Cooking Tips

Cooking Tips

નાળિયેર લાડુ

વેકેશનમાં બાળકો માટે નાળિયેર લાડુ બનાવીને ફ્રીજમાં મૂકી દો. આ ઠંડા લાડુ બાળકોને ગરમીથી રાહત આપશે અને પૌષ્ટિકતા આપશે તે નફામાં!

સામગ્રીઃ

ચાસણી માટેઃ

  • સાકર ½ કપ
  • પાણી ¼  કપ
  • દૂધ 1 ટી.સ્પૂન
  • દેશી ઘી 1 ટી.સ્પૂન

લાડુ માટેઃ

  • ફૂલ ફેટ દૂધ 1½ કપ
  • નાળિયેરની છીણ 2 કપ
  • એલચી પાવડર 1 ટી.સ્પૂન

રીતઃ એક પેન અથવા કઢાઈમાં સાકર તેમજ પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો. ચમચા વડે ચાસણીને હલાવતાં રહેવું. સાકર ઓગળીને ઉભરો આવે ત્યારે 1 ટી.સ્પૂન દૂધ ઉમેરવું. દૂધના ફીણમાં કચરો જમા થાય તે એક ચમચી વડે કાઢી લેવો જેથી ચાસણી ચોખ્ખી થઈ જાય. હવે તેમાં 1 ટી.સ્પૂન ઘી ઉમેરવું. ચમચા વડે ચાસણીને હલાવતાં રહેવું. ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને હજી ચમચા વડે હલાવતાં રહેવું. હવે આ ચાસણીની સાકર રવા જેવી દાણેદાર થવા માંડશે. જેને એક ચાળણી વડે ચાળી લેવી. જાડી સાકરને મિક્સીમાં એકવાર ફેરવીને ફરીથી ચાળી લેવી.

એક કઢાઈમાં 1½ કપ દૂધ ગેસની તેજ આંચે ગરમ કરવા મૂકીને એક તવેથા વડે 2-3 મિનિટ સુધી હલાવતાં રહો. હવે તેમાં નાળિયેરની છીણ ઉમેરીને ગેસની આંચ ધીમી કરીને દો 5-6 મિનિટ સુધી હલાવતાં રહો. ત્યારબાદ ગેસની આંચ તેજ કરી દો. મિશ્રણ સૂકું થાય એટલે ગેસ બંધ કરીને એક વાસણમાં આ છીણ કાઢી લો. તેમાં સાકર તથા એલચી પાવડર ઉમેરીને મિશ્રણ થોડું ઠંડું થાય એટલે લાડુ વાળી લો.

આ લાડુને ડબ્બામાં ભરીને ફ્રીજમાં ઠંડા કરવા મૂકી દો.

 

ચોખા-બટેટા વડી

ચોખા-બટેટાનો આ નાસ્તો બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે તેમજ બહુ સહેલાઈથી બની જાય છે. બાળકો આ નાસ્તો બહુ જ પસંદ કરશે!

સામગ્રીઃ

  • કાચા બટેટા 2
  • ચોખાનો લોટ 1 કપ
  • આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લસણની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટી.સ્પૂન (optional)
  • તેલ તળવા માટે

રીતઃ કાચા બટેટાને છોલીને ધોઈને ખમણીને એક મોટા બાઉલમાં પાણી લઈ તેમાં નાખો અને સારી રીતે ધોઈને તેમાંથી પાણી નિચોવીને એક બાઉલમાં કાઢી લો.

આ બટેટાની છીણમાં ચોખાનો લોટ, આદુ, મરચાં, લસણની પેસ્ટ, 1 ટે.સ્પૂન તેલ, સ્વાદ મુજબ મીઠું, જીરુ તથા કોથમીર મેળવો. હવે 1 કપ પાણી ઉમેરીને ચમચી વડે મિશ્રણને સરખું મિક્સ કરો.

એક કઢાઈમાં આ મિશ્રણ નાખીને ગેસની તેજ આંચ પર ગરમ કરવા મૂકો. મિશ્રણને ચમચા વડે સતત હલાવતાં રહેવું. ચોખાનું આ મિશ્રણ ચઢી જવા આવે એટલે કઢાઈ છોડીને જામવા માંડશે. ત્યારે ગેસ બંધ કરીને કઢાઈ ઉતારી લેવી.

એક થાળીમાં તેલ ચોપડીને ચોખાનું મિશ્રણ પાથરીને તવેથા વડે ચોરસ ફેલાવી દો. 1 સે.મી. જાડી વડી તૈયાર થાય એટલું જાડું થર પાથરવું. એક વાટકીના તળિયા વડે ઉપરથી તેને લીસું બનાવી દો. ત્યારબાદ ચપ્પૂ વડે તેના ચોરસ ટુકડા કરી લો. આ ચોરસ ટુકડાને વચ્ચેથી કાપો પાડી ફરીથી ત્રિકોણાકારમાં કટ કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ ટુકડાને સોનેરી રંગના તળી લો.

આ નાસ્તો સાંજે ચા સાથે અથવા લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પણ પીરસી શકાય છે.

રબડી આઇસ્ક્રીમ

આ ગરમીના દિવસોમાં સહેલાઈથી બની જતો રબડી આઇસ્ક્રીમ ખાવા મળે અને તે પણ ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીથી તો જલસો પડી જાય! જ્યારે મનફાવે ત્યારે બનાવી લો આઇસ્ક્રીમ ઘરે જ!

સામગ્રીઃ

  • સાકર 1 કપ
  • દૂધ 1½ ગ્લાસ
  • એલચી પાવડર 1 ટી.સ્પૂન (optional)
  • મલાઈ 2 ટે.સ્પૂન (optional)
  • ફોઈલ પેપર ગ્લાસ ઢાંકવા માટે
  • બદામ-પિસ્તાની કાતરી (optional)

રીતઃ એક પેન અથવા કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 1 કપ સાકર નાખીને  ફક્તકતફ  1 ચમચી પાણી મેળવો અને ગેસની તેજ આંચે ગરમ થવા દો. એક ઝારા અથવા સ્પેટુલા વડે એકસરખું હલાવતાં રહો. સાકર ઓગળીને પ્રવાહીનો રંગ બ્રાઉન થવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. અહીં આ રીતે સાકરનું કેરેમલ તૈયાર થઈ ગયું છે. એલચીનો સ્વાદ ભાવતો હોય તો એલચી પાવડર મેળવી દો.

હવે તરત જ દૂધ મેળવી દો અને ઝારા વડે સતત હલાવતા રહો. દૂધ રેડવાથી કેરેમલ સ્ટીકી થઈ જશે. પરંતુ એકસરખું મિશ્રણને હલાવતાં રહેવું, જેથી કેરેમલ ઓગળી જાય. કેરેમલ ઓગળે એટલે ગેસની આંચ તેજ કરીને 15-20 મિનિટ માટે દૂધ ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને દૂધને ઠંડુ થવા દો.

દૂધ ઠંડું થયા બાદ તેને મિક્સીમાં રેડીને મલાઈ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. મલાઈ ન નાખવી હોય તો 2-3 સ્ટીલના ગ્લાસ લઈ તેમાં દૂધ રેડીને બદામ-પિસ્તાની કાતરી ભભરાવીને ગ્લાસને ઉપરથી ફોઈલ પેપર વડે ઢાંકીને ફિટ બંધ કરી લો. સ્ટીલના ગ્લાસને બદલે ડિસ્પોજેબલ ગ્લાસ પણ લઈ શકાય છે. ગ્લાસને ફ્રીજરમાં આખી રાત માટે રહેવા દો અથવા 6-7 કલાક માટે રહેવા દો.

ફ્રીજરમાંથી ગ્લાસ કાઢી લીધા બાદ એક મોટા બાઉલમાં ગ્લાસનું તળિયું ડૂબે એટલું થોડું પાણી રાખી તેમાં 2 મિનિટ માટે ગ્લાસ રાખો. જામેલી આઇસ્ક્રીમમાં સ્ટીક અથવા ચપ્પૂ ભેરવીને હળવેથી ગ્લાસમાંથી બહાર પ્લેટમાં કાઢી લઈ ગોળ સ્લાઈસમાં કટ કરીને સર્વ કરો.

સૂકા નાળિયેર-મગજતરીના લાડુ

સૂકા નાળિયેર અને મગજતરીના બીમાંથી બનતાં આ લાડુ માઈગ્રેન, માથાના દુખાવાના ઈલાજ માટે તેમજ ગરમીના દિવસોમાં પણ ઘણાં જ લાભકારી છે. જે મગજને તેમજ આંખોને પણ સતેજ રાખે છે. રોજ સવારે નાસ્તામાં એક લાડુ ખાવાથી 15-20 દિવસમાં માઈગ્રેનની સમસ્યામાં રાહત જણાય છે.

સામગ્રીઃ

  • 2 સૂકા નાળિયેરની છીણ
  • મગજતરીના બીજ ½ કપ
  • કાળા મરી પાવડર ટી.સ્પૂન 1
  • બદામ 15-20
  • એલચી પાવડર 1 ટી.સ્પૂન
  • દેશી ઘી 100 ગ્રામ
  • સાકર 1 કપ

રીતઃ મગજતરીના બીજ તેમજ બદામને મિક્સીમાં દરદરું અથવા બારીક જોઈતું હોય તો એ પ્રમાણે પીસી લેવું.

એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં દેશી ઘી ગરમ કરી કાળા મરી પાવડર નાખો તથા પીસેલા મગજતરી તેમજ બદામનો ભૂકો નાખીને ગેસની ધીમી આંચે 2 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ તેમાં નાળિયેરનું છીણ નાખીને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતડો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણ એક મોટા તાસમાં કાઢી લો.

એ જ કઢાઈમાં સાકર લઈ તેમાં ¾ કપ પાણી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ચાસણીને ઝારા વડે હલાવતાં રહેવું. આ ચાસણી અડધા તારની ચિપચિપી થવી જોઈએ. એટલે કે, મિશ્રણને અંગૂઠા અને આંગળી વડે તપાસો તો તેમાં 1 આખો તાર ના બનતાં અડધો તાર બનવો જોઈએ. કેમ કે, આખા એક તારની ચાસણીથી લાડુ કડક બનશે.

ચાસણી તૈયાર થાય એટલે તેમાં નાળિયેરનું મિશ્રણ નાખીને 2 મિનિટ માટે સાંતડો. મિશ્રણમાંની ચાસણી સૂકાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને એક તાસ અથવા થાળીમાં ઠંડું કરવા મૂકો.

મિશ્રણને બહુ ઠંડું નહીં કરવું. હાથમાં લઈને ગોલા વાળી શકાય તેવું થાય એટલે તેમાંથી નાના લાડુ વાળી લો.

આ લાડુ 1 મહિના સુધી સારાં રહે છે.

ઉનાળા માટે સ્વાસ્થ્યવર્ધક લાડુ

શિયાળામાં તો અનેક વસાણાં બનાવાય છે. પણ ઉનાળા માટે શરીરને ઠંડક આપતાં સ્વાસ્થ્યવર્ધક લાડુ પણ બને છે. વૈષ્ણવો લાલા (કાનુડા)ને પણ ઉનાળાના દિવસોમાં આ લાડુનો પ્રસાદ ધરાવે છે.

સામગ્રીઃ

  • ઘી 1 કપ, ઘઉંનો લોટ 1 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • બારીક રવો ½ કપ
  • ખસખસ 2 ટે.સ્પૂન
  • મગજતરીના બી 2 ટે.સ્પૂન
  • કાજૂની કાતરી 2 ટે.સ્પૂન
  • પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
  • એલચી પાવડર 1 ટે.સ્પૂન
  • દળેલી ખાંડ 1½ કપ

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસની ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. તેમાં ઘી ગરમ કરીને ઘઉંનો લોટ તથા ચણાનો લોટ નાખીને શેકો. ગેસની ધીમી આંચે લગભગ 10 મિનિટ સુધી તવેથા અથવા ઝારા વડે લોટ શેકતા રહો. લોટનો રંગ થોડો બ્રાઉન થવા આવે ત્યારબાદ તેમાં રવો નાખીને શેકો, જરૂર લાગે તો તેમાં થોડું ઘી નાખવું. ફરીથી 10 મિનિટ ધીમા તાપે આ મિશ્રણ શેકવું. 10 મિનિટ બાદ ખસખસ નાખીને 2 મિનિટ માટે શેકો. ત્યારબાદ તેમાં કાજુ, પિસ્તાની કાતરી, મગજતરીના બી તથા એલચી પાવડર પણ મેળવી દો. હવે ગેસ બંદ કરીને આ મિશ્રણને નીચે ઉતારીને એક તાસમાં કાઢી લો.  હાથમાં લઈને લાડુ વાળી શકાય તેવું મિશ્રણ સહેજ ઠંડું થવા દો.

થોડા ઠંડા થયેલા મિશ્રણમાં બુરૂ ખાંડ અથવા દળેલી ખાંડ મિક્સ કરી લો અને તેમાંથી લાડુ વાળી લો.

આ લાડુ 1 થી 2 મહિના સુધી સારા રહે છે.

કાચી કેરીનું શરબત

આ ગરમીની ઋતુમાં સખત તાપમાં શરીરમાં ઠંડક રહે તેમજ લૂ ના લાગે તે માટે કેરી તથા ફુદીનાનું શરબત ઘણું લાભકારી છે.  

સામગ્રીઃ

  • 3 તોતાપુરી કાચી કેરી
  • સાકર 3 કપ
  • ફુદીનાના પાન 1 કપ
  • દૂધ ¼ કપ
  • શેકેલા જીરાનો પાવડર 1 ટે.સ્પૂન
  • કાળું મીઠું 1 ટે.સ્પૂન
  • સાદું મીઠું 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
  • ફુડ કલર (લીલો) 2 ચપટી
  • લીંબુનો રસ 2 ટે.સ્પૂન

રીતઃ કેરીને ધોઈને છોલી લેવી. ત્યારબાદ તેના પર ચપ્પૂ વડે ઉભા કાપા પાડી લેવા. (એક કેરી પર 4-5 કાપા આવશે.) એક કૂકરમાં 1 ગ્લાસ જેટલું પાણી રેડી તેમાં ત્રણેય કેરી મૂકીને કૂકર ઢાંકીને 5-6 સીટી પાડી લેવી. કૂકૂરને થોડીવાર બાદ ખોલવું. કેરીને એક વાસણમાં ઠંડી કરવા મૂકી દેવી.

એક વાસણમાં 3 કપ સાકર લેવી. તેમાં 1½ કપ પાણી ઉમેરીને ગેસની તેજ આંચ પર ગરમ કરવા મૂકો. ઝારા વડે આ પાણી હલાવતાં રહેવું. પાણી થોડું ઉકળે એટલે ¼ કપ દૂધ ઉમેરી દો. જેથી સાકરને લીધે તેમાં રહેલો મેલ પાણીની ઉપર તરી આવશે. જેને ચાની ગળણી વડે કાઢી લેવો. ગેસની આંચ મધ્યમ રાખીને સાકર ઓગળવા દો.

કેરીનો પલ્પ ઠંડો થઈ જાય એટલે તેને મિક્સર જારમાં કાઢી લેવો. ગોટલી પરથી પણ પલ્પ કાઢી લેવો. તેને મિક્સીમાં પીસી લેવો. હવે તેમાં ફુદીનાના પાન નાખીને ફરી મિક્સી ફેરવી લો.

સાકર ઓગળીને ચાસણી તૈયાર થાય એટલે કેરી-ફુદીનાનો પલ્પ તેમાં મેળવી દો. મિશ્રણ એકરસ થાય એટલે તેમાં જીરુ, કાળું મીઠું, સાદું મીઠું, કાળા મરી પાવડર મિક્સ કરી લો. હવે તેમાં 2 ચપટી જેટલો ફુડ કલર (લીલો) ઉમેરી દો. મિશ્રણ એકરસ થાય એટલે ગેસ બંધ કરીને લીંબુનો રસ મેળવી દો.

શરબત ઠંડું થાય એટલે કાચની બાટલી અથવા ફુડ ગ્રેડ બોટલમાં ભરી લો. આ શરબત ફ્રીજની બહાર પણ 2-3 મહિના સુધી સારું રહે છે.

સામાના પરાઠા સાથે મખાણાનું રાયતું

ચૈત્રી નવરાત્રિની આઠમના વ્રત માટે સામાના પરાઠા અને મખાણાનું રાયતું બનાવી જુઓ. વ્રત માટેના આ સ્વાદિષ્ટ ફરાળનો સ્વાદ ચાખ્યા બાદ તમે વ્રત વિના પણ આ વાનગી બનાવશો.

સામગ્રીઃ

મખાણાના રાયતા માટેઃ

  • મખાણા 1 કપ
  • ઘી 1 ટે.સ્પૂન
  • તાજું દહીં 1 કપ
  • શેકેલા જીરાનો પાવડર ½ ટી.સ્પૂન તેમજ ½ ટી.સ્પૂન રાયતા ઉપર ભભરાવવા માટે
  • કાળા મરી પાવડર ¼ ટી.સ્પૂન
  • સિંધવ મીઠું (સ્વાદ મુજબ)
  • લીલા મરચાં
  • કોથમીર ધોઈને સુધારેલી 1 ટે.સ્પૂન
  • સાકર 1 ટી.સ્પૂન (optional)

સામાના પરાઠા માટેઃ

  • જીરુ ¼ ટી.સ્પૂન
  • 1 લીલું મરચું અથવા તાજું લાલ મરચું
  • કળીપત્તાના પાન 5-6
  • ઘી વઘાર માટે તેમજ પરાઠા શેકવા માટે
  • સામાનો લોટ અથવા સામો 1 કપ (સામો મિક્સરમાં દળી લેવો),
  • બાફેલા બટેટા 3
  • કોથમીર ધોઈને સુધારેલી 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
  • સિંધવ મીઠું (સ્વાદ મુજબ)

રીતઃ એક ફ્રાઈ પેનમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરીને એક કપ મખાણા તેમાં ક્રિસ્પી શેકી લેવા તથા એક વાસણમાં ઠંડા કરવા માટે મૂકો.

એક બાઉલમાં દહીં લઈ તેને ફેટી લેવું. તેમાં 1 લીલું મરચું સમારેલું, કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન, જીરા પાવડર, કાળા મરી પાવડર, સાકર (optional) તથા સિંધવ મીઠું 2 ચપટી જેટલું મિક્સ કરી લો. તેમાં અડધો કપ પાણી મેળવીને શેકેલા મખાણા મેળવી દો. બાઉલ ઢાંકીને ફ્રીજમાં 10 મિનિટ માટે રાખી મૂકો જેથી મખાણામાં દહીં એબ્સોર્બ થઈ જાય. દસ મિનિટ બાદ મખાણાનું રાયતું ખાવા માટે લઈ શકાય. રાયતા ઉપર જીરા પાવડર તેમજ ધોઈને ઝીણાં સમારેલાં કોથમીર તેમજ ફુદીનો ભભરાવવો.

એક કઢાઈમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરી તેમાં જીરુ તતડાવો. ત્યારબાદ મરચું તેમજ કળી પત્તાના પાન સુધારીને સાંતડો અને પોણો કપ પાણી હળવેથી ઉમેરીને ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં દળેલો સામો મેળવીને તરત જ ચમચા વડે હલાવો. સામો મેળવતાં જ પાણી સૂકાઈ જશે. ગેસની આંચ મધ્યમ રાખવી. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો.

બાફેલા બટેટાને છીણી વડે છીણી લો. સામાનો બંધાયેલો લોટ થોડો ગરમ હોય તે વખતે જ છીણેલા બટેટા મેળવી દો તથા તેમાં કોથમીર, કાળામરીનો પાવડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખીને ફરીથી લોટ બાંધી લીધા બાદ થોડું ઘીનું મોણ ચોપડી લેવું.

નોન સ્ટીક પેન અથવા લોખંડનો તવો ગેસ પર ગરમ કરવા મૂકીને સામાના લોટમાંથી લૂવો લઈ રોટલી વણો. અટામણ માટે સામાનો લોટ લેવો. ગેસની આંચ મધ્યમ રાખવી. તવામાં રોટલી એક બાજુએથી શેકાય એટલે ફેરવીને ઘી ચોપડવું. ઘઉંના લોટના પરોઠાની જેમ જ સામાની રોટલી પણ શેકી લેવી.

રોટલી તૈયાર થાય એટલે ઠંડા ઠંડા મખાણાના રાયતા સાથે પીરસો.

રવા-બટેટાની પુરી

ચટણી કે અથાણાં વિના પણ ખાઈ શકાતી રવા-બટેટાની આ પુરી ગરમાગરમ તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોને પણ આ પુરી બહુ ભાવશે.

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • ગરમ પાણી 1 કપ
  • રવો ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • આદુ-મરચાં પેસ્ટ 1 ટે.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 1 કપ
  • ચપટી હીંગ
  • લીંબુનો રસ (અથવા આમચૂર પાવડર) 1 ટી.સ્પૂન
  • ચીઝ ખમણેલું ½ કપ
  • પુરી તળવા માટે તથા મોણ માટે તેલ

રીતઃ 1 કપ ગરમ પાણીમાં રવો ભીંજવી દો. દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. બાફેલા બટેટા મેશ કરીને તેમાં ઉમેરી દો તથા સુધારેલી કોથમીર, આદુ-મરચાં પેસ્ટ, હીંગ, ખમણેલું ચીઝ તેમજ ચિલી ફ્લેક્સ અને જીરૂ પણ ઉમેરી દો. મીઠું સ્વાદ મુજબ ઉમેરવું. આ મિશ્રણને મિક્સ કરી લીધા બાદ તેમાં 1 કપ ઘઉંનો લોટ મેળવી દો. લોટ બંધાઈ જાય એટલે તેલનું મોણ લગાડીને 15 મિનિટ માટે લોટ ઢાંકીને રાખો.

હવે હાથમાં 2 ટીપાં તેલ લઈ આ લોટમાંથી લુવો લેવો. પુરી વણતા પહેલાં પાટલા તથા વેલણને તેલ ચોપડવું જેથી પુરી તેમાં ચોંટે નહીં અથવા લોટનું અટામણ લઈને પણ પુરી વણી શકાય છે.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ ગેસની તેજ આંચે પુરી તળી લો.

આ પુરી અથાણાં અથવા ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પણ પીરસી શકાય છે.

લીલા વટાણાનું અથાણું

શિયાળો જઈ રહ્યો છે. પરંતુ લીલા વટાણા હજુ મળી રહ્યાં છે. તો કેમ નહીં,  લીલા વટાણાનું અથાણું બનાવી લેવાય!

સામગ્રીઃ

  • લીલા વટાણા 2 કપ
  • રાઈનું તેલ 1 કપ
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • વરિયાળી 1 ટે.સ્પૂન તથા બીજી ¼ ટી.સ્પૂન
  • રાઈના કુરિયા 2 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • મેથી દાણા 1 ટી.સ્પૂન તથા બીજા ¼ ટી.સ્પૂન
  • કાશ્મિરી લાલ મરચાં પાવડર 1 ટે.સ્પૂન
  • સૂકાં લાલ આખા મરચાં 6
  • અજમો ½ ટી.સ્પૂન
  • આમચૂર પાવડર 1 ટી.સ્પૂન
  • કાળાં મરી 1 ટી.સ્પૂન
  • સફેદ સરકો (વિનેગર) 2 ટે.સ્પૂન
  • કાળું મીઠું ½ ટી.સ્પૂન
  • મીઠું 1½ ટી.સ્પૂન
  • ખાંડ 1 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કલૌંજી ¼ ટી.સ્પૂન

રીતઃ એક મોટા વાસણમાં વટાણા ડૂબે એટલું પાણી લઈ તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન ખાંડ ઉમેરી દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં વટાણા હળવેથી નાખીને ગેસની આંચ તેજ કરી લો. લગભગ 2 મિનિટ બાદ વટાણા પાણીની સપાટી પર આવવા લાગે એટલે ગેસ બંધ કરીને વાસણમાંથી વટાણા બહાર કાઢીને બીજા એક બાઉલમાં એકદમ ઠંડા પાણીમાં નાખી દો. થોડીવારમાં વટાણા ઠંડા થાય એટલે ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. હવે એક સુતરાઉ કાપડ પર વટાણા પાથરીને તેમાંનું પાણી સૂકાવા માટે તડકે સૂકવો અથવા ઘરમાં પંખા નીચે મૂકી દો.

મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં આખા ધાણા, જીરૂ, વરિયાળી, અજમો, મેથી દાણા, કાળાં મરી, સૂકાં લાલ આખા મરચાંને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. આ મસાલા ઠંડા થાય એટલે તેને મિક્સીમાં અધકચરા પીસી લો.

એક કઢાઈ અથવા પેનમાં રાઈનું તેલ 1 કપ ગરમ કરવા મૂકો. તેમાંથી વરાળ નીકળે એટલે ગેસ બંધ કરીને તેમાં અનુક્રમે મેથી દાણા, કલૌંજી, વરિયાળી દરેક ¼ ટી.સ્પૂન ઉમેરીને તેલને ઠંડું થવા દો.

વટાણા સૂકાઈ જાય (એકદમ કોરા હોવા જોઈએ, ના હોય તો ટીશ્યૂ પેપર વડે પાણી લૂછી દેવું) એટલે તેમાં મીઠું, કાળું મીઠું, હળદર, કાશ્મિરી લાલ મરચાં પાવડર તથા હીંગ, આમચૂર પાવડર, રાઈના કુરિયા ઉમેરીને ઠંડું થયેલું તેલ પણ તેમાં ઉમેરી દો. હવે 2 ટે.સ્પૂન વિનેગર મેળવીને એક ચમચા વડે આ સામગ્રી મિક્સ કરી લો. આ અથાણું સરખું ઢાંકીને એક દિવસ માટે રહેવા દો. બીજે દિવસે તમે જોશો તેલ ઉપર આવી ગયું હશે.

કાચની અથવા ચિનાઈ માટીની બરણી સ્વચ્છ ધોઈને તડકે કોરી સૂકવીને આ અથાણું તેમાં ભરવું. ઢાંકણમાં એક કોટન કાપડ લગાડીને બરણી બંધ કરીને એક અઠવાડીયા સુધી તડકે મૂકવું. તડકો ઘરમાં ન આવતો હોય તો પણ એક અઠવાડીયા પછી જ ખાવામાં લેવું.

આ અથાણું એક થી બે વર્ષ સુધી સારું રહે છે.

મારવાડી સ્ટાઈલ ભીંડાનું શાક

ભીંડા લગભગ બધાને ભાવતાં હોય છે. ભીંડાનું શાક પણ નિતનવી રીતથી બનાવી શકાય છે. આજે આપણે જે મારવાડી ભીંડાની રીત જાણીશું, તે વાંચતાં જ તમે પણ એ જ રીતથી ભીંડા બનાવશો!

સામગ્રીઃ

  • ભીંડા 250 ગ્રામ
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં સુધારેલા 2-3
  • આદુ 1 ઈંચ ખમણેલું
  • કાંદા 2
  • ટામેટાં 2
  • લાલ મરચું 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાંજીરુ પાવડર 1½ ટી.સ્પૂન તેમજ મીઠું ½ ટી.સ્પૂન
  • દહીં ½ કપ
  • ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

ભીંડાને મેરિનેટ કરવા માટેની સામગ્રીઃ

  • લાલ મરચું 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન તેમજ મીઠું ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન

રીતઃ ભીંડાને સરખાં ધોઈને એક સુતરાઉ કાપડ પર પાણી નિતરવા મૂકો. ભીંડામાંનું પાણી સૂકાય જાય એટલે ભીંડાના ડીચાં કાઢી લઈને બે ટુકડાને લગભગ 2 ઈંચના ટુકડામાં સુધારી તેમાં વચ્ચેથી કાપો મૂકો. ભીંડા સુધારી લીધા બાદ એક મોટા બાઉલમાં ભેગા કરી તેમાં લાલ મરચું, હળદર તેમજ મીઠું ઉમેરો. હવે તેમાં લીંબુનો રસ ફરતે રેડી દો. બાઉલમાંના ભીંડા હળવે હળવે ઉછાળો જેથી તેમાંનો મસાલો તેમજ લીંબુનો રસ સરખો મિક્સ થઈ જાય.

હવે તેમાં 2 ટે.સ્પૂન ચણાનો લોટ થોડો થોડો ભભરાવતા જાઓ અને બાઉલને પણ સાથે ઉછાળતા જાઓ. જેથી ચણાના લોટની લેયર ભીંડામાં લાગી જાય. ભીંડાને થોડીવાર ઢાંકીને બાજુએ મૂકો.

કાંદા છોલ્યા પછી તેના બહારના બે પડ કાઢીને એના ચોરસ ટુકડા કરી એક ડીશમાં મૂકી દો. બાકી રહેલા કાંદાને એકદમ ઝીણાં સમારી લો. ટામેટાંને ઝીણાં સમારી લો અથવા ખમણી લો.

એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં તેલ રેડીને જીરા તથા હીંગનો વઘાર કરો. હવે તેમાં સુધારેલા લીલા મરચાં તેમજ આદુ નાખીને 2-3 મિનિટ સાંતડીને ઝીણાં સમારેલાં કાંદા ઉમેરી દો. કાંદા થોડા લાલ થવા આવે એટલે ખમણેલાં ટામેટાં ઉમેરી દો અને ગેસની આંચ ધીમી કરીને કઢાઈ ઢાંકી દો.

બીજા ગેસ પર એક ફ્રાઈ પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ડીશમાં અલગ કાઢેલાં કાંદાના ચોરસ ટુકડા 2 મિનિટ સાંતડીને કાઢી લો. હવે તેમાં મેરીનેટ થયેલાં ભીંડા સાંતડવા મૂકો. વચ્ચે વચ્ચે ભીંડાને તવેથા વડે હલાવતાં રહેવું. ભીંડા નરમ થાય થોડા ચઢી જાય એટલે એક વાસણમાં કાઢી લો.

કઢાઈમાં સાંતડવા મૂકેલાં કાંદા, ટામેટાંમાં તેલ છૂટવા આવે એટલે  ½ કપ દહીં નાખીને ઝડપથી મિક્સ કરો જેથી દહીં ફાટી ન જાય. હવે કઢાઈને ફરીથી ઢાંકીને મસાલો ચઢવા દો. 3-4 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી મિક્સ કરીને સાંતડેલાં ભીંડા નાખીને હળવે હળવે મિક્સ કરો. ઢાંકીને 3-4 મિનિટ બાદ તેમાં ક્રન્ચી સાંતડેલા ચોરસ કાંદાના ટુકડા અને કોથમીર ભભરાવીને મિક્સ કરી દો અને ગેસ બંધ કરીને, કઢાઈને ગેસ પરથી ઉતારી લો.