રવિ કૃષિ મહોત્સવ, CMએ દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિતિ રહ્યા. આ રવિ કૃષિ મહોત્સવ-2024 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે.કૃષિ મહોત્સવના નવતર પ્રયોગની શરૂઆત 2005માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. સમયને અનુરૂપ ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે આ પરંપરા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવિ કૃષિ મહોત્સવનું બહુ આયામી આયોજન કર્યું છે.બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેક્નોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા.

રવિ કૃષિ મહોત્સવમાં 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરાયું. રવિ કૃષિ મહોત્સવ-2024માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસિઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.