દિલ્હી: કથિત દારૂ કૌભાંડ કેસના આરોપી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યાં કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક હિરાસત 18મી એપ્રિલ સુધી લંબાવી છે.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા મનીષ સિસોદિયાને શનિવારે પણ કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે પરંતુ કેસની સુનાવણીમાં આવવું જરૂરી છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી હતી. અગાઉ મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી તેમના મતવિસ્તારના લોકોને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જલ્દી બહાર મળીશું.