પ્રિ-બજેટ સ્પેશિયલઃ પ્રત્યેક એસેટ પર કેપિટલ ગેઈન ટેક્સમાં રાહતની આશા આ બજેટમાં ફળશે?

કેપિટલ માર્કેટ અને ઈન્વેસ્ટર્સનો ઉત્સાહ વધશે?

ઈન્વેસ્ટર કોઈ શેર ખરીદીને એક વરસથી વધુ સમય (પછી ભલે તે એક દિવસ જ વધારાનો હોય) રાખી મૂક્યા બાદ વેચે અને તેને નફો થાય તો એ નફાને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ માનીને કરમુક્તિ અપાતી હતી, જેને કારણે ઘણાં રોકાણકારો શેર ખરીદ્યા બાદ તરત વેચવાને બદલે તેને જાળવી રાખતા હતા. આમ સટ્ટો ઓછો થતો અને હોલ્ડિંગ સમય વધતો. કારણ કે ઘણાં બે કે ત્રણ વરસ યા વધુ સમય પણ શેર રાખતા અને વેચતા ત્યારે નફા પર કરમુક્તિનો લાભ મેળવતા. આ જોગવાઈને લીધે લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળતું. જ્યારે કે એક જ વરસની અંદર વેચનારને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગતો હતો. બે બજેટ પહેલાં તત્કાલીન નાણાં પ્રધાને લોંગ ટર્મ કેપિટલ ગેઈનની રાહત પાછી ખેંચી લીધી હતી, જેમાં સરકારને કોઈ મોટો લાભ થયો નહીં, કિંતુ રોકાણકારોના ઉત્સાહને ઠેસ પહોંચી હતી. હવે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ વખતના બજેટમાં મૂડીબજાર જેની સૌથી મોટી આશા રાખી બેઠું છે એ છે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સની રાહત યા મુક્તિ જાહેર કરશે એવી ધારણા પાકી થતી જાય છે. જો ઈક્વિટી માર્કેટને વિકસાવવી હશે તો આ રાહત આવશ્યક છે. અગાઉ વરસો સુધી આ રાહત હતી, જેને બે બજેટ પૂર્વે રદ કરાઈ હતી.

રિયલ એસ્ટેટની જેમ

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સનું રેશનલાઈઝેશન (સુતાર્કિકીકરણ) કરવાનો આ મહત્ત્વનો સમય છે. સરકાર ઓવરઓલ આ લાભ લઈ શકે છે અને આપી પણ શકે છે. આ લાભ માત્ર શેરને જ નહીં, દરેક એસેટ્સને આપવો જોઈએ. જેમ કે પ્રોપર્ટીમાં જોગવાઈ એ છે કે ધારક તેની પ્રોપર્ટી વેચીને એ નાણાંનું ફરી પ્રોપર્ટીમાં જ રોકાણ કરે તો તેને કેપિટલ ગેઈન ટેક્સ લાગતો નથી. આની સમયમર્યાદા છે, જેને વધારવાની માગ પણ થઈ છે. હવે સરકાર વિચારે છે કે આવું શેરમાં પણ કરી શકાય. રોકાણકાર જો શેર વેચીને તેના નફાનું ફરી શેરમાં જ રોકાણ કરે તો તેને કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ આપી શકાય. જે રકમનું પુનઃ રોકાણ શેરમાં ન કરાય તેના પર ટેક્સ લાગી શકે. અલબત્ત, સરકાર આ માટે ચોક્કસ સમયગાળો પણ નક્કી કરશે. અગાઉ આ સમયગાળો એ વરસનો હતો તેને હવે બે વરસ યા ત્રણ વરસ પણ કરી શકાય છે. કિંતુ મહત્ત્વની વાત એ છે કે આનાથી લોંગ ટર્મ રોકાણ કરવાનું ચલણ વધી શકે.

નિષ્ણાંતોના મતે આનાથી દરેક એસેટ્સના રોકાણકારોને પ્રોત્સાહન મળશે. જોઈએ હવે નાણાં પ્રધાન ખરેખર આ મામલે શું રાહત લાવે છે? આશા પોઝિટિવ પગલાંની છે.

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)