નાયિકાનું આધુનિક સ્વરૂપઃ ઝીનત અમાન

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી, મોડેલ અને બ્યુટીક્વિન ઝીનત અમાનનો આજે ૧૯ નવેમ્બરના રોજ ૬૯મો જન્મદિન. સિત્તેર અને એંશીના દાયકાના સ્ટાર અભિનેત્રી ઝીનત ૧૯૭૦માં ‘મિસ એશિયા પેસિફિક’ ટાઈટલ જીતનાર પહેલી સાઉથ એશિયન યુવતી હતી. હિન્દી ફિલ્મોમાં એમને નાયિકાના આધુનિક સ્વરૂપ માટે હંમેશા યાદ કરાશે.

પંચગીનીની સ્કૂલમાં ભણ્યા પછી ઝીનત અમેરિકા ભણવા ગયા, પણ એ સ્નાતક ન થઇ શક્યા. મોડેલિંગ તરફ વળ્યા. મિસ ઇન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ પણ બન્યા. ૧૯૭૧માં ઓ.પી.રાલ્હનની ‘હલચલ’માં નાની ભૂમિકા કરીને ઝીનતે કરિયરની શરૂઆત કરી હતી. દેવ આનંદની ‘હરે રામ હરે ક્રિષ્ણ’માં ઝાહિદાએ ના પાડતાં છેલ્લી ઘડીએ ઝીનતને તક મળી અને પછી તો દેવ-ઝીનતની જોડીએ અડધો ડઝન સફળ ફિલ્મો આપી.

ઝીનતે બી. આર. ચોપ્રા, રાજ કપૂર, મનમોહન દેસાઈ, ફિરોઝ ખાન, નાસીર હુસૈન, મનોજ કુમાર, પ્રકાશ મેહરા, રાજ ખોસલા અને શક્તિ સામંત જેવા પ્રથમ હરોળના નિર્દેશકો સાથે કામ કર્યું છે. રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુન્દરમ’ માં ઝીનતની સેક્સ અપીલનો ભરપૂર ઉપયોગ થયો એ માટે એમની ખૂબ ટીકા પણ થઇ.

જો કે ‘ડોન’ની સફળતાએ બધું બદલી નાંખ્યું. આ ફિલ્મના નિર્માતા નરીમાન ઈરાની ‘ડોન’ બનતી હતી ત્યારે જ ગુજરી ગયા એટલે ઝીનતે આ ફિલ્મ માટે કોઈ ફી લીધી નહોતી. એ પછી ‘ધરમ વીર’, ‘છૈલાબાબુ’ અને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ની સફળતાથી ઝીનત અમાન પરદા પર છવાઇ ગયા.

એંશીના દાયકામાં મલ્ટીસ્ટારર ફિલ્મો આવી. આ બધી હીરો-ઓરીએન્ટેડ ફિલ્મોમાં સેક્સ અપીલ માટે પણ ઝીનતનો ઉપયોગ થતો હોવાની ટીકાઓ થઇ, પણ બી.આર.ચોપરાની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝુ’માં પોતાના અભિનયથી ઝીનતે ટીકાકારોને ખોટા પાડયા. એ પછી ‘કુરબાની’, ‘અલીબાબા ઔર ૪૦ ચોર’, ‘દોસ્તાના’ અને ‘લાવારીસ’ની સફળતાએ ઝીનતને આસમાનની ઉંચાઇએ પહોંચાડી.

૧૯૮૫માં એમણે મઝહર ખાન સાથે લગ્ન કર્યા અને એમને આઝાન અને ઝહાન નામના બે દીકરા છે. ૧૯૯૮માં પતિ મઝહર ખાનનું નિધન થયું. આજે ઝીનત દીકરાઓ સાથે રહે છે અને સામાજિક કે એવોર્ડ ફંક્શનમાં જાહેરમાં દેખા દે છે.

(નરેશ કાપડીઆ-સુરત)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]