સુરત: શ્રીમદ્ ભાગવત ગીતાનો સંદેશ વિદ્યાર્થીકાળથી જ બાળકોમાં આવે એવા ઉમદા હેતુથી સુરતનાં પુણા વિસ્તારની જય સરદાર વિદ્યાલયમાં માગશર સુદ એકાદશીના રોજ ગીતા જયંતીએ બાળકો દ્વારા ગીતાજીના અઢાર અધ્યાયના શ્લોકોનું પારાયણ કરવામાં આવ્યું. ધોરણ 8 થી 12ના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા બુધવારે સવારે 7:00 વાગ્યા થી 11:00 વાગ્યા સુધી સંસ્કૃતમાં જ શ્લોકોનું ગાન કરવામાં આવ્યું. જેના કારણે શાળાનું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.
જય સરદાર શાળાના આચાર્ય પરેશ પટેલ ચિત્રલેખા.કોમને જણાવ્યું, “બાળકોમાં સારા ગુણોનું સિંચન થાય, મા–ગીતાજી ઉપર પ્રેમ નિર્માણ થાય, ભગવાન કૃષ્ણપ્રેમી બની જીવનને એક અનોખી રીતે જીવતા થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. માં-ગીતાજીનું માધુર્ય બાળકોના મુખેથી ગવાય તેનાથી વિશેષ વાત કઈ હોય શકે. શાળા દ્વારા અવાર નવાર આવા કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપવા સતત પ્રયત્નો થાય છે.”
શૈક્ષણિક કાર્ય બંધ રાખીને આજનો દિવસ ભગવત ગીતાને નામ કરવામાં આવે છે. છેલ્લા ૧૭ વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે. આ સાથે નિત્ય પ્રાર્થનામાં પણ દરરોજ ગીતાના પાંચ શ્લોકનું પારાયણ કરવામાં આવે છે. એ રીતે વર્ષ દરમિયાન બે વખત વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના પાઠ થાય છે.