નવી દિલ્હી: મંગળ પરના એક ક્રેટર(ખાડા)ને અમદાવાદ સ્થિત PRLના પૂર્વ ડિરેક્ટર દેવેન્દ્ર લાલનું નામ આપવામાં આવ્યું છે. . એટલે હવે આ ક્રેટર ‘લાલ ક્રેટર’ના નામથી ઓળખાશે. નાસાએ 2005માં મંગળ પર માર્સ અવકાશ યાન મોકલ્યું હતું. આ ઓર્બિટરમાં ફીટ થઈ શકે તેવું એક રડાર 2006માં મોકલ્યું. આ રડારનું નામ શરદ. મંગળ પર ક્યાં કેટલાં જ્વાળામુખી, બરફ, પાણી, ખાડા છે તેનું સંશોધન આ શરદ રડાર કરીને ડેટા મોકલે છે. આ રડારે થોડા દિવસો પહેલાં એવો ડેટા મોકલ્યો કે, મંગળ પર જ્વાળામુખીનો વિસ્તાર છે ત્યાં ત્રણ મોટા ખાડા છે. એમાં બે ખાડાનો એરિયા 10-10 કિલોમીટરનો છે અને એક ખાડો તો 50 કિલોમીટરની ગોળાઈનો છે. ગ્રહ પરના ખાડા માટે એસ્ટ્રોનોમીમાં ક્રેટર શબ્દ વપરાય છે. આ ત્રણ ક્રેટર્સ તેમનાં નામ રાખવાનું નક્કી થયું. આ વિજ્ઞાનીઓએ વિચાર્યું કે, મંગળ પર સૌથી મોટો ક્રેટર મળી આવ્યો છે તેને PRLના પૂર્વ ડાયરેક્ટર દેવેન્દ્ર લાલનું નામ આપવું જોઈએ. બીજા બે ક્રેટરને ‘મુરસાન’ અને ‘હિલ્સા’ ક્રેટર નામ આપવામાં આવ્યું છે. જે ઉત્તર ભારતના બે શહેરોના નામ પરથી આપવામાં આવ્યું. આ મહિનાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા NASA દ્વારા નામકરણને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ સ્થિત PRL, ભારત સરકારના અવકાશ વિભાગના એકમએ જણાવ્યું હતું કે આ ત્રણ ક્રેટર લાલ ગ્રહના થાર્સિસ જ્વાળામુખી ક્ષેત્રમાં સ્થિત છે. થાર્સિસ એ મંગળના પશ્ચિમ ગોળાર્ધમાં વિષુવવૃત્તની નજીક કેન્દ્રિત એક વિશાળ જ્વાળામુખીનો વિસ્તાર છે. આ વિસ્તાર સૌરમંડળમાં સૌથી મોટા જ્વાળામુખીનું ઘર છે.
કોણ હતા દેવેન્દ્ર લાલ?
પ્રોફેસર દેવેન્દ્ર લાલ ભારતના મહાન વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેમનો જન્મ 14મી ફેબ્રુઆરી, 1929ના દિવસે વારાણસીમાં થયો. તે પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમના પિતા પોસ્ટ માસ્ટર હતા. દેવેન્દ્ર લાલે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1947માં BSc અને 1949માં MScની ડિગ્રી મેળવી. ત્યાંથી તેમણે 1949માં મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)માં વિજ્ઞાની તરીકે સેવા આપી. સાથે-સાથે 1960માં તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી Ph.D. થયા. અભ્યાસની સાથે તેમણે TIFRમાં પ્રોફેસર બર્નાર્ડ પીટર્સના અન્ડરમાં કામ કર્યું. આ દરમિયાન તેમને કોસ્મિક-રેઈઝ ફિઝિક્સ અને કોસ્મિક-રેઈઝની અસરોનો અભ્યાસ કરવામાં રસ પડ્યો. કોસ્મિક-રે એટલે બ્રહ્માંડમાંથી પૃથ્વી પર આવતા તરંગો.