બાંગ્લાદેશે કોલકાતા-ત્રિપુરાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા

ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. 2 ડિસેમ્બરે અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં ઘૂસણખોરી થઈ હતી. કોલકાતામાં ડેપ્યુટી હાઈ કમિશનની બહાર દેખાવો પણ થયા હતા. આ ઘટનાઓને કારણે બાંગ્લાદેશની સરકારે 3 ડિસેમ્બરે રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે આ માહિતી સામે આવી છે.કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યવાહક ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ અશરફુર રહેમાન ઢાકા પહોંચી ગયા છે. તેઓ બાંગ્લાદેશ સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈનને પણ મળ્યા હતા. ત્રિપુરાના બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈકમિશનર આરિફ મોહમ્મદ હાલ ઢાકા પહોંચ્યા નથી.બીજી તરફ અગરતલા-કોલકાતાની ઘટનાના જવાબમાં બાંગ્લાદેશમાં પણ દેખાવો થઈ રહ્યા છે. ગુરુવારે બાંગ્લાદેશી નેતાઓએ ઢાકામાં ભારતીય સાડીઓને સળગાવીને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશ સરકારે હજુ એ જણાવ્યું નથી કે બંને રાજદ્વારીઓને ક્યારે ભારત પરત મોકલવામાં આવશે. અગરતલા હાઈ કમિશનને ફરીથી ખોલવા અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને રાજદ્વારીઓ ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની સ્થિતિ પર રિપોર્ટ રજૂ કરશે.