‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં શનિવાર 14 ઓગસ્ટે નિષ્ણાત વક્તાઓએ નિવૃત્તિ પછીના આર્થિક આયોજન પર વિશેષ વેબિનાર સિરીઝમાં ‘આર્થિક સ્વતંત્રતા’ વિષય પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચર્ચાના મુદ્દા હતાઃ ભારત સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કરીને મજબૂત અને શક્તિશાળી બન્યું છે. તમે 75મા વર્ષમાં પ્રવેશ કરશો ત્યારે કઈ રીતે બનશો આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર? સક્રિય અને સ્વસ્થ નિવૃત્તિ માટે કઈ રીતે કરશો આયોજન?
આ વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ દાસ અને પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક અને નિષ્ણાત અમિત ત્રિવેદી. અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.
‘જીવનમાં સંતુલન જાળવો’
સ્વામી જ્ઞાનવત્સલ દાસે ઉદાહરણ આપીને બહુ સરસ રીતે સમજાવ્યું. એમણે કહ્યું કે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણા વ્યાવસાયિક જીવન અને પારિવારિક જીવન વચ્ચે સંતુલનને ખૂબ સરસ રીતે જાળવવું જોઈએ. પ્રત્યેક દિવસમાં આપણને મળતા 24-કલાકના સમયને હું આઠ-આઠ કલાકના ત્રણ ભાગમાં વહેંચી દઉં છું.
આઠ કલાક આપણે આપણા કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરવા, લૌકિક-ભૌતિક સુખપ્રાપ્તિ માટે ફાળવવા જોઈએ.
બીજા આઠ કલાક ઊંઘ-આરામ માટે ફાળવવા જોઈએ.
ત્રીજા આઠ કલાકને મેં ત્રણ ભાગમાં વહેંચી દીધા છે – ત્રણ ‘F’, ત્રણ ‘H’ અને ત્રણ ‘S’.
F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેધ (પરિવાર, મિત્રો અને ધર્મ)
H એટલે હેલ્થ, હાઈજીન અને હોબી (આરોગ્ય, સ્વચ્છતા અને શોખ)
S એટલે સોલ, સર્વિસ અને સ્માઈલ (આત્મા, સેવા, પ્રસન્નતા)
વ્યક્તિ 60ની વયે પહોંચશે છે ત્યારે એના જીવનની કમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય અથવા ઓછી થઈ જાય ત્યારે એને જીવનમાં રાખેલું સંતુલન કામમાં આવશે. તમારા નિવૃત્તિ જીવન માટે તમારી પાસે રિટાયરમેન્ટ પ્લાન હોય કે ન હોય, રિટાયરમેન્ટ ફંડ હોય કે ન હોય, પરંતુ જો તમે તમારા જીવનમાં જાળવી લીધું હશે તો નિવૃત્તિ જીવનમાં (60-65 વર્ષ પછીના જીવનમાં) તે ઘણું ઉપયોગી થશે. અને આ સંતુલન નહીં જાળવ્યું હોય તો તમને પાછળના જીવનમાં એકાંતપણું સતાવ્યા કરશે. આજના વેબિનારનો વિષય પણ આર્થિક સંતુલન વિશેનો છે તેથી વ્યાવસાયિક જીવનમાં સંતુલન પણ એટલું જ મહત્ત્વનું છે.
વેબિનારના સંચાલક અમિત ત્રિવેદીએ દર્શકોને જાણકારી આપી હતી કે રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્પેશિયલ સિરીઝના વેબિનારને બે હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યો છે. આજના હિસ્સામાં નિવૃત્તિનું આયોજન અને આર્થિક સ્વતંત્રતા વિષય પર ચર્ચા કરવામાં આવી છે. કાર્યક્રમનો બીજો હિસ્સો આવતી પાંચમી સપ્ટેમ્બરે યોજવામાં આવશે. તેની લિન્ક નીચે આપવામાં આવી છે. બીજા ભાગમાં વહેલાસર રજિસ્ટર થવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને એમાં તમારા સવાલ પણ રજૂ કરોઃ
webinar:https://zoom.us/webinar/register/WN_uVq9_Xj8Tn2N0YPaMnZ7FA
કે.એસ. રાવે કહ્યું કે જિંદગીમાં બચતનું ખૂબ મહત્ત્વ છે અને બચત વધારવાનો એક ધ્યેય હોવો જોઈએ. કોવિડ-19ના સમયમાં જોવા મળ્યું છે કે ઘણા લોકો એક જ એસેટમાં ઓવરવેટ હતા અને તેમને સંઘર્ષ કરવો પડ્યો. બીજું, ઘણા લોકોએ મેડિકલ ઈન્શ્યુરન્સ જરાય નહોતો અને લાઈફ ઈન્શ્યુરન્સ પણ ઘણો ઓછો હતો. લોકો વિલ પણ લખતા નથી. વિલ લખવું બહુ જરૂરી છે. ‘શું લોકોએ ઉંમરના 75મા વર્ષે પહોંચ્યા પછી જ ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ?’ એવા અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં રાવે કહ્યું કે, આર્થિક ધ્યેય નક્કી કરવા, ઈમરજન્સી ફંડ તૈયાર કરો, હેલ્થ વીમો કઢાવવો, જીવન વીમો કઢાવવો જોઈએ અને આ જ રીતે ધીમે ધીમે આર્થિક સ્વતંત્રતા હાંસલ કરી શકાય. પાંચમી સપ્ટેમ્બરે વેબિનારના બીજા હિસ્સામાં આપણે આર્થિક ગુરુઓ પાસેથી રિટાયરમેન્ટ માટે પ્લાનની જરૂરિયાત વિશે માર્ગદર્શન મેળવીશું.
શું જિંદગીમાં આર્થિક સ્વતંત્રતા પહેલા હોવી જોઈએ કે નિવૃત્તિ? એ સવાલના જવાબમાં અમિત ત્રિવેદીએ કહ્યું કે, નિવૃત્ત થવું કે ન થવું એ વ્યક્તિની પસંદગી છે. અને કયા પ્રકારનું કામ કરવું એ પણ તમારી પસંદગી છે. નિવૃત્તિ પહેલાં આર્થિક સ્વતંત્રતા હાંસલ ન કરવાથી બાકીની જિંદગી બહુ મુશ્કેલ બની જાય.
આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિતે લોન લેવાની માનસિકતા વિશે કહ્યું કે, ‘લોન વિશે મારું તો કહેવું છે કે એનું ઊલટું કરવું એટલે કે ‘ન લો’.’
(સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)
