મુંબઈઃ ‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ અવારનવાર સાંપ્રત વિષયો પર વેબિનાર યોજીને ઈન્વેસ્ટરોને જ્ઞાન અને માર્ગદર્શન પૂરા પાડે છે. ગયા રવિવારે પણ એવો જ એક વિશેષ વેબિનાર યોજાઈ ગયો, જેનો વિષય હતોઃ ‘રીફ્લેક્શન્સ ઓફ 2020 અને રીઝોલ્યૂશન્સ ફોર 2021’. એક તરફ શેરબજારમાં તેજી છે તો બીજી તરફ અર્થતંત્રમાં મંદી છે. રોકાણકારોએ 2020ના વર્ષમાંથી શું શીખવાનું છે? 2021માં કેવી રીતે આર્થિક આયોજન કરવું? એ વિશે એમને વર્ચ્યુઅલ માધ્યમથી મદદ કરી સાધુ જ્ઞાનવત્સલ દાસ અને આર્થિક જગતના નિષ્ણાતો – કે.એસ. રાવ અને અમિત ત્રિવેદીએ.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ દાસે કહ્યું કે, 2020ના રિફ્લેક્શન્સને આપણે 2021ના રિઝોલ્યુશન્સ માટે બદલવા જ પડશે. રોગચાળો ફેલાવાને કારણે 2020માં આપણને ઘણી તકલીફો પડી હતી, પણ આપણે એમાંથી ઘણું બધું શીખ્યા છીએ. પરંતુ જો આપણે સતત આપણી તકલીફો વિશે જ વિચારીશું તો દુઃખી થઈશું. નવા સંકલ્પો સાથે જીવનને વધારે સુખમય, શાંતિમય અને અભય બનાવવાનું છે. નવા વર્ષનું પહેલું રિફ્લેક્શન એ છે કે આપણે આપણી અંગત આદતોમાં, પારિવારિક જીવનમાં, અભિવ્યક્તિમાં, સામાજિક વર્તુળોમાં, આપણા વ્યાવસાયિક કાર્યમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે. વર્ષોથી આપણે એક ઘરેડમાં રહેતા હતા, એક જ કાર્યપદ્ધતિથી કામ કરતા હતા, અમુક સ્વભાવથી જીવતા હતા, એ બધા જ રિફ્લેક્શન્સ 2020ના હતા અને એ બધા જ આપણે 2021માં નવા રિઝોલ્યુશન્સ માટે બદલવા જ પડશે. હવે નિશ્ચયાત્મક વલણ અપનાવવું પડશે. આપણે આપણા વિચારોને શિફ્ટ કરવાના છે, ગરીબાઈમાંથી સમૃદ્ધતા તરફ. 2020ના નિરાશાવાદમાંથી 2021માં આપણે આશાવાદ તરફ જઈ રહ્યા છીએ.
સાધુ જ્ઞાનવત્સલદાસે એમ પણ કહ્યું કે, 2020ની સાલનું એક મહત્ત્વનું રિફ્લેક્શન હતું, પરિવર્તન અનિવાર્ય છે. હવે 2021માં આપણું રિઝોલ્યુશન એ હોવું જોઈએ કે આપણે એ પરિવર્તનને અપનાવીશું, પરિવર્તનને અનુકૂળ થઈશું, એમાંથી લાભ મેળવીશું, સફળતા પ્રાપ્ત કરીશું. આપણે શ્રેષ્ઠતા માટે જ પરિવર્તનની સાથે ચાલવાનું છે. 2020નું એક અન્ય મહત્ત્વનું રિફ્લેક્શન એ છે કે લોકોને આરોગ્ય અને પારિવારિક આનંદ માટેની જાગૃતિ વધી છે. હવે 2021માં રિઝોલ્યુશન એ હોવું જોઈએ કે આપણે આ બંને બાબતની વધારે સારી રીતે કાળજી લેવાની છે. 2020ના વર્ષે આપણને જીવનનું સંતુલન જાળવતાં શીખડાવ્યું. હવે 2021માં આપણે નિશ્ચયાત્મક વલણના રૂપે આ સ્વીકારવાનું છે. 2020માં રિફ્લેક્શન એ હતું કે મારા ખોળામાં તક આવીને પડે, પણ 2021નો સંકલ્પ એ હોવો જોઈએ કે હું તકને શોધીશ. ભગવાનની દયા અને વિજ્ઞાન બંનેને સરખું મહત્ત્વ આપવું. વિજ્ઞાન અને આધ્યાત્મિક્તા એકબીજાના પૂરક રહે એ 2021નું રિઝોલ્યુશન હશે.
આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના ઈનવેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રિબ્યૂશન ડેવલપમેન્ટ વિભાગના વડા કે.એસ. રાવે પોતાના વક્તવ્યની શરૂઆતમાં કહ્યું હતું કે આ વર્ષે તો ઉત્તરાયણના પર્વની પહેલા જ માર્કેટમાં ઉત્તરાયણની સ્થિતિ હતી એટલે કે બજાર ઉંચે જઈ રહ્યું હતું. 2020માં લોકો નિરાશાવાદ અને મંદીની વાતો કરતા હતા, પણ 2021માં આશાવાદ અને રીકવરી જણાય છે. 2020માં ‘વાઈરસ’ની વાતો થતી હતી, 2021માં ‘વેક્સિન’ની વાતો થઈ રહી છે. 2020માં આપણે ‘લોકડાઉન’ની વાતો કરતા હતા, 2021માં ‘રીઓપન’ની વાતો કરી રહ્યા છીએ. તો આ સારા પરિવર્તન આવ્યા છે. 2021માં શ્રેષ્ઠ વ્યૂહરચના વૈવિધ્યકરણની રહેશે. આવનારા સમયમાં આપણે શું કરી શકીશું એ જોવાનું રહેશે. કદાચ 4-સ્તંભ કદાચ ક્યારેય બદલાશે નહીં, ફાઈનાન્સ માટે રીપેરિંગ કરવાનું, લિક્વિડી પર ધ્યાન રાખવું, રિસ્ક મેનેજમેન્ટ અને લક્ષ્ય અને ફંડિંગના ધ્યેય.
પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદીએ એમની સલાહના શબ્દોમાં જણાવ્યું કે, 23 માર્ચ, 2020માં કોરોનાના સક્રિય કેસ 600 હતા અને સેન્સેક્સ 25,000 હતો, પણ વર્ષને અંતે, સેન્સેક્સ 49,000 સુધી વધી ગયો હતો અને કોરોનાના કેસોની સંખ્યા 1 કરોડના આંકને પાર કરી ગઈ હતી. વર્ષાંતે એવું જણાયું કે કોરોના રોગચાળો ધારતા હતા એટલો ખતરનાક નથી.
કાર્યક્રમની શરૂઆતમાં, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ સાધુ જ્ઞાનવત્સલદાસ તથા નિષ્ણાત વક્તાઓનું તેમજ ઈન્વેસ્ટર-દર્શકોનું સ્વાગત કર્યું હતું. એમણે કહ્યું કે, ગયા વર્ષે મુખ્ય પરિવર્તન એ આવ્યું કે આપણે હેલ્થ અને વેલ્થનું મહત્ત્વ વધારે કરતા શીખ્યા.
(સંપૂર્ણ વેબિનાર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો)