજ માગ્યું હતું. કૈકેયીને માલૂમ હતું કે શ્રીરામ રાજા બનવા માટે યોગ્ય અને સક્ષમ હતા, પણ તેણે તેમને 14 વર્ષ વનમાં મોકલી અયોધ્યાના સિંહાસનથી દૂર ધકેલી દીધા હતા.
તો આ ઘટના આપણને વર્તમાન સંદર્ભમાં શું શીખવાડે છે?
હાલના સમયમાં આપણને રામરાજ્ય કે સુશાસન માટે વિવિધ ઓર્ગેનાઇઝેશનમાં વિવિધ ટોચના પદો પર શ્રીરામ જેવા સક્ષમ નેતાઓની જરૂર છે, જે સારો વહીવટ કરી શકે.
જો કે સક્ષમ નેતા યોગ્ય જગ્યાએથી સારો વહીવટ કરી શકે, પરંતુ દરેક સ્થળ-કાળમાં સમાજમાં અનેક મંથરા અને કૈકેયીનું અસ્તિત્વ પણ હોય છે, જે કાનભંભેરણી, ગોસિપ અને ગપસપ કરીને રાજકારણ રમતી જ હોય છે. જે તે નેતાને પસંદ કરનારા નેતૃત્વનું બ્રેઇનવોશ કરે છે, જેથી જેમ ભગવાન શ્રીરામને ગાદીએથી દૂર ધકેલી દેવાયા હતા એમ યોગ્ય અને સક્ષમ નેતાને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે અને એને ઓર્ગેનાઇઝેશનમાં નજરઅંદાઝ કરવામાં આવે છે.
જો સારી અને સક્ષમ વ્યક્તિઓને નેતૃત્વ સોંપવામાં આવે તો તેઓ શક્ય છે કે સારી ટેક્નોલોજી સાથે સુશાસન આપી શકે. રામરાજ્યમાં જેવા લક્ષણો છે એવું સારું શાસન પ્રસ્થાપિત કરી શકે. રામરાજ્ય એ પરિકલ્પના છે, જેમાં એક લીડરનું મહત્વ છે.
રામરાજ્ય આપણને શું શીખવે છે?
એ આપણને શીખવે છે કે ફક્ત પૈસા અને ટેક્નોલોજીથી રામરાજ્ય ના આવે, પણ સારા નેતૃત્વ માટે યોગ્ય નિર્ણયો લેવાવાળી યોગ્ય વ્યક્તિની ટોચની જગ્યાએ નિયુક્તિ થાય તો એ વ્યક્તિ ન્યાય, નિષ્પક્ષતા, સમાનતા અને કરુણાની સંસ્કૃતિ બનાવવામાં મદદ કરશે, જેનાથી સંસ્થા કે સમાજમાં સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના કરવામાં મદદ મળશે.
પરંતુ જો આપણે યોગ્ય વ્યક્તિના બદલે આજની મંથરાઓ અને કૈકેયીઓને વિવિધ સમિતિઓમાં કે સંસ્થા-સમાજમાં ચાવીરૂપ જગ્યાએ બેસવા દઇશું કે પછી એમની સલાબ પ્રમાણે ચાલીશું તો તેઓ તેમના કાવાદાવા ચાલુ રાખશે અને યોગ્ય વ્યક્તિને જે તે પદો પર નિયુક્ત નહીં થવા દે. આ માટે જરૂર છે આજની આવી મંથરા અને કૈકેયીથી સાવધ રહેવાની.
બીજો એક પદાર્થપાઠ એ પણ શીખવાનો છે કે આપણે જો દશરથની જેમ નિર્ણય લેવાની જગ્યા પર હોઇએ તો નિર્ણય લેતી વખતે કોઇની સલાહ પ્રમાણે ચાલવાના બદલે તટસ્થતાથી રાજ્યના હિતમાં હોય એવો યોગ્ય નિર્ણય લેવો. નિર્ણય લેવામાં કોઈ પક્ષપાત ન થવો જોઈએ અને કોઈના ઉપકાર હેઠળ ન આવવું જોઈએ, જેથી સમાજે એની ભારે કિંમત ચૂકવવી ન પડે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણે જ્યાં સુધી ભગવાન શ્રીરામ જેવી યોગ્ય વ્યક્તિને વનમાં રાખીશું તો એની પીડા આપણે એટલે કે સમાજે જ ભોગવવી પડશે અને જો ભગવાન શ્રીરામને અયોધ્યા પરત લાવીશું તો સંસ્થા કે સમાજમાં રામરાજ્ય સ્થપાશે. આ પાઠ શીખવાનો છે આ દિવાળીએ.
(ડો. ઇન્દુ રાવ)
(લેખિકા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરમાં પ્રોફેસર અને ડીન તરીકે કાર્યરત છે.)