નવી દિલ્હીઃ ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવા સંબંધિત કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સરકાર ગરીબોને માત્ર મફત રાશન ઉપલબ્ધ કરાવવાને બદલે રોજગારીના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે.
કોર્ટે કહ્યું હતું કે જો આટલા મોટા સ્તરે રાશન ઉપલબ્ધ કરાવવાની પ્રથા જારી રહી તો રાજ્ય સરકારો લોકોને ખુશ કરવા માટે રાશન કાર્ડ જારી કરવાનું જારી રાખી શકે છે, કેમ કે રાજ્યોને માલૂમ છે કે રાશન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
જો રાજ્યો મફત રાશન કરાવવા માટે નાણાકીય સંકટનો હવાલો આપતાં કહેશે કે એ આવું નથી કરી શકતાં, એટલા માટે વધુ નોકરીઓ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવું જોઈએ. જો રાજ્ય રાશન કાર્ડ જારી કરતા રહેશે તો તેમને રાશન પૂરું પાડવું જોઈએ.
કેન્દ્રના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી હતી કે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ 80 કરોડ લોકોને ઘઉં અને ચોખાની સાથે અન્ય જરૂરી ચીજવસ્તુઓના રૂપમાં મફત રાશન પૂરું પાડે છે. આશરે બેથી ત્રણ કરોડ લોકો હજી આ યોજનાથી બહાર છે.
કોર્ટ શ્રમિકોની સમસ્યાઓ પર અને દુર્દશા પર થયેલી એક અરજી પર વિચાર કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આ ઓળખ કરવામાં આવેલા લોકોને ટૂંક સમયમાં રાશન કાર્ડ જારી કરવા જોઈએ.