અમદાવાદઃ અનુકૂળતા, આશા અને અપેક્ષા વચ્ચે ઝૂલતા આપણા દેશના અર્થતંત્ર માટે આ એક મહત્વનો સમયગાળો છે ત્યારે વચગાળાનું અંદાજપત્ર રજૂ થયું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી બે દિવસ પહેલાં જ અંદેશો આપ્યો હતો કે આ વખતના અંદાજપત્રનું ક્ષેત્ર દિશા-નિર્દેશ કરવાનું રહેશે. આર્થિક પગલાંઓ અને કાયદાની જોગવાઈઓ તો જુલાઈના સંપૂર્ણ અંદાજપત્ર દ્વારા આવશે. એક રીતે જોવા જાઓ તો આ તો વાજિંત્રોના તારની મિલાવટ છે, વાદન તો જુલાઈમાં થશે.
આ વચગાળાના અંદાજપત્રમાં જૂની ડિમાન્ડ રદ કરવાનો પ્રસ્તાવ આવકાર્ય છે. મહદંશે આ ડિમાન્ડ આવકવેરા ખાતાના જૂના રેકોર્ડ પૂર્ણ ન હોવાને કારણે ઊભી છે. કર ભરનારાઓએ ચુકવણી કરી હોવા છતાં જ્યારે આવકવેરાના રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ ન હતા ત્યારે એને ચોપડે એ ચુકવણી નોંધાઈ ન હતી અને એ જ અપૂર્ણ ચોપડાની વિગતો કોમ્પ્યુટરમાં મુકાઈ હતી. જોકે ડિમાન્ડ રદ કરવાની મર્યાદા વધારવી જોઈએ એ માગણીને વાજબી ગણી શકાય.
હવે જુલાઈમાં પૂર્ણ અંદાજપત્ર કેવી જોગવાઈઓ લાવશે એની રાહ જોવી રહી.
(સ્નેહલ ન મુઝુમદાર)
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યક્ષ (ભારત) ઇન્ડો યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, યુએસએ)