ડિજિટલ એરેસ્ટઃ દેશમાં દૈનિક ધોરણે રૂ. 60 કરોડની સાઇબર છેતરપિંડી

નવી દિલ્હીઃ વર્ષ 2024માં અનેક લોકો સાઇબર છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં અનેક લોકોની જિંદગી કમાણી લૂંટાઈ ગઈ છે અને અનેક લોકોએ જિંદગી પણ ગુમાવી છે. ભારત સહિત વિશ્વમાં લોકો આશરે રૂ. 85 લાખ કરોડની સાઇબર છેતપિંડીનો ભોગ બન્યા છે. વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીયોએ આશરે રૂ. 11,000 કરોડ ગુમાવ્યા છે. આ વર્ષે ભારતમાં દૈનિક ધોરણે રૂ. 60 કરોડનો લોકોને ચૂનો લાગ્યો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી પણ સ્કેમર્સ ડીપફેક વિડિયો અને ઓડિયો તૈયાર કરીને માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર કે કોઈ પરિચિતનો અવાજ કાઢીને, વિડિયો કે ઓડિયો કોલ કરે છે અને પછી જેતે વ્યક્તિ સાથે સાઇબર છેતરપિંડી કરવામાં આવે છે.

સાઇબર છેતરપિંડીના સૌથી ખતરનાક પ્રકારોમાં એક ડિજિટલ એરેસ્ટ પણ છે. જેમાં સાઇબર ઠગ જેતે વ્યક્તિને CBI, NIA, ED કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો કે RBIના અધિકારી જણાવીને છેતરપિંડી આચરે છે. આમાં જેતે વ્યક્તિને કોલ કરીને એના પર ગંભીર આરોપ લગાવીને તેની ધરપકડ (ડિજિટલ) કરીને વિક્ટિમને ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. ત્યાર પછી એનાથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે.

હાલમાં જ એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને એની પાસેથી રૂ. 1.58 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. આ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો મુંબઈનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલીસના DCP બનીને 67 વર્ષીય મહિલાની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. એ મહિલાને તાઇવાનથી પાર્સલ આવવાની વાત કરવામાં આવી હતી અને એમાં ડ્રગ્સ મળવાની વાત કરવામાં આવી હતી. આરોપીઓએ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેની વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ સ્મગલિંગનો કેસ કરવાની વાત કરવામાં આવી હતી. આરોપીઓએ આ મહિલાને 26 નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી અંધારામાં રાખી હતી. એ પછી મહિલા પાસેથી આશરે રૂ., 1.58 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા.