નક્ષત્રએ મુહૂર્તનો પ્રાણ છે, બીજાચાર અંગો સારા હોય (વાર, તિથી, યોગ, કરણ) પણ જો નક્ષત્ર શુભ ન હોય તો મુહુર્તનું મહત્વ રહેતું નથી. દરેક નક્ષત્રનો પોતાનો એક ગુણ છે, સ્વભાવ છે. તે ગુણ અનુરૂપ કાર્ય જો તે નક્ષત્રના દિવસે કરવામાં આવે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. નક્ષત્ર શોધવું બિલકુલ સરળ કાર્ય છે, ચંદ્ર લગભગ એક દિવસ એક નક્ષત્રમાં રહે છે, ચંદ્ર જે દિવસે જે નક્ષત્રમાં હોય તે નક્ષત્ર તે દિવસનું નક્ષત્ર કહેવાશે. નક્ષત્ર એ ભારતીય જ્યોતિષની દુનિયાને ભેટ છે, પ્રાચીન જ્યોતિષ નક્ષત્રના આધારે જ ફલાદેશને મહત્વ આપતું હતું. રાશિઓનું જ્યોતિષમાં મહત્વ બાદમાં આવ્યું છે. મેં એક વિદ્વાનને વિશોત્તરી દશાઓની ગણતરી કરતાં જોયાં હતાં, તેમની ગણેલી દશાઓ અને આપણી આજની ગણતરીમાં ઘણો ફેર હતો. તેમના મતે વર્ષ ૩૬૦ દિવસનું જ લેવાનું હતું. આ રીતના બધાં ઘણાં રહસ્યો કાળક્રમે અજ્ઞાત થઇ ચૂક્યાં છે.
મુહુર્તશાસ્ત્ર અટપટો વિષય છે, મેં હંમેશા જોયું છે કે શુભ મુહુર્ત સચવાતું નથી. જયારે જાતક પાસે સમય હોય ત્યારે શુભ મુહુર્ત મળતું નથી. પ્રસંગ આવતાંની સાથે જ લોકો મુહુર્ત ભૂલી જાય છે. મુહુર્ત બાબતે અનેક લોકોને પ્રશ્નાર્થ રહે છે. મુહુર્તમાં પાંચ મહત્વના અંગ છે, વાર, તિથી, યોગ, કરણ અને નક્ષત્ર, પરંતુમુહુર્તના અતિ મહત્વના ત્રણ અંગ કહી શકાય. તે છે વાર, તિથી અને નક્ષત્ર.વાર, તિથી અને નક્ષત્ર પણ જો તમે સાચવી લો તો તમને શુભ મુહુર્તનો લાભ મળે છે. રિકતા સિવાયની તિથિઓ સામાન્ય શુભ કહેવાય છે, ગુરુવાર, શુક્રવાર અને સોમવાર શુભ વાર કહેવાય.
નક્ષત્ર: સ્થિર, ચર, સામાન્ય, મૃદુ, ક્રૂર કે ઉગ્ર, લઘુઅને તીક્ષ્ણ કે દારુણ ગુણવાળા હોય છે. ઉર્ધ્વ, તિર્યંચ અને અધોગામી તરીકે પણ નક્ષત્રને અલગ કરી શકાય. અંધ, કાણ, દેખતા અને મંદ તરીકે પણ નક્ષત્ર અલગ પડે છે.
સ્થિર નક્ષત્ર રોહિણી, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તર ભાદ્રપદમાં નવી નોકરીએ જોડાવાનું, ભવનનો પાયો નાખવાનું, લાંબી મુદતના કરાર કરવાનું કાર્ય કરી શકાય.
ચર નક્ષત્ર શ્રાવણ, સ્વાતિ, શતભિષા, ધનિષ્ઠા અને પુનર્વસુ, આ નક્ષત્રોમાં મુસાફરી, યંત્રચાલન, વાહન ખરીદી, સામાન હેરફેર વગેરે કાર્ય કરી શકાય.
ક્રૂર કે ઉગ્ર નક્ષત્ર એટલે ત્રણ પૂર્વ નક્ષત્ર, ભરણી અને મઘામાં ઉગ્ર કાર્યો જેવા કે, કોર્ટમાં વિવાદ માટે કેસ કરવો, શત્રુ પર આક્રમણ, જુના મકાનને તોડવાનું કાર્ય, તાંત્રિક કાર્ય વગેરે આ ઉગ્ર નક્ષત્રોમાં થઇ શકે.
લઘુ નક્ષત્ર એટલે કે અશ્વિની, પુષ્ય, હસ્ત અને અભિજિત, આ નક્ષત્રોમાં ખરીદ વેચાણ, સુખ ભોગ, મિલન મુલાકાત કે ટૂંકી મુસાફરીનું આયોજન થઇ શકે.
મૃગશીર્ષ, ચિત્રા, અનુરાધા અને રેવતી આ બધા મૃદુ નક્ષત્ર છે, મૃદુ નક્ષત્રોમાં મિત્ર સાથે મિલન, કવિતા લેખન, પ્રેમનો અનુભવ, પ્રિયજનની મુલાકાત વગેરે કાર્યો સિદ્ધ થાય છે.
મૂળ, જયેષ્ઠા, આશ્લેષા અને આર્દ્રા આ તીક્ષ્ણ નક્ષત્ર છે, આ નક્ષત્રોમાં વાદવિવાદ અને યુદ્ધ પરાક્રમ જેવા કાર્યો થાય છે, આ નક્ષત્ર શુભ કાર્યો માટે વર્જ્ય ગણી શકાય.
અંધ નક્ષત્ર,રોહિણી, પુષ્ય, ઉ.ફા., વિશાખા, પૂ.ષા., ધનિષ્ઠ અને રેવતીમાં અગર ચીજ ખોવાય કે ચોરી થાય તો તેને પાછાં મળવાની સંભાવના રહેતી નથી. દેખતાં નક્ષત્ર, પુનર્વસુ, પુ.ફા., સ્વાતિ, મૂળ, શ્રાવણ, ઉ.ભા., કૃતિકામાં અગર ચીજ ખોવાય કે ચોરી થાય તો તેને પાછા મળવાની સંભાવના ખૂબ વધુ રહે છે. જે દિવસે તમારી ચીજ વસ્તુ ખોવાય તે દિવસનું નક્ષત્ર જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે ચીજ પાછી મળશે કે નહીં.જે દિવસે તમારી ચીજ વસ્તુ ખોવાય તે દિવસનું નક્ષત્ર જોઇને તમે જે-તે નક્ષત્રની દિશા જાણીને તે દિશામાં શોધ કરવાથી ચીજ પાછી મળી શકશે.
તીક્ષ્ણ નક્ષત્રમાં જો કોઈ મનુષ્ય માંદો પડે તો તેનો રોગ ખૂબ વધે છે, જલદી સાજો નથી થતો. જો કોઈ અતિરોગી અને ઉંમરલાયક વ્યક્તિ તીક્ષ્ણ નક્ષત્રમાં અકસ્માત કે ઈજા અનુભવે તો તે મૃત્યુતુલ્ય બની જાય છે. જે તે કાર્ય સમયે તે દિવસનું નક્ષત્ર જોઇને તમે કાર્ય આરંભ કરશો તો મહેનત સાથે દૈવીય સહાય પણ ચોક્કસ મળશે.