નવી દિલ્હી: ખેડૂતોએ અચાનક દિલ્હી કૂચ કરવાની તેમની યોજના પર ‘બ્રેક’ લગાવી દીધી છે. જો કે, ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર તેમનો વિરોધ યથાવત રાખશે. સોમવારે ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ શરૂ કરી હતી. સવારે હજારો ખેડૂતો મહામાયા ફ્લાયઓવર પાસે ભેગા થયા હતા. અહીંથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી. જો કે સાંજ સુધીમાં ખેડૂતોએ તેમની યોજના બદલી નાખી. તેઓ દલિત પ્રેરણા સ્થળ પર ભેગા થવા લાગ્યા. હાલમાં ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર જ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું આ વિરોધ-પ્રદર્શન નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને તેમની પાંચ માંગણીઓના મુદ્દે છે.
નોઈડા અને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો સાથે વહીવટી તંત્રની બેઠક યોજાવાની છે. જો ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ નહીં આવે તો ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરશે. જો કે સભા પહેલા જ ખેડૂતોએ રસ્તો ખોલી નાખ્યો હતો. જેના પગલે પોલીસ પણ બેરિકેડ હટાવી રહી છે. હવે આંદોલનકારી ખેડૂતો દલિત પ્રેરણા સ્થળની અંદર બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખશે. રાજધાની દિલ્હીના સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી જવા માગે છે. ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી રહી છે.આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણીઓ પર એક નજર કરીએ તો,
- જમીન સંપાદન કાયદા અનુસાર, 1 જાન્યુઆરી, 2014 પછી સંપાદિત કરવામાં આવેલી જમીન માટે ચાર ગણું વળતર આપવું જોઈએ.
- નવા જમીન સંપાદન કાયદાના લાભો જિલ્લામાં લાગુ કરવા જોઈએ.
- ખેડૂતોની માગ છે કે જમીન સંપાદનના બદલામાં 10 ટકા વિકસિત જમીન આપવી જોઈએ.
- ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનઃવિકાસની સુવિધાઓ મળવી જોઈએ.
- ઉચ્ચ સત્તા સમિતિની ભલામણોનો અમલ થવો જોઈએ.