‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર 10 ઓક્ટોબરે નિષ્ણાત વક્તાઓએ વિશેષ વેબિનાર સિરીઝમાં ‘માર્કેટ ઓલ-ટાઈમ હાઈઃ સમય છે સંપત્તિની યોગ્ય વહેંચણી અને રોકાણનો’ વિષય પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચર્ચાના મુદ્દા હતાઃ સંપત્તિની વહેંચણી એટલે શું? અત્યારે શા માટે?, સંપત્તિની વહેંચણીના વિવિધ એકમો અને સ્થિર તથા જવાબદારીપૂર્વકનું રોકાણ.
આ વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના રીટેલ સેલ્સ વિભાગના વડા ભવદીપ ભટ્ટ અને પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદી. અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.
શૈલેન્દ્ર દીક્ષિતે સ્માર્ટ ઈન્વેસ્ટર કોને કહેવાય એની સમજ આપતાં જણાવ્યું કે, જ્યારે આપણે ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ, વગેરેમાં ઈન્વેસ્ટ કરીએ છીએ ત્યારે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે દરેકમાં અસ્થિરતા તો રહેવાની જ. આપણામાંના મોટા ભાગના ઈન્વેસ્ટરોની સૌથી મોટી ચિંતા માર્કેટની અસ્થિરતાની હોય છે. લોકો દ્વિધામાં રહે કે હાલના તબક્કે માર્કેટમાં પ્રવેશવું કે નહીં. તો અહીં જણાવી દેવું જરૂરી છે કે અસ્થિરતાને હટાવી શકાતી નથી. એને મેનેજ જરૂર કરી શકાય.
અગાઉ, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના આરંભે નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો અને કહ્યું કે ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ દ્વારા આ વેબિનારશ્રેણીના આયોજનનો હેતુ રોકાણને લગતા વિવિધ પાસાં વિશે, દરેક વર્ગનાં લોકોની જરૂરિયાત જાણવા તેમજ ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં રોકાણકારોની સમજણ વધે એ માટેનો રહ્યો છે. અમને એ વાતનો આનંદ છે કે આ વેબિનારને રોકાણકારો-દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
(સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)