ભરુચ: દર વર્ષે દહેજ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી ખેડૂતો સાથે કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી બે અલગ-અલગ કાર્યક્રમો સાથે કરવામાં આવી. જેમાં ખેડૂતોને તાલીમ અને ખેતી વિકાસની સહાય એ.કે.આર.એસ.પી., નેત્રંગ, તાલુકા ખેતીવાડી વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવી હતી. આ બે કાર્યક્રમમાં લગભગ 300 સક્રિય ખેડૂતોએ લીધો હતો. જેમાં ૭૦ જેટલી મહિલા ખેડૂત પણ હાજર હતી. શેરડીના પાકમાં આધુનિકતા અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ વિશેની તાલીમ કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક લલીત પાટીલએ આપી હતી. કે.વી.કે. દ્વારા ખેડૂતને બિયારણ, સેપ્લિંગ અને પાકના ઈન્પુટ વિતરિત કરાયા હતા.અદાણી ફાઉન્ડેશન દ્વારા આગાખાન સંસ્થા સાથે મળીને ખેડૂતોને જૈવિક ખેતીની તાલીમ નિષ્ણાત રમણીકભાઈએ આપી હતી. જૈવિકિ ખેતી વિકસાવવા માટે જરૂરી એવા જીવામૃત, વિજામૃત, જૈવિક કોમ્પોસ્ટ વગેરેને બનાવવાની રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી. હાજર ખેડૂતોને 24000 જેટલા શાકભાજીના નાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનકડા કવચિયા ગામના જય અંબે સખી મંડળના 10 સભ્યોને વર્મીકોમ્પોસ્ટ બનાવવામાં માટે જરૂરી બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેજના અદાણી ફાઉન્ડેશન સી.એસ.આર. હેડ ઉષાબેન મિશ્રા, AKRSPના નિતેશભાઈ અને તેમની ટીમ, FPO પ્રમુખ જસવંતભાઈ વસાવા, નેત્રંગના ગ્રામ સેવક, ભરતભાઇ વસાવા હાજર રહ્યા હતા. કિસાન દિન નિમિત્તે ખેડૂતોને કિસાન દિવસનું મહત્વ, કૃષિમાં નવા-નવા સંશોધનો તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વગેરે પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી હતી.